પશ્ચાતાપ .
સંતે તેને કહ્યું, જે રીતે પીછાં પાછા મેળવી ન શકાય તેમ એકવાર મોઢામાંથી નીકળેલા શબ્દો અને ધનુષ્યમાંથી નીકળેલું બાણ પાછા ફરી ન શકે એટલે કોઇ દિવસ વગર વિચારે બોલવું ન જોઇએ.
એ ક સમયની વાત છે. ગામના એક ખેડૂતને તેના શેઢા પડોશી સાથે વર્ષોથી સારા સબંધો હતા, પરંતુ એક દિવસ એક નાની બાબતમાં તેણે ગુસ્સામાં આવી પડોશી ખેડૂતને ખૂબ ખરી ખોટી સંભળાવી દીધી.
સમય જતાં તેને પડોશી સાથેેના આ અભદ્ર વ્યવહારથી બહુ અફસોસ થયો. થોડા દિવસ પછી ન રહેવાતા તે તેના ગામમાં વસતા સંત પાસે પહોંચ્યો.
ખેડૂતે સંતને આખી વાત જણાવી અને કહ્યું કે, ''મને મારા કૃત્ય માટે ખૂબ અફસોસ થાય છે અને કામમાં ચિત્ત નથી ચોટતું. આપ બતાવો હું શું કરું જેથી મારા મનનો બોજો હળવો થાય.''
સંતે વિચારીને કહ્યું, ''તું એક કામ કર, પાસેના જંગલમાં જઇ પંખીઓના પીછાં વીણી લાવ.''
ખેડૂતને સંત ઉપર બહુ શ્રધ્ધા હતી તેથી બીજે દિવસે જંગલમાં જઇ કોથળો ભરી પીછાં ભરી લાવ્યો, અને સંત પાસે જઇ પૂછ્યું, ''બાપજી, હવે શું કરૂં ?''
સંતે કહ્યું, ''આપણા ગામમાં નગરશેઠની ઊંચી હવેલી છે, તેની અગાસી ઉપર ચડી અને આ પીછાં હવામાં ઉડાડી દે.''
ખેડૂતે તેમ જ કર્યું અને પાછો સંત સમક્ષ હાજર થયો. સંતે મુશ્કરાતા કહ્યું, ''હવે જઇને તે પીછાં પાછા વીણી લાવ.''
આજ્ઞાાંકિત ખેડૂત શેરીઓમાં જઇ પીછાં શોધવા લાગ્યો પણ પીછાં હવામાં ઊડી ગયેલા તેથી શોધી ન શક્યો. તે નિરાશ થઇ પાછો સંત પાસે જઇ હાથ જોડી અને હકીકત જણાવી.
એટલે હવે સંતે તેને કહ્યું, ''જીંદગીમાં આ ઉપરથી એક પાઠ શીખી લે, જે રીતે પીછાં પાછા મેળવી ન શકાય તેમ એકવાર મોઢામાંથી નીકળેલા શબ્દો અને ધનુષ્યમાંથી નીકળેલું બાણ પાછા ફરી ન શકે એટલે કોઇ દિવસ વગર વિચારે બોલવું ન જોઇએ.''
ખેડૂતે કહ્યું, ''બરોબર છે બાપજી, પણ આથી મારા દિલને કેવી રીતે શાતા પહોંચશે ?''
સંતે સમજાવ્યું, ''જો કોઇને કટુ શબ્દોથી દુ:ખ પહોંચાડવું એ એક પ્રકારનું 'પાપ કર્મ' છે. પરંતુ શુધ્ધ દિલથી પ્રાયશ્ચિત કરવું એ આપણી ઈશ્વર પાસેની ક્ષમા-યાચના છે. તને પસ્તાવો થયો એટલે તું દોષમુક્ત થયો છે, એટલે હવે તું નિશ્ચિંત થઇ તારા કાર્યમાં લાગી જા.''
ખેડૂતને આ વાત ગળે ઉતરી એટલે તે સંતને પ્રણામ કરી પોતાના કામે ચાલ્યો.
બાળ મિત્રો, ઈસાઈ ધર્મમાં આ માટે એક સરસ વિધિ છે, જેમાં પાપી દેવળમાં જઇ તેના ગુન્હાનો એકરાર પાદરી સમક્ષ કરે છે જેને 'કન્ફેશન' કહેવામાં આવે છે, જે વાત પાદરી સંપૂર્ણ રીતે ગુપ્ત રાખે છે.
આ રીતનું પ્રાયશ્ચિત ઈશુ સમક્ષ દોષમુક્તિની પ્રાર્થના છે. માન્યતા મુજબ ઈશ્વર તેને માફી બક્ષે છે !
આપણા કવિ કલાપીની આ સંદર્ભમાં સુંદર કાવ્ય પંક્તિઓ છે :
''હા પસ્તાવો વિપુલ ઝરણું;
સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઇને
પુણ્યશાળી બને છે.''
- જ્યોતિ ખીમાણી