વાવાઝોડા અને વંટોળિયા માત્ર પૃથ્વી પર જ નહીં પણ સૂર્યમાળાના બધા જ ગ્રહો પર થતાં હોય છે. દરેક ગ્રહ પોતાની ધરી પર ફરે અને સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા પણ કરે. આ ગતિવિધિને કારણે દરેક ગ્રહ પર ચક્રવાત અને વાવાઝોડા સર્જાય છે.
સૂર્યમાળાનો સૌથી મોટો ગ્રહ ગુરુ ધરી પર ફરવામાં ય સૌથી ઝડપી છે. તે આપણા દસ કલાકમાં એક ચક્ર પુરું કરે. કદની દ્રષ્ટિએ જોતાં તે પૃથ્વી કરતાં અનેકગણી ઝડપથી ફરે. એટલે તેની સપાટી પર વાવાઝોડા અને વંટોળિયા સતત ચાલુ હોય છે. ગુરુનું ટેલિસ્કોપથી નિરીક્ષણ કરી તો તેની સપાટી પર વિરાટ કદનું લાલ ધાબું દેખાય છે. ૪૦૦૦૦ કિલોમીટર વ્યાસના આ ધાબાને રેડ સ્પોટ કહેવાય છે. ઈ.સ. ૧૬૬૪ તે પ્રથમ વાર જોવા મળેલું. ગુરુનો આ રેડ સ્પોટ ખરેખર તો ચક્રવાત છે. તેમાં હાઈડ્રોજન, મિથેન, ફોસ્ફરસના ઘટ્ટ વાદળો ચક્રાકાર ફરે છે અને દર છ દિવસે દિશા બદલે છે. રેડ સ્પોટ ઘડિયાળના કાંટાની વિરૂધ્ધ દિશામાં ફરે છે. તેની ઝડપ ૩૬૦ કિલોમીટર પ્રતિકલાક છે. છેલ્લા ત્રણસો વર્ષથી ગુરુ પરનું આ તોફાન ચાલુ જ છે.


