Get The App

જેવા સાથે તેવા .

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
જેવા સાથે તેવા                                                        . 1 - image

- તારે મારી સાથે રહેવું પડશે. જે કામ જે રીતે કહું એ રીતે કામ કરવું પડશે. શરત એક જ છે, જો તું તારા પર ગુસ્સે થઇ જા તો હું તને લાત મારીને કાઢી મૂકીશ, એક પણ પૈસો આપ્યા વગર... પણ જો હું તારા પર ખીજાઈ જાઉં તો તને એક લાખ રોકડા આપીશ!

- જસુબેન પંડયા 

એક ખેડૂત હતો. તેને ત્રણ દીકરા. ખૂબ જ ગરીબ સ્થિતિ. બીજાના ખેતરમાં કામ કરી અને થોડા ઘણા પૈસા મળે. ખેડૂત પત્ની ત્રણ-ચાર ઘરનાં કામ કરે ત્યારે માંડ માંડ પૂરું થાય.

બધા હેરાન થઇ ગયા હતા. મોટો પુત્ર રામ બોલ્યો 'હું બહારગામ જઇ કંઇક કામ શોધવાનો પ્રયત્ન કરું છું.' 

માએ થોડા થેપલાં બાંધી દીધાં. પણ રામ ત્રીજે દિવસે નિરાશ, ભૂખ્યો પાછો આવ્યો. બધાએ ખૂબ પૂછ્યું, પણ તે કંઇ બોલ્યો નહીં. પછી વચેટ ભાઈ મહેન્દ્ર બહારગામ ગયો. તે પણ આમ જ પાછો આવ્યો - ભૂખ્યો, લથડિયા ખાતો. તે પણ કંઇ બોલ્યો નહીં.

સૌથી નાનો પુત્ર ભરત થોડોક બુદ્ધિશાળી હતો. તેને થયું કંઇક તો છે, જે આ બંને જણા છૂપાવે છે.

ગામમાં એક બસ સ્ટન્ડ હતું. જેમને કામ જોઇતું હોય તે ત્યાં જતા અને જેમને કામ કરનાર જોઇતા હોય તે પણ ત્યાં જ જતા. વાતચીત થતી અને નોકરી મળતી. ભરત પણ ત્યાં ગયો. થોડીવાર પછી એક ગાડી આવતી દેખાી. એ જોઇને બધા ભાગી ગયા. ભરત એકલો જ રહ્યો.

ગાડીમાંથી એક શેઠ ઉતર્યા. એમના હાથમાં લાકડી હતી. ભરતને ઉપરથી નીચે સુધી જોયો અને પૂછ્યું - 'કામ કરવું છે?'

'હા, શેઠ!' ભરત બોલ્યો.

'તો મારી શરતો માનવી પડશે.' શેઠે કહ્યું

'બોલો શેઠ...' ભરત બોલ્યો.

'બાજુના ગામમાં મારું ઘર છે, ખેતર છે. તારે મારી સાથે રહેવું પડશે. જે કામ જે રીતે કહું એ રીતે કામ કરવું પડશે. શરત એક જ છે, જો તું તારા પર ગુસ્સે થઇ જા તો હું તને લાત મારીને કાઢી મૂકીશ, એક પણ પૈસો આપ્યા વગર... પણ જો હું તારા પર ખીજાઈ જાઉં તો તને એક લાખ રોકડા આપીશ!' શેઠે હસતા હસતા કહ્યું.

'એક લાખ?'

'હા, હા... એક લાખ!' 

'મંજૂર છે,' ભરતે કહ્યું. એનું મન વિચારવા લાગ્યું કે આવી શરત પર તો બધા જ કામ કરી શકે... પણ બધા ભાગી શું કામ ગયા? એ શેઠની ગાડીમાં બેઠો. બે-એક કલાક પછી ગાડી એક મોટા ઘર પાસે આવીને ઊભી રહી.

શેઠ કહે, 'આ મારું ઘર. સામેની ઓરડી તારી. પાણી-બાણી પીને કામે લાગી જા. બગીચામાં છોડને પાણી પાવાનું છે, ખાતર નાખવાનું છે અને નકામાં છોડ ખેંચીને કાઢવાના છે.'

'ભલે શેઠ.'

કામ પત્યું ત્યાં સાંજ પડી ગઈ હતી. હાથ-મોં ધોઈ ભરત ઓસરીમાં બેઠો.

'વાહ, કામ તો સરસ કર્યું છે...' શેઠ બોલ્યા.

'તમને ગમ્યુંને? થાક પણ લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે.'

'પેલું બોર્ડ વાંચ,' શેઠે કહ્યું. 

બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું હતું - 'જમવાનું કાલે મળશે.'

ભરત કહે, 'ભલે, શેઠ.'

ભરતે માએ આપેલા ઢેબરા ખાઈને અને પાણી પીને લંબાવ્યું. વહેલી સવારે શેઠે જગાડયો,'ભરત, તૈયાર થઇ જા, એટલે ખેતર બતાડી દઉં.'

'ભલે, પહેલા ચા-શીરામણ કરીએ...' 

શેઠ પેલું બોર્ડ વાંચવા કહ્યું. ભરતને કંઇક સમજાયું.

'અરે, હું, જમવાનું નથી માગતો. નાસ્તો માગું છું. શેઠ તમને ખીજ નથી ચડતીને?'

'ના, ના, એક કામ કર, ખેતરમાં ઉગાડેલા ઘઉં પડયા છે. તેમાંથી થોડા ખાઈ લેજે. ભલે?' શેઠે કહ્યું.

'મારે જોઇએ એટલા લઇ શકું ને?'

'હા, હા, ચાલ હવે.'

બંને ખેતરે આવ્યા. શેઠે કામ સમજાવ્યું પછી મરક મરક હસતા ચાલ્યા ગયા.

ભરત વિચારવા લાગ્યો. એને ખ્યાલ આવી ગયો કે શેઠ આ બોર્ડ રોજ બતાવશે, જમવા આપશે નહીં.

આજુબાજુમાં નજર ફેરવી. એક થેલી દેખાઈ. થેલીમાં ઘઉં ભરીને તે ગામ તરફ ચાલ્યો. ધીરે ધીરે બધી બાજુ નજર ફેરવતો ફેરવતો ધીમે ધીમે ચાલતો હતો તેને એક માજી દેખાયાં. તૂટેલી ઝૂપડી જેવા ઘર પાસે બેઠા બેઠા આંખો લૂછી રહ્યાં હતાં. તેની પાસે જઇ ભરત બોલ્યો, 'જયશ્રી કૃષ્ણ, મા.'

'જયશ્રી કૃષ્ણ, બેટા' આંખો લૂછતા માજી બોલ્યાં.

'મા, ભૂખ્યો છું. ઘઉંની થેલી છે તેના બદલામાં નાસ્તો મળશે?'

માજીની આંખમાં ચમક આવી. 'લાવ, પેલા કરિયાણાવાળાને ત્યાં ઘઉં વેચીને લોટ, દૂધ, ચા, ખાંડ તેલ લેતી આવું.'

માજીએ સરસ મઝાની ચા અને ભાખરી બનાવી. બંનેએ નાસ્તો કર્યો.

માજીના પરિવારમાં કોઈ પણ નહોતું. ઘણા દિવસે પેટ ભરીને જમ્યાં. ભરત ઝડપથી ખેતર ગયો અને બે થેલી ભરીને ઘઉં લાવ્યો.

'મા, તને ચિંતા ન કરતાં. આ ઘઉં લઇને આપણા બંને માટે સાંજનું સરસ ભોજન બનાવજો.'

કહીને તે ઝડપથી ખેતરે પોહંચ્યો. ઝડપથી સરસ રીતે બધુ કામ પતાવ્યું. શેઠ સાંજે આવ્યા. ખુશ થયા.

'વાહ, ખૂબ ચોખ્ખું કામ છે.'

'ચાલો ઘરે...' ભરત બોલ્યો, 'ખૂબ જ ભૂખ લાગી છે.'

ઘરે આવીને તરત જ ભરતે ધાર્યું હતું એ મુજબ શેઠે બોર્ડ બતાવ્યું. 

'ઓહો... શેઠ, હવે ઘઉં લઇ લવ?' 

'હા, હા, જા...'

ભરત માજી પાસે ગયો. માજી સરસ રોટલા, શાક, ખીચડી, કઢી બનાવીને તેની રાહ જોઈ રહ્યાં હતાં. બંને પેટ ભરીને જમ્યાં. 

માજી કહે, 'સવારે ચા પાણી પણ થઇ જશે, બેટા...' 

'ભલે.'

ભરતે ચાલવા માંડયું. ભરત રોજ ઘઉંની થેલી લઇ આવે. માજી રોજ નવી નવી વાનગી બનાવીને જમાડે. બંને ખુશ. ભરત કામ પણ સરસ કરે. શેઠને એક પણ ફરિયાદ નહી.

શેઠો જોયું કે ભરતનું શરીર સૂકાવાને બદલે ભરાવા લાગ્યું હતું. કંઇક તો દાળમાં કાળું છે...

શેઠ ખેતરે ગયા.  ઘઉંનો ઢગલો જોઇને શેઠની રાડ બોલી ગઈ 'આટલા બધા ઘઉં ક્યાં ગયા?'

'મારા ભોજનમાં.' 

શેઠ તરત પૂછ્યું, 'પણ આટલા બધા ઘઉં તે ખાધા કેવી રીતે?'

'શું શેઠ, ભૂલી ગયા? તમને મેં પૂછ્યું હતું કે મારે જોઇએ એટલા ઘઉં લઉં? તમે હા પાડી હતી! એ ઘઉં વેચીને મે મારું જમવાનો બંદોબસ્ત કર્યો. જમ્યા વગર થોડું રહેવાય?'

શેઠ તો રાતાપીળા થવા લાગ્યા. આ જોઈને ભરત હસ્યો, 'શેઠ, તમને મારા પર ખીજ ચડ છે ને...?'

ધૂવાંફુઆ શેઠને એક લાખ રૂપિયા દેખાયા.  પરાણે હસીને કહ્યું, 'ના ભાઈ ના... પણ હવે તું ઘરે જમવાનું રાખજે હો.'

'એ હો...' ભરત બોલ્યો.

સાંજે શેઠ અને ભરત બંને સાથે જમવા બેઠા.

રોટલો તોડવા જ જતો હતો ત્યાં શેઠ બોલ્યાં 'ભરત, એક શરત છે. જમતી વખતે રોટલાની કોર તૂટવી ન જોઇએ. ફાવશે ને?'

'ફાવશે ફાવશે, પણ શેઠ જમવાનું પેટ ભરીને જોઇશે. કામમાં કઇ કસર હોય તો બોલો!'

ભરતે નાનું ચાકું કાઢ્યું રોટલામાં વચ્ચેથી ગોળ ચકતું કાપીને ખાઈ ગયો અને બીજો રોટલો માંગ્યો કાપેલા રોટલો બાજુ પર રાખ્યો.

એક બે ત્રણ...નવ, દસ...  ભરત કહે, 'હજી આપો... હજી આપો!'

શેઠ-શેઠાણી ધુંવાફુઆ થતાં હતાં. શેઠાણી કાથરોટ પછાડી ઉભા થઈ ગયાં.'અરે, અરે, ભરત.  તું રોટલાને કોર સહિત ખા  તો પણ કંઇ વાંધો નહીંં, હો ભઈલા. અન્નનો બગાડ ન કરાય, ભઈલા!' 

ભરત કહે, 'હા હો... સવારે ચા નાસ્તો કેટલા વાગે, શેઠ?' 

શેઠ બોલ્યા, 'આઠ વાગે...' 

'તમે ગુસ્સે છો?'

'ના ભઈ ના...'

'તો વાંધો નહ.ીંનહીંતર મને તો ઘઉં પણ સદી ગયા છે. લો...રામ રામ.'

કહી ભરત સૂવા ચાલ્યો ગયો.

શેઠાણી શેઠ પાસે આવ્યાં. કહે, 'આની રસોઈ હું નહીંકરું!'

'અરે, ઘઉં બધા લૂંટાવી દેશે એ! થોડા દિવસ ચલાવી લે. હું કંઇક કરું છું...' શેઠ અકળાયા. 

બીજા દિવસે શેઠ ભરતને બોલાવ્યો, 'નાસ્તો કરી લે. પછી ખેતર ખેડવા જવાનું છે.'

'ભલે.'

ખેતરમાં શેઠે ભરતને એક કાળિયું કૂતરું બતાડયું. 'આ કાળારામ દોડે એટલું બધું ખેતર ખેડાઈ જવું જોઇએ, હોંને?' 

'ભલે.'

સાંજે શેઠ ખુશ થતા થતા ખેતરે પહોંચ્યા. એ વિચારતા હતા- કાળારામ આખો દિવસ દોડયા જ કરતા હશે એટલે ભરત તો થાકીને ઠેં થઇ ગયો હશે...

પણ આ શું?

ભરતને શાંતિથી ઝાડ નીચે સૂતો હતો બાજુમાં કાળારામ કણસતા કણસતા બેઠા હતા. એમના એક પગ પર પાટો બાંધેલો હતો..

'એય!' શેઠ રાડ પાડી.

ભરત જાગ્યો.

'શેઠ, કેમ રાડ પાડી? ખીજાઈ ગયા?

'ના, ના, ના... પણ આ કાળારામને શું થયું?'

'વાડ કૂદવા ગયા અને પગ ભાંગ્યો, પગ ભાંગ્યો તો દોડયા નહી, દોડયા નહી તો ખેતર ખેડયું નહી... બરાબર?' ભરત બોલ્યા

'હા, હા ... બરાબર!'

શેઠ હવે થાક્યા હતા. આ તો માથાનો મળ્યો! આનું જલદી કંઇક કરવું પડશે.

શેઠ પાસે સો જેટલી ગાયો હતી. શેઠ ખૂબ જ પ્રેમથી બધાને સાચવતા.

બીજે દિવસે સવારે શેઠે ભરતને કહ્યું, 'આ ગાયોને ચરાવવા લઇ જા. જો મારી લાડકી ગાયો છે. જ્યાં ત્યાં જવા દેવાની. રોકવાની નહીં. સાંજે બધીને ભેગી કરીને ઘેર લાવવાની, સમજ્યો?'

'શેઠ બપોરનું જમણ?'

'જા શેઠાણી પાસે. એ બાંધી આપશે...' શેઠે છણકો કર્યો.

ઢોર લઇને ભરત તો ગામની બહાર જંગલમાં પહોંચ્યો. ત્યાં એક ગોવાળ દોડતો દોડતો આવ્યો અને ગાયોને વહાલ કરવા માંડયો. ભરતે પૂછ્યું, 'તું આ ગાયોને ઓળખે છે? એ પણ તને ઓળખતી લાગે છે,' 

'હા! મેં વર્ષો સુધી એમની સેવા કરી છે. શેઠના બાપા ગુજરી ગયા એટલે શેઠે મને કાઢી મૂક્યો. મારા પાંચસો રૂપિયા પણ ન આપ્યા...' ગોવાળ બોલ્યો.

ભરત ઝડપથી વિચારવા માંડયો.

'એક કામ કર. આ ગાયોને આજનો દિવસ તું સાચવ. હું તારા પૈસા અને નોકરી બંને પાછા અપાવીશ.'

ભરત એક ગાયને કળણ તરફ દોરી ગયો.

ચાર વાગ્યે ભરત દોડતો દોડતો, રાડો પાડતો પાડતો શેઠ પાસે આવ્યો.

'શું થયું?' શેઠને ફાળ પડી.

'અરે શેઠ... આપણી ગાયો અને વાછરડાં...  અરેરે...' કહીને ભરતે પોક મૂકી. 

'પણ શું થયું?'

'તમે કહ્યું હતું ને કે જાય ત્યાં જવા દેવી. બધી ગાયો કળણમાં ખૂંચી ગઈ છે, એક જ બહાર દેખાય છે. તમે કાઢવામાં મદદ કરવા બોલાવવા આવ્યો છું?' ભરતે પોક મૂકી.

સડાક!

શેઠે એક તમાચો મારી દીધો, 'મારું લાખો રુપિયાનું ધન!'

'શેઠ તમે ખીજાઈ ગયા છો એ યાદ રાખજો પણ જલદી ચાલો!'

શેઠે કળણમાંથી બીજા માણસોને મદદથી ગાય કાઢી. શેઠ આખે આખા ગારાથી ભરાઈ ગયા હતા અને ભયંકર દેખાતા હતા.

ભરત ઘેર દોડી ગયો. 'શેઠાણી બા... શેઠાણી બા... પાગલખાનાનો એક પાગલ ભાગીને કળણમાં ફસાઈ ગયો હતો.  તે હવે આ બાજુ આવી રહ્યો છે. દરવાજો ખોલતાં નહીં.'

શેઠાણીએ તો લાકડી, પાવડા વગેરે દરવાજા પાસે ગોઠવીને દરવાજો બંધ કરી દીધો.

'દરવાજો ખોલ...' બહારથી રાડ પડી.

દરવાજો ખોલીને શેઠાણી તો લાકડીએ લાકડીએ મારવા જ માંડયું. 

'અરે... હું છું... જો તો ખરી...' શેઠ બરાડયા.

'હે...પણ ભરતે તો...'

'એક લાખ રુપિયા આપીને કાઢી મૂક એને!'

શેઠાણી પૈસા લઈને આવ્યાં. એ લઇને ભરત બોલ્યો, 'ઢોર પાછા જોઇતા હોય તો હજાર રુપિયા બીજા લાવો.'

'હં? હા, હા...'

ભરતે ગોવાળને બોલાવ્યો. તે બધી ગાયો અને વાછરડાં સાથે આવ્યો. કહે, 'લો શેઠ, તમારું ધન.'

ભરત કહે, 'મેં ગોવાળને તેની નોકરી પાછી અપાવવાનું વચન આપ્યું છે.'

'હા, હા, કાલથી આવી જજે... પણ તું જા, મારા બાપ.'

અને ભરત હસતો હસતો ત્યાંથી નીકળી ગયો. એ પોતાના ઘરે ગયો. બીજા દિવસે એ સવારે એ બસ સ્ટેન્ડ પર ગયો. શેઠને ત્યા જેટલા માણસો કામ કરી આવ્યા હતા તે બધાને બોલાવીને તેમના કામ પ્રમાણે પૈસા ચૂકવ્યા. બધાએ આભાર માન્યો.

પેલા માજીને તે પોતાની સાથે લાવ્યો હતો.  હવે માજી પણ ભરતના પરિવાર સાથે જ રહેતાં હતાં. ભરત અને તેનું કુટુંબ એક નાનકડા જમીનના ટુકડામાં શાકભાજી વાવી. થોડા વખતમાં જ એમની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ. 

હજી પણ ભરત ક્યારેક બસ સ્ટેન્ડ પહોંચી જાય છે. એને દૂરથી જોતાં જ શેઠ પોતાની ગાડી રિવર્સમાં ભગાડે છે. 

...ને આ જોઈને બધા ખડખડાટ હસે છે!