લિફટનો શોધક : એલિશાગ્રેવ્સ ઓટિસ
- વિશ્વના વિજ્ઞાાનીઓ
બ હુમાળી મકાનોમાં ઉપયોગમાં આવતી લિફ્ટને તો તમે ઓળખો છો. લિફ્ટના ઉપયોગનો ઇતિહાસ તો બહુ જુનો છે. ૨૦૦૦ વર્ષ પહેલાં આર્કિમિડિઝે લિફ્ટની શોધ કર્યાનું મનાય છે ત્યારબાદ ૧૭મી સદીમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં પણ બહુમાળી મકાનોમાં દોરડાવાળી અને ઓઈલ એન્જિનથી ચાલતી લિફ્ટ હતી. આજે ઉપયોગમાં આવે છે તેવી વીજળી વડે ચાલતી પણ સલામત લિફ્ટની શોધ એલિશા ઓરિસ નામના કારીગરે ૧૮૫૨માં શોધેલી.
ઓટિસનો જન્મ અમેરિકાના વર્મોન્ટ રાજ્યને હેલિફેક્સ શહેરમાં ઇ.સ. ૧૮૧૧માં થયો હતો. તે બહુ ભણ્યો નહોતો પરંતુ જાતજાતના મશીનો બનાવવામાં ઉસ્તાદ હતો. ૨૦ વર્ષની ઉંમરે ઘર છોડીને તે વેગન ડ્રાઈવર તરીકે જોડાયો. ત્યારબાદ બિમારીને કારણે વર્મોન્ટ હિલ ખાતે રહેવા ગયો અને ત્યાં લાકડા વહેરવાની સો મિલ શરૂ કરી.
ઓટિસને સો મિલમાંથી પૂરતી આવક થતી નહીં. તેથી તે ન્યુયોર્ક ગયો અને ત્યાં રમકડા બનાવવાની ફેક્ટરીમાં જોડાયો. તે જાતજાતના રમકડા બનાવતો. આ જ ફેક્ટરીમાં તેણે એક રોબોટ બનાવ્યો. આ રોબોટ પલંગની ફ્રેમ બનાવવામાં ઝડપી હતો. ફેક્ટરીના માલિકે ખુશ થઈ તેને મોટું ઇનામ આપ્યું. ઇનામની રકમમાંથી તેણે પોતાની ફેક્ટરી ઊભી કરી ટ્રેનો માટે નવી જાતની બ્રેક શોધી કાઢી અને ઓટોમેટિક બ્રેડ બેકિંગ મશીન પણ શોધ્યું. ત્યારબાદ ધંધાના વિકાસ માટે તે ન્યુજર્સી ગયો અને ત્યાં મોટી સો મિલ ખરીદી તેમાં પલંગ બનાવવાની ફેક્ટરી સ્થાપી. ફેક્ટરીમાં માલસામાન ચઢાવવા ઉતારવા માટે સલામત લિફ્ટની જરૂર પડે. ઓટિસે ઇ.સ. ૧૮૫૧માં લિફ્ટ બનાવવાનું શરૂ કર્યું. ઘણી જહેમત બાદ ઇ.સ. ૧૮૫૭માં ન્યુયોર્કમાં બ્રોડ વે બિલ્ડિંગમાં તેણે સૌ પ્રથમ સલામત પ્રવાસી લિફ્ટ બાંધી. આજે આપણા ઉપયોગમાં આવતી લિફ્ટનું એ પ્રથમ સ્વરૂપ હતું. સ્ટીમ એન્જિન વડે ચાલતી ઓટિસની લિફ્ટ ઘણી વેચવા માંડી. ઇ.સ. ૧૮૬૧ના એપ્રિલની ૮મીએ તેનું અવસાન થયું હતું.