ક્રિસ્ટલોગ્રાફિક માઈક્રોસ્કોપનો શોધક : એરોન ક્લગ
- વિશ્વના વિજ્ઞાનીઓ
રો ગના નિદાન માટે દર્દીના શરીરની ઝીવણટપૂર્વક તપાસ કરવા એક્સ-રે, સીટી-સ્કેન વગેરે પદ્ધતિ જાણીતી છે. વિજ્ઞાાનીઓ વધુ સુક્ષ્મતા અને ચોકસાઈથી શરીરના કોષોનું અવલોકન થઈ શકે તેવા સાધનો વિકસાવી રહ્યા છે. તેમાં એરોન ક્લગે વિકસાવેલી ક્રિસ્ટલોગ્રાફિક માઈક્રોસ્કોપી મહત્ત્વની છે. આ પધ્ધતિમાં શરીરના સુક્ષ્મ કોષોની બે તસવીરો જોડાઈને થ્રીડી ઈમેજ બને છે. ક્લગને આ શોધ બદલ ૧૯૮૨માં કેમિસ્ટ્રીનું નોબેલ એનાયત થયું હતું.
એરોન ક્લગનો જન્મ લિથુયાનિયાના ઝેલ્વા ગામે ઈ.સ. ૧૯૨૬માં ઓગસ્ટની ૧૧ તારીખે થયો હતો. તેના પિતા ખેડૂત હતા. તે બે વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર દક્ષિણ આફ્રિકા જઈ વસેલો. ડર્બન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા પછી એરોન વિટ્વોટર્લેન્ડ યુનિવર્સિટીમાં એમ.એસ.સી.ની ડિગ્રી મેળવી. રોયલ કમિશનની ફેલોશીપ મેળવીને તે પીએચડી કરવા કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ગયો. અભ્યાસ
પુરો કરીને ૧૯૫૩માં લંડન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. ત્યાર બાદ કેમ્બ્રિજની બાયોલોજી લેબોરેટરીમાં જોડાઈ સંશોધન કરવા લાગ્યો. તેણે ટોબેકો મોઝેક વાયરસની શોધ કરી. આ દરમિયાન તેણે ક્રિસ્ટલોગ્રાફિક માઈક્રોસ્કોપીની શોધ કરી. નોબેલ ઈનામ મળ્યા બાદ તે કેમ્બ્રિજમાં પ્રોફેસર તરીકે જોડાયો. તેને નોબેલ ઉપરાંત ઘણાં સન્માન એનાયત થયા. ઈ.સ. ૨૦૧૮ના નવેમ્બરની ૨૦ તારીખે તેનું અવસાન થયું હતું.