સ્ટિરિયોનો શોધક : એલન બ્લૂમ્લીન .
- વિશ્વના વિજ્ઞાનીઓ
આપણે બે આંખ વડે જોઇએ છીએ એટલે દરેક દૃશ્ય ત્રિપરિમાણમાં દેખાય છે. ત્રિપરિમાણ એટલે વસ્તુ કે દૃશ્યની લંબાઇ, પહોળાઇ અને ઊંડાઇ. તે જ રીતે આપણે બે કાન વડે અવાજ સાંભળીએ છીએ એટલે વિવિધ અવાજો કઇ દિશામાંથી આવે છે તેની જાણ થાય છે. પ્રકાશના અવાજને પણ ત્રિપરિમાણ હોય છે. સાદા સ્પીકરમાંથી આવતો અવાજ એક જ સ્થાનેથી પેદા થતો હોય છે તેમાં ગાયકના અવાજ ઉપરાંત વિવિધ વાંજિત્રોના અવાજ એક જ સ્ત્રોતમાંથી પેદા થઇ સંભળાય છે. પરંતુ સંગીતમાં સ્ટિરિયો સિસ્ટમ જુદી છે તેમાં દરેક અવાજ જુદા જુદા સ્થાનેથી આવતા હોય તેમ સંભળાય છે. ફિલ્મમાં ગાડીનો અવાજ ગાડી નજીક આવતી હોય તેમ તાદૃશ સાંભળવા મળે છે. સ્ટિરિયો સિસ્ટમની શોધ એલન બ્લૂમ્લીને કરેલી. એલન ડોવર બ્લૂમ્લીનનો જન્મ બ્રિટનના લંડનના હેમ્પ સ્ટીડમાં ઇ.સ. ૧૯૦૩ના જૂન માસની ૨૯ તારીખે થયો હતો. માત્ર સાત વર્ષની ઉંમરે ઘરની ડોરબેલ રિપેર કરીને તેણે ઇલેકટ્રોનિક ક્ષેત્રના જ્ઞાનનો પરચો આપેલો. સ્થાનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેણે ગીલ્ડ સાયન્સ કોલેજમાં બીએસસીની ફર્સ્ટ ક્લાસ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઇને તેણે ઘણા સંશોધનો લખેલા. ઇ.સ. ૧૯૩૧માં એક ફિલ્મ જોવા ગયેલ બ્લૂમ્લીનને થિયેટરના અવાજમાં મઝા પડી નહીં. તેણે ફિલ્મના જુદા જુદા પાત્રોના અવાજ જુદા જુદા સ્થાનેથી સંભળાય તેવી સિસ્ટમ વિકસાવવાનો વિચાર કર્યો. બ્લૂમ્લીને ફિલ્મની પટ્ટી પર એકથી વધુ સાઉન્ડ ટ્રેક ગોઠવીને અલગ અલગ અવાજો પર્દા પરથી યોગ્ય સ્થાનેથી જ સંભળાય તેવી ગોઠવણ કરી. આ માટે એકથી વધુ સ્પીકર પણ ગોઠવ્યા. તેણે પોતાની આ સિસ્ટમને 'બાઇનોરલ સાઉન્ડ'નામ આપ્યું. તેમાં સુધારા વધારા થઇને આજની સ્ટિરિયો સિસ્ટમ બની. બ્લૂમ્લીન વાયુસેનામાં રડાર સંશોધનનું કામ કરતો. ઇ.સ. ૧૯૪૨માં હેલિફેક્સ બોમ્બર વિમાન તૂટી પડતાં તેમાં બ્લૂમ્લીન સહિત તેના સાથીદારોના મૃત્યુ થયા હતા.