સ્કેટિંગની આઈસ રિન્કનો શોધક : ફ્રેન્ક જોસેફ
- વિશ્વના વિજ્ઞાનીઓ
બ ર્ફીલા પ્રદેશોમાં ફરવા જતા સહેલાણીઓ બરફ પર સરકવાની મઝા માણવાનું ચુક્તા નથી. બરફ પર સ્કેટિંગ લોકપ્રિય રમત બની છે. તેની સ્પર્ધા પણ યોજાય છે. આ સ્પર્ધાઓ માટે ખાસ પ્રકારની બરફની ફર્શ બનાવાય છે. ચોરસ કે લંબચોરસ આકારના આ બરફના મેદાનને આઈસ રિન્ક કહે છે. આઈસ રિન્ક સિમેન્ટ કે કોક્રિંટના બનેલા મેદાન પર પાણી ભરીને બનાવાય છે. ઠંડા પ્રદેશોમાં તે આપોઆપ બરફ બની જાય છે. કેટલાક સ્થળે પ્લાસ્ટિકની કૃત્રિમ રિન્ક પણ બને છે. બરફની કુદરતી આઈસરિન્ક બનાવવાની શોધ ફેન્કજોસેફ ઝાંબોની નામના વિજ્ઞાનીએ કરેલી.
ઝાંબોનીનો જન્મ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬ તારીખે અમેરિકાના ઉરાહ રાજયના ઉરેકા ગામે થયો હતો. સ્થાનિક ટેકનિક્લ કોલેજમાં અભ્યાસ કરી તેણે તેના ભાઈ સાથે મળીને બરફનું કારખાનું સ્થાપેલું. ઇ.સ.૧૯૪૦માં તેણે સામાન્ય તાપમાને પીગળે નહીં તેવા બરફની ફર્શ તૈયાર કરી. ફર્શની નીચે તેણે ઠંડા પાણીની પાઈપો ગોઠવી હતી તે બરફને જામેલો રાખતી. ૧૯૪૦માં તેણે બનાવેલી આ રિન્ક આજે પણ ચાલુ છે. ઝાંબોનીની શોધથી ઉનાળામાં કે બરફવિનાના પ્રદેશોમાં પણ સ્કેટિંગ કરવાનું શક્ય બન્યું. રમતગમત ક્ષેત્રે આ મહત્વની શોધથી તે વિશ્વપ્રસિધ્ધ થયો. આ ઉપરાંત તેણે બરફની સપાટીને સમાંતર લીસી કરવાનુ યંત્ર પણ શોધેલું તેમાં જીપકારના એન્જિનનો ઉપયોગ કરેલો. આ રિસર્ફેસિંગ મશીન પણ ઉપયોગી સાબિત થયું. ઝાંબોનીની શોધથી માત્ર સ્કેટિંગ નહીં પણ આઈસહોકી જેવી રમતો પણ શક્ય બની. ઇ.સ.૧૯૮૮ માં તેનું અવસાન થયું હતું.