- 'અમારા જાતભાઈઓ સુરંગો શોધવામાં ૧૦૦ ટકા સફળ હોય છે. અરે એટલું જ નહીં, ભૂકંપમાં પણ અમારા ટ્રેઈન્ડ ઉંદરભાઈઓ બહુ સરસ કામ કરે છે.'
- જતીન ભટ્ટ 'નિજ'
મેં ઉંદરનો ઈન્ટરવ્યૂ લીધો :
'હાઈ, હેલો.'
ઉંદર કશુંક સુંઘતો હતો, મારા ભણી એણે જોયું ના જોયું જેવું કર્યું...
'ઓય, ઉંદર!'
'ઓ ભાઈ, મને માનથી બોલાવવાનું! અને અત્યારે કામના ટાઈમે શું છે તારે?'
'સોરી સર, રેટભાઈ કહીને બોલાવું તો ચાલશે?'
'ચલાવી લઈશું.'
'તમે બહુ વખત પહેલાં સોનાના દાગીનાવાળી થેલી લઈ ગયેલા એવું મેં સાંભળ્યું હતું, ત્યારથી તમને શોધું છું. તો છેક આજે મુલાકાત થઈ. તો એ દાગીનાવાળી
થેલીવાળી વાત સાચી હતી?'
'અરે યાર, એ થેલીની વાત જ છોડ ને! મને એમ કે થેલીમાં કંઈક ખાવાનું હશે, એટલે મેં તો તે મૂકી રાખેલી. આ તો પોલીસ થેલી લઈ ગઈ ને બીજે દિવસે
અખબારમાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર સોનાના દાગીના હતા! ત્યારથી ઘરવાળીનો ગુસ્સો સહન કરું છું.'
'અરેરેરે...'
'તને બીજુ શું કહું... થોડા દિવસ પહેલાં પણ એક ભાઈનું મેમરી કાર્ડ હું લઈ આવેલો. હું તો એમ જ લઈ આવેલો, પણ બીજા દિવસે પાછો એ ભાઈના ઘરે ગયો
તો એ મોબાઈલ પર ધીરેથી કોઈની સાથે વાત કરતા હતા કે, 'જો મિત્ર, જો તક મળે તો આવતી કાલે હું ફરીથી કશુંક ખોટું કારણ બતાવીને ઓફિસમાં રજા
રાખીશ... પણ જો આ મેમરી કાર્ડ કોઈના હાથમાં આવ્યું તો તકલીફ થઈ જશે, કેમ કે ગયા મહિને બીમારીનું ખોટું ખોટું બહાનું કાઢીને એક આખું વીક ઓફિસ
નહોતો ગયો, તેને બદલે હિલ સ્ટેશન ફરવા ઉપડી ગયેલો. ત્યાં ખૂબ બધી સેલ્ફીઓ લીધી હતી. તે બધી જ સેલ્ફી પેલા મેમરી કાર્ડમાં છે...' બોલ હવે, આ તમે
માણસો આટલું જૂઠ્ઠું બોલો છો તેના આના કરતાં વધારે કેટલાં ઉદાહરણ જોઈએ? મનમાં તો એવું થયું કે એની ઓફિસ જઈને એના સાહેબને મેમરી કાર્ડ આપી
દઉં, પણ પછી ના આપ્યું.'
'કેમ?'
'તમે માણસ જાત માણસાઈ છોડી શકો, પણ અમે ઉંદર જાત 'ઉંદરાઈ' ના છોડીએ.'
'વાહ, વાહ રેટભાઈ! પણ યાદ રાખો કે બધા માણસો ખોટાબોલા નથી હોતા.'
'ઠીક છે. બીજું કશુંક બોલ.'
'હા તો રેટ ભાઈ, હમણાં કોઈ જગ્યાએ વાંચેલું કે તમને હવે ટ્રેનિંગ આપવામાં આવશે. તેથી તમે જમીનમાં છુપાયેલી સુરંગ શોધી કાઢશો. સાચી છે આ વાત?'
'હા, તદ્દન સાચી વાત. હમણાં હાલમાં જ કંબોડિયાના એક ગામમાં અમારા જાત ભાઈઓએ ૭,૮૮,૨૫૭ વર્ગમીટરની જમીનમાંથી બારુદી સુરંગ શોધી તેમને નષ્ટ
કરવામાં મદદ કરી છે.'
'વેરી ગુડ!'
'હજુ વાત તો સાંભળ. ત્યારબાદ આ જમીન ૧૯ કંબોડિયાઈ પરિવારને પાછી આપવામાં આવી છે. અરે, અમારા ઉંદરભાઈઓએ ૧૭૦ જેટલી બારૂદી સુરંગો
શોધી કાઢી છે. આ સુરંગો ઘણાં વર્ષો સુધી દબાયેલી હતી, પરંતુ ફાટી ન હતી. સુરંગને કારણે લોકો અને જનાવરોના મરવાનો ડર હંમેશા રહેતો હતો.'
'ઓહ...'
'આ સુરંગોને શોધી નષ્ટ કરવામાં અમારા ઉંદરભાઈઓને માત્ર ત્રણ જ મહિના લાગ્યા. તને ખબર છે, અમને બારુદી સુરંગો શોધવાની ટ્રેનિંગ કોણ આપે છે?'
'ના, અમને ક્યાંથી ખબર હોય?'
'એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ ડિટેકશન પ્રોડક્ટ ડેવલપમેન્ટ નામની એક સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૯૭માં થઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સરકારી
સંસ્થા તરીકે તેની નોંધણી ૨૦૧૭માં કરવામાં આવી હતી. પડી ખબર?'
'આ તો જબરું, યાર!'
'એટલું જ નહીં, જાન્યુઆરી ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલું કે સંસ્થા પાસે ે અત્યારે ૧૫૧ ઉંદરો છે.'
'શું કામ કરે છે આ ઉંદરો?'
'જો, ૨૬ ઉંદરો ફક્ત પ્રજનનનું કામ કરે છે. ૫૩ ઉંદરો બારૂદી સુરંગો શોધવા માટે તાલીમ મેળવી ચુક્યા છે. ૩૯ ઉંદરો રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે છે. દસ
રીટાયર થઈ ચુક્યા છે. ૧૦ ઉંદરોને અમેરિકાના પ્રાણી સંગ્રહાલયોમાં શાંતિદૂત બનાવીને મોકલવામાં આવી રહ્યા છે.'
'ઓહો!'
'હા, આ ઉંદરોને અઠવાડિયામાં પાંચ દિવસ આ સુરંગો શોધવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એક દિવસમાં તે ફક્ત અડધાથી દોઢ કલાકની ટ્રેનિંગ લે છે.
અઠવાડિયાના છેલ્લા બે દિવસે તે ફક્ત પાર્ટી કરે છે.'
'એક ઉંદરની ટ્રેનિંગ પાછળ કેટલો ખર્ચ થાય?'
'એક ઉંદર દીઠ દર મહિને લગભગ ૪૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઉંદરોની ઉંમર આઠથી દસ વર્ષ હોય છે. તે પોતાના જીવનકાળમાં છથી સાત વર્ષ કામ કરી
શકે છે. અમારા દ્વારા તમે એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યામાં બારુદી સુરંગો ફક્ત ૨૦ મિનિટમાં શોધી શકો છો, જ્યારે મેટલ ડિટેક્ટરની મદદથી તે શોધવામાં
ત્રણથી ચાર દિવસ લાગી શકે છે. અમારા જાતભાઈઓ આ સુરંગો શોધવામાં ૧૦૦ ટકા સફળ હોય છે. અરે એટલું જ નહીં, ભૂકંપમાં પણ અમારા ટ્રેઈન્ડ
ઉંદરભાઈઓ બહુ સરસ કામ કરે છે.'
'જોરદાર, યાર!'
'આના પરથી સાબિત થાય છે કે...
'શું સાબિત થાય છે?'
'...એ જ કે તમે એટલે કે ઉંદરો નકામા નથી. હવે મને એ કહો કે તમને આટલી બધી માહિતી મળી કેવી રીતે?'
'ઓ ભાઈ, અમારાં પણ અલગ અલગ વોટ્સએપ ગુ્રપ ચાલે છે, શું સમજ્યા?'
...ને આપણા આ રેટભાઈ ઈન્ટરવ્યુ ખતમ કરીને ગટરમાં સરકી ગયાં...


