Get The App

બુદ્ધિશાળી ચીકી અને લાલચુ કાળુ

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
બુદ્ધિશાળી ચીકી અને લાલચુ કાળુ 1 - image

- ચીકીએ પોતાની સુરક્ષા માટે વેલાના મજબૂત તાંતણાથી એક જાળ બનાવી રાખી હતી. કાળુ તેમાં બરાબરનો ફસાઈ ગયો.

- મેહુલ દેસાઈ

સુંદરવન નામના એક ગાઢ જંગલમાં જાતજાતનાં પશુ-પક્ષીઓ આનંદથી રહેતાં હતાં. આ જ જંગલમાં એક વડના ઝાડ પર બુદ્ધિશાળી ચીકી ચકલી પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેની બાજુના જ એક સૂકા ઝાડ પર કાળુ નામનો એક અભિમાની અને આળસુ કાગડો રહેતો હતો. ચીકી તેના મહેનતુ સ્વભાવ અને દૂરની દ્રષ્ટિ માટે જાણીતી હતી, જ્યારે કાળુ મોટી મોટી વાતો કરવા માટે અને આળસ માટે કુખ્યાત હતો.

ચોમાસું ગયું, શિયાળો ગયો અને ઉનાળાની શરૂઆત થઈ ત્યારની આ વાત. સૂર્યનો તાપ ધીમે ધીમે વધવા લાગ્યો. એક દિવસ ચીકીએ વિચાર્યું, 'આ વર્ષે ગરમી ખૂબ પડશે એવું લાગે છે. સમયસર પાણીનો સંગ્રહ નહીં કરું તો મારે અને મારાં બચ્ચાઓએ હેરાન થવું પડશે.' 

બસ, બીજા જ દિવસથી તેણે વડના ઝાડની એક ઊંડી બખોલમાં પોતાની નાનકડી ચાંચ વડે ટીપે-ટીપે પાણી ભેગું કરવાનું શરૂ કરી દીધું.

કાળુ કાગડો તેને રોજ મહેનત કરતી જુએ અને મજાક ઉડાવે. 'અરે, ઓ ચીકી! શું કામ ખોટી મહેનત કરે છે? સામે પેલી નદી વહે છે, એ કંઈ સુકાઈ જવાની છે? હું તો જ્યારે તરસ લાગે ત્યારે ઊડીને નદીએ જઈશ અને ધરાઈને પાણી પી લઈશ...' તે છાતી ફુલાવીને કહેતો. 

ચીકી તેની વાત સાંભળીને માત્ર સ્મિત આપતી અને પોતાના કામમાં લાગી જતી. 

જોતજોતામાં ઉનાળો આકરો બન્યો. નદી-તળાવ સૂકાવાં લાગ્યાં. જંગલનાં પ્રાણીઓ પાણી માટે આમતેમ ભટકવા લાગ્યાં. કાળુ કાગડાની હોશિયારી હવે કામ નહોતી આવતી. તેનું ગળું તરસથી સુકાઈ રહ્યું હતું.

એક બપોરે, તરસથી વ્યાકુળ કાળુએ જોયું કે ચીકી અને તેના બચ્ચાં તો નિરાંતે બખોલમાંથી ઠંડુ પાણી પી રહ્યાં હતાં. આ જોઈને તેની આંખોમાં ઈર્ષ્યા સળવળી. તે ઊડતો ઊડતો ચીકી પાસે ગયો અને ગળગળા અવાજે બોલ્યો, 'ચીકીબેન, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. હું ખૂબ તરસ્યો છું, થોડું પાણી આપશો?'

દયાળુ ચીકીએ તેને પાણી આપ્યું. પાણી પીધા પછી કાળુના જીવમાં જીવ આવ્યો, પણ તેના મનમાં પાપ જાગ્યું. તેણે વિચાર્યું, 'આ ચીકી પાસે તો ઘણું પાણી છે. રોજ રોજ ભીખ માગવા કરતાં હું એક જ વારમાં બધું પાણી લઈ લઉં તો?'

એક રાત્રે, જ્યારે આખું જંગલ સૂઈ રહ્યું હતું, ત્યારે લાલચુ કાળુ ચોરીછૂપીથી ચીકીની બખોલ પાસે પહોંચ્યો. તેણે આજુબાજુ જોયું અને મનમાં બોલ્યોઃ 'હવે આ બધું પાણી મારું!' 

જેવી કાળુ કાગડાએ પોતાની ચાંચ પાણી પીવા માટે બખોલમાં નાખી, કે તરત જ તેના પગ અને ગળામાં કંઈક ફસાયું! 

ચીકીએ પોતાની સુરક્ષા માટે વેલાના મજબૂત તાંતણાથી એક જાળ બનાવી રાખી હતી. કાળુ તેમાં બરાબરનો ફસાઈ ગયો.

ગભરાઈને કાળુ ક્રા... ક્રા... ક્રા... કરીને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને ચીકી, જંગલના રાજા સિંહ અને બીજાં પશુ-પક્ષીઓ દોડી આવ્યાં. કાળુને જાળમાં ફસાયેલો જોઈને બધાં સમજી ગયાં. સૌ તેની લાલચ પર હસવા લાગ્યાં.

ચીકીએ શાંતિથી કહ્યું, 'કાળુભાઈ, મેં તમને મિત્ર સમજીને મદદ કરી હતી, પણ તમે લાલચમાં આવીને મારો વિશ્વાસ તોડયો. યાદ રાખજો, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે અને લાલચનું પરિણામ હંમેશા ખરાબ.'

કાળુ શરમથી પાણી પાણી થઈ ગયો. તેણે બધાની માફી માગી. ચીકીએ તેને માફ કરી દીધો અને જાળમાંથી મુક્ત કર્યો. 

તે દિવસ પછી કાળુએ ક્યારેય લાલચ કે આળસ કરી નહીં. મહેનતનું મહત્ત્વ સમજીને એ સૌની સાથે હળીમળીને રહેવા લાગ્યો. ય