Get The App

ધરતીનું વાજિંત્ર સ્વર્ગનું ગાન .

Updated: Mar 29th, 2024

GS TEAM

Google News
Google News
ધરતીનું વાજિંત્ર સ્વર્ગનું ગાન                                       . 1 - image


- પણ શું કરે રાવણ જીવીને! ચાંદલા વગરની જિંદગીનો અર્થ પણ શો? તેનું હૈયુ તો 'ચાંદલો ચાંદલો' ધબકતું હતું. તેની આંખો તો ચાંદલો અને ચાંદલાને જ નીરખવા ઝંખતી હતી

- પડતો,  ધૂ્રજતો, લથડિયાં ખાતો ચાંદલો આગળ વધતો જ રહ્યો. વચમાં વચમાં ઊઘડી જતી આંખો રાવણને શોધતી હતી.

- હા, જે દિવસથી ચાંદલો મરાયો તે દિવસથી રાવણની ઊંઘ હરામ થઈ ગઈ હતી. 

- ક્યાં તોફાનના પવનની ગતિ અને ક્યાં હાથનો વીંઝણો!

(ગયા હપ્તાથી ચાલુ...)

આ હ! શું ઘોડો છે. આવો ઘોડો તો રાજાને શોભે. રાજા પાસે આવો ઘોડો હોય તો તે રાજાનોય રાજા લાગે. તેની દાનત ખોરી થઈ. અને જ્યારે તેણે જાણ્યું કે રાવણ એક માત્ર રાવણિયો છે, ઘેટાં-બકરાં ચારનારો છે, ત્યારે તો તેનું મગજ જ ફરી ગયું. તેને થયું કે આવા ઘેટાંચારુને તે વળી રાજકુમારી કોણ આપે? કાગડાના મોઢામાં દહીંથરું અપાય?

રાવણ કહે : 'રાજા, મારું ઈનામ...?'

રાજા કહે : 'દશ સોનાના સિક્કા લઈ લે અને ઘોડો મૂકી ચાલતો થા.'

સાંભળીને તો રાવણ સળગી ઊઠયો. આવો દગો! આવી બેઈમાની! આવી લુચ્ચાઈ!

ઠેઠ રાજાના સિંહાસન સુધી આગળ વધી જઈને તે કહે : 'રાજા! તું રાજા હોય તો તારા ઘરનો. અને...રાજકુંવરી ભલે બેઠી તારા ઘરમાં. પણ ચાંદલો વેચવા માટે ન હોય એ તો આ દિલનો ટુકડો છે. તારું સિંહાસન તું આપે તોય ચાંદલો ન આપું. સમજ્યો...?'

રાજાનું આવું અપમાન!

રાજાએ હુકમ કર્યો : 'સૈનિકો, એને પાધરો કરો, પૂરો કરો.'

એમ તો રાવણેય સીમાડાઓની હવા ખાધી હતી. કંઈ વાઘ, વરુ અને સાવજો જોડે  દાવ ખેલ્યા હતા. એય ગાંજ્યો તો શેનો જાય?

ઊછળીને તે કહે : 'આવી જાઓ!'

રાજાની સામે જ ઘમાસાણ યુદ્ધ ચાલ્યું.

પણ એ યુદ્ધ શેનું હતું, જુલમ હતો. હત્યા હતી.

સેંકડો શસ્ત્રધારી સૈનિકો અને એકલો રાવણ.

ઊછળી ઊછળીને તે રાજા પાસે પહોંચી જતો હતો, પણ સૈનિકોએ એવી તો લાઠીઓ ઝીંકી કે બિચારો ત્યાં જ રોટલો થઈ ગયો.

ટ્રેંઉ...ટ્રેંઉં...! ટેંટુંએ....ટેંટુંએ..!!

બેહોશ અને બેભાન રાવણને તેના સાથીદારો ઉપાડીને ગામ લાવ્યા. ગામમાં તેના પાટાપિંડી અને ઉપચારો શરૂ થયા.

બીજી બાજુ રાજાએ ચાંદલાને આંચકી જ લીધો હતો. પંડિતો પાસે તેણે અસવારીનાં મુહૂર્ત જોવડાવ્યાં. એક શુભદિને રાજા મેદાનમાં આવ્યા.

ડંકા નિશાન ગડગડયા. ચોઘડિયાંઓએ રાજાને શુભેચ્છા ઈચ્છી. પંડિતોએ શ્લોકો ઉચ્ચાર્યા. વટથી, ખુમારીથી, ગર્વથી, રોફથી રાજા ચાંદલા પર સવાર થયા.

પણ ચાંદલાને એ શેં ગમે! તેની પીઠ ઉપર તો માત્ર રાવણ જ અસવાર થયો હતો. એ પીઠ રાવણની અને રાવણની જ, બીજા કોઈની નહીં. રાજા હોય કે પાદશાહ હોય, તેમાં ચાંદલાને શું?

તેણે તો માર્યો ઉછાળો. જેવા રાજા બેઠા કે તે વીફર્યો. વાંસ વાંસ જેવડા કૂદકા મારીને તેણે ભાગમદોડ કરી મૂકી.

રાજા ક્યાં સુધી ટકી શકે?

એક વાર ઊંચે ઊછળેલા ચાંદલા પરથી તેઓ ઊછળ્યા અને ભોંય પર પટકાયા.

ઉપરથી ચાંદલાએ એક બે ત્રણ ચાર... એવી તો ખબખબાવીને લાત મારી કે રાજાનો આકાર પડઘમના વાજા જેવો જ થઈ ગયો.

બસ, પોતાનું કામ પતાવી ચાંદલાએ દોટ મૂકી.

બીજી જ ઘડીએ મોઢામાંથી લોહી નીકળતાં રાજાએ ફરમાન કાઢયું : 'નિમકહરામો! જોઈ શું રહ્યા છો? પકડો એ ઘોડાને. પકડીને લાવો મારી પાસે. અને... નહીં આવો તો પૂરો કરો એને...'

એક સમાટા સો ઘોડાઓ છૂટયા.

પણ ક્યાં ચાંદલો અને ક્યાં ટટ્ટુઓ! ક્યાં હથ્થો અને ક્યાં ખચ્ચરો! ક્યાં તોફાનના પવનની ગતિ અને ક્યાં હાથનો વીંઝણો!

કોશ ઉપર કોશ અને ગાઉ ઉપર ગાઉ પસાર થવા લાગ્યા, પણ ચાંદલો હાથમાં આવ્યો નહીં. આવે એવી કોઈ આશા દેખાઈ નહીં.

ત્યારે સરદારે હુકમ કર્યો : 'પૂરો કરો એને...!'

એક સામટાં સેંકડો તીરો સનનન કરતાં છૂટયાં.

છૂટયાં અને છૂટતાં જ રહ્યાં.

ચાંદલાના અંગેઅંગમાં એકએક તીર ખૂંપી ગયું.

લોહીના તો ફુવારા ઊડવા લાગ્યા. આંખે તમ્મર આવવા લાગ્યાં અને દ્રષ્ટિ બુઝાઈ જવા લાગી.

સૈનિકોને લાગ્યું કે પોતાનું કામ પતી ગયું છે. તેઓ પાછા ફર્યા પણ ચાંદલો ઘવાયેલી હાલતમાં આગળ વધ્યો. ગામ હજી દોઢ કોશ દૂર હતું.

પડતો,  ધૂ્રજતો, લથડિયાં ખાતો ચાંદલો આગળ વધતો જ રહ્યો. વચમાં વચમાં ઊઘડી જતી આંખો રાવણને શોધતી હતી. તેના વધી ગયેલા ધબકારા 'રાવણ રાવણ' શબ્દો બોલતા ધબકતા હતા.

અને દૂરથી કોઈકે ચાંદલાને આવતો જોયો. પાટાપિંડીમાં લપેટાયેલો જખ્મી રાવણને કાને શબ્દો પડયા, 'ચાંદલો આવ્યો છે ચાંદલો...'

તેનાથી ઊઠી શકાય તેમ ન હતું. તેની દશાય અધમૂઈ જ હતી. છતાં તે ઊઠયો. દોડયો. તેનો અંતરાત્મા પોકારતો હતોઃ 'ચાંદલા.... ચાંદલા...'

તે ઠેઠ સુધી પહોંચી શક્યો નહીં. તેની શક્તિ ખૂટી પડી. રસ્તા વચ્ચે જ તે ફસડાઈ પડયો.

તેના કરતાં ચાંદલાની દશા વધારે ખરાબ હતી. છતાં તે ધીમે ધીમે હળવે રાવણ સુધી આવ્યો... પટકાયો.

રાવણના ખોળામાં ચાંદલાનું માથું હતું. તેની ઊઘાડી આંખો રાવણને પ્રેમથી જોતી હતી. જાણે કે કહેતી ન હોય, 'તું જ મારો રાજો. તું જ મારો બાપ!'

રાવણે તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી કલ્પાંત કરતો રડી પડયો. કહેવા લાગ્યો : 'ચાંદલા! બાપ! જોઈએ તો મારો જીવ લે પણ તું જીવતો રહે. મારા કરમનાં ફળ તું શીદને ભોગવે છે? દોડમાં જવાના કોડ મને થયા હતા. મોતની હોડમાં તું ક્યાં આગળ નીકળે છે?' ટ્રેંઉં...ટ્રેંઉં...! ટેંટુંએ...ટેંટુંએ...!

પણ ચાંદલો ન બચ્યો.

 રાવણનાં બધાં આંસુ ખતમ થઈ ગયાં. આંસુનાં એ અમી ચાંદલાને જીવતો કરી શક્યાં નહીં.

અને... જાણે કે રાવણને ખાતર તે મર્યો હોય એમ રાવણ સાજો થવા લાગ્યો, બેઠો થવા લાગ્યો, ઊભો થવા લાગ્યો.

પણ શું કરે રાવણ જીવીને! ચાંદલા વગરની જિંદગીનો અર્થ પણ શો? તેનું હૈયુ તો 'ચાંદલો ચાંદલો' ધબકતું હતું. તેની આંખો તો ચાંદલો અને ચાંદલાને જ નીરખવા ઝંખતી હતી.

હા, જે દિવસથી ચાંદલો મરાયો તે દિવસથી રાવણની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેની આંખો મટકુંય મારતી નહીં, તે ગાંડા અને ઘેલા જેવો થઈ ગયો હતો. વારંવાર બાવરો બનીને બૂમ પાડી ઊઠતો હતો  : 'એ આવે ચાંદલો... જુઓ પેલી દિશાએથી ...જુઓ કેવો હસે છે...અરે..! એની દોડ તો જુઓ... મને ભેટવા મારો વ્હાલીડો કેવો તેજીલી ગતિએ આવે છે...!'

લોકોને લાગ્યું કે રાવણ જખ્મોમાંથી તો બચી ગયો, પણ ચાંદલાના વિરહમાંથી બચશે નહીં. ચાંદલો કરતાં તે જરૂર પોતાના પ્રાણ ત્યજી દેશે.

ટ્રેંઉં...ટ્રેંઉં... ટેંટુંએ..ટેંટુંએ....!

સમજો કે જીવ જવાની અણી ઉપર જ હતો, ત્યારે જ એક કૌતુક થયું.

એક રાતના રાવણને જરાક ઝોકું આવ્યું હશે. અને... તેને સપનું આવ્યું. સપનામાં તેને ચાંદલો દેખાયો.

ચાંદલો હસીને કહેતો હતો : 'રાવણ! આમ મારે ખાતર ઉજાગરા શીદને કરે છે? શાને નાહક આંખના દીવામાંથી જિંદગીનું તેલ બાળી નાખે છે? તારી પાસે તો કંઠ છે અને ગાન છે. શા માટે આપણી મૈત્રી અમર કરતો નથી! જા, સમાધિમાંથી મારાં હાડકાંનું એક વાજિંત્ર બનાવી. અને એમાંથી આપણી પશુ-માનવની અલૌકિક દોસ્તીનાં ગાન શરૂ કર. એ રીતે હું આખો વખત તારી પાસે ને પાસે જ રહીશ. પહેલાં સાંભળતો હતો તેમ તારાં ગાન પણ સાંભળતો રહીશ!'

સપનું પૂરું થયું.

સવાર થાય તે પહેલાં જ રાવણ ઊઠયો, ચાંદલાની સમાધિ ખોદી કાઢી. તેમાંથી હાડકાં કાઢ્યાં. કેશવાળી તથા પૂંછડીના તાર કાઢયા.

સાફસૂફ કરી એમાંથી એક વાજિંત્ર બનાવ્યું. એનું મોઢું, એટલે કે ઉપરનો ભાગ રાવણે ઘોડાના આકારનો જ બનાવ્યો, જેના વાળ ચાંદલાના જ હતા.

રાવણે એ વાજિંત્રમાંથી સંગીત રેલાવવું શરૂ કર્યું.

આહ! શુ એ સંગીત હતું! એમાંથી દોસ્તીની અજબ ગાથા વહેતી હતી અને બલિદાનની અમર વાત બહાર આવતી હતી. એમાંથી સ્વર્ગની સૂરાવલિ ફૂટતી હતી અને પ્રેમની અનોખી કથા પ્રગટ થતી હતી.

એવું લાગતું હતું, જાણે ધરતીનો કોઈ વાદક સ્વર્ગમાંથી સંગીત ખેંચીને શ્રોતા સમક્ષ રજૂ કરી રહ્યો છે.

ટ્રેંઉં...ટ્રેંઉં...! ટેંટુંએ...ટેંટુંએ...!!

એ વાજિંત્રનું નામ પડયું રાવણ-હથ્થો. કોઈ વળી એને રાવણ ચાંદો કે રાવણ-ઘોડો પણ કહેતું.

વાદક કહે : 'પછી તો રાવણ-હથ્થાનાં અનેક રૂપ બદલાયાં. પણ હું મારા વાજિંત્ર પર ચાંદલો જ રાખું છું અને ... જ્યારે ઘોડાના આ વાળને રણકાવું છું, ત્યારે મને લાગે છે કે હું જ રાવણ છું.' 

ટ્રેંઉં...ટ્રેંઉં...! ટેંટુંએ...ટેંટુંએ...!!

કવિરાજ ક્યારે ગયા તેનુંય ભાન રહ્યું નહીં. સાંભળવા ભેગા થયેલાં છોકરાઓની આંખો આંસુથી છલકાઈૅ ગઈ હતી. મારી આંખોય ભીની હતી. અને....ગાયક પણ પોતાની આંખો બાંહોથી નહોતો લૂછતો શું?

બાળમિત્રો! ગાયકે વાર્તા સાચી કહી કે ઉપજાવી કાઢેલી એ હું કહી શકતો નથી. પણ તેણે એવી તો અસરકારક રીતે કહી હતી કે હવે મને ઠેર ઠેર એ જ સંગીતધ્વનિ સંભળાય છે. હું કોઈક ઘોડો જોઉં છું, તો મને એમાં ચાંદલો જ દેખાય છે. અરે! હવે તો આકાશના ચાંદલામાં પણ મને ઘોડો દેખાવા લાગ્યો છે.

ગાયકને મળ્યાનો ઘણો લાંબો સમય પસાર થઈ ગયો. પછી તેનો ક્યારેય ભેટો થયો નથી. હા, હજી એની કથાના રણકા કાનના પડદા ઝણઝણાવ્યા કરે છે. 

જેવી દશા ચાંદલાના વિરહમાં રાવણની થઈ હતી, તેવી જ દશા ગાયકના વિરહમાં મારી થઈ છે.

મને ક્યારેક તો થાય છે કે શું એ જાતે જ તો મૂળ રાવણ નહીં હોય - પેલો સેંકડો વર્ષ પહેલાંનો?

આજે ઘણી વાર એ ગાયકની શોધમાં હું નીકળી પડું છું. એને શોધું છુંય ખરો, પણ એ મને મળતો નથી.

બાળકો! તમે પણ શોધજો... અને તમારી નજરે કદીક ઘોડાના મોઢાવાળા વાજિંત્રનો એ વાદક મળી જાય તો એને આ વાર્તા જરૂર કહેવા કહેશો. એવી તો અસરકારક રીતે એ વાર્તા કહેશે કે તમારાં આંસુ ખૂટી પડશે.        

- હરીશ નાયક

Tags :