- 'જેમ આપનું સ્થાન સિંહાસન છે અને પ્રધાનજીનું સ્થાન મંત્રીપદ છે, તેમ ભગવાનનું કામ દરેક વાત, દરેક ચીજ, દરેક માનવીને યોગ્ય સ્થાને રાખવાનું છે.'
- હરીશ નાયક
- 'ભગવાન છે તો દેખાતો કેમ નથી?'
- 'દીવાનો પ્રકાશ તો ચારે દિશામાં જ પડેને!'
કવિઓ ફાવતા નથી. આ કવિ પણ ન ફાવ્યા.
કવિ હતા તો હોશિયાર પણ રાજાના સવાલનો જવાબ ન આપી શક્યા.
રાજાના કદાચ સવાલ જ એવા હોય છે.
ભોજ રાજાના દરબારમાં કવિઓનું હંમેશાં સન્માન થતું. નવા કવિઓને પ્રોત્સાહન મળતું.
આપણા આ નવા કવિ. ઘણી આશા લઇને રાજા ભોજ સમક્ષ હાજર થયા.
રાજા ભોજ કહે - 'અમારા ત્રણ સવાલનો જવાબ આપો તો તમને રાજસભામાં સામેલ કરીએ.'
આ લાયકાત અને પરીક્ષાનો પ્રશ્ન હતો.
કવિ કહે - 'પૂછો મહારાજ.'
અને રાજા ભોજે પૂછ્યા ત્રણ પ્રશ્નો.
એક - 'ભગવાન છે કે નહિ? છે તો દેખાતો કેમ નથી?'
બે - 'ભગવાન જો છે તો તેનું મોઢું કઇ દિશામાં છે?'
ત્રણ - 'ભગવાન જો છે તો તેનું કામ શું છે?'
કવિ પાસે આ ત્રણમાંના એકે સવાલનો જવાબ ન હતો.
કવિ થોડીક ક્ષણો શાંત રહ્યા; પછી કહ્યું -
'મહારાજ! એક સપ્તાહનો સમય આપો. સાતમા દિવસે જવાબ સાથે હાજર થઇશ. અથવા કદિ નહિ આવું.'
સાતમા દિવસે કવિ રાજસભામાં હાજર થયા પણ પોતાની નાની સરખી દીકરી સાથે.
રાજા ભોજે કહ્યું - 'જવાબ શરૂ કરો, કવિરાજ!'
કવિ કહે - 'જવાબ આ મારી દીકરી આપશે.'
રાજા કહે - 'આવડી નાનકડી બાળા?'
દીકરી બોલી ઉઠી - 'મહારાજ! જ્ઞાન ઉંમર ઉપરથી પારખી શકાતું નથી. આપ પ્રશ્નો પૂછો.'
મહારાજે પ્રશ્ન કહ્યો - 'ભગવાન છે કે નહિ? છે તો દેખાતો કેમ નથી?'
કવિબાળા કહે - 'મહારાજ! દૂધ ભરેલું વાસણ મંગાવશો?'
મહારાજ કહે - 'જવાબ આપવાનો છે. જવાબ આપ. બાલિકે! દુધની શી જરૂર?'
બાલિકા કહે - 'કદાચ દૂધમાં જ જવાબ સમાયો હશે. આપ દૂધ મંગાવો.'
દૂધ હાજર થયું. છોકરીએ પૂછ્યું - 'મહારાજ! આ દૂધમાં માખણ છે ખરું?'
મહારાજ જ નહિ, રાજસભા આખી સ્તબ્ધ થઇ ગઈ. સવાલ સામે સવાલ હતો. રાજસભા માટે જવાબ ફરજિયાત હતો.
મહારાજ કહે - 'હા, દૂધમાં માખણ તો હોય જ ને? માખણ દૂધમાંથી જ બને છે.'
કન્યા કહે - 'મહારાજ! આપ કહો છો કે દૂધમાં માખણ છે તો તે કાઢીને બતાવો જોઇએ.'
મહારાજ પાછા શાંત થઇ ગયા વિચારવા લાગ્યા.
બાળા કહે - 'મહારાજ! જેમ દૂધમાં માખણ છે છતાં દેખાતું નથી. તેવું જ ભગવાનનું છે. દૂધમાંથી દહીં બને. દહીંની છાશ બને. જ્યારે છાશ વલોવાતી હોય છે ત્યારે જ ઉપર માખણ તરી આવે છે અને દેખાય છે.'
રાજસભા વાહ વાહ બોલવા લાગી કે બાળાએ પૂછ્યું - 'હવે બીજો સવાલ પૂછો મહારાજ!'
મહારાજે પૂછ્યું - 'બાલિકે! તું કહે છે કે ભગવાન છે તો હવે એ જવાબ આપ કે ભગવાન છે, તો એનું મુખ કઇ દિશામાં છે?'
કવિબાળા કહે - 'મહારાજ! આપ એક દીવો મંગાવશો?'
જવાબમાં દીવો?
બાળા કહે - 'હા, મહારાજ! દૂધની જેમ દીવાનીય જરૂર પડશે જ.'
મહારાજે દીવો મંગાવ્યો.
છોકરીએ દીવો સળગાવી દીધો અને મહારાજને પ્રશ્ન પૂછ્યો - 'મહારાજ! હવે કહો જોઇએ કે દીવાનો પ્રકાશ કઇ દિશામાં પડે છે?'
મહારાજ કહે - 'દીવાનો પ્રકાશ તો ચારે દિશામાં જ પડે ને!'
છોકરી કહે - 'દીવાનો પ્રકાશ તો ચારે દિશામાં જ પડે ને!'
છોકરી કહે - 'મહારાજ! જે રીતે દીવાનો પ્રકાશ ચારે દિશામાં પડે છે એ જ રીતે ભગવાનનું મુખ ચારે દિશામાં છે અને તે ચારે બાજુ જુએ છે, બધે નજર નાખે છે, બધી જ નજર રાખે છે.'
રાજસભા ફરીથી વાહ વાહ બોલી ઊઠી તો કવિબાળાએ ત્રીજો સવાલ પૂછવા કહ્યું.
મહારાજ કહે - 'તું કહે છે કે ભગવાન છે, તે ચારે દિશામાં જુએ છે. તો તેનું કર્તવ્ય શું છે? તે કરે છે શું?'
બાળા કહે - 'મહારાજ! આપ જરા ઊભા થઇને પ્રધાનજીની જગાએ બેસશો? અને પ્રધાનજી! આપ જરા ઉભા થઈ સિંહાસન ઉપર બિરાજશો?'
મહારાજ તથા પ્રધાનજી બંને ચમકી ગયા.
મહારાજે કહ્યું - 'બાલિકે! તારી આ વાત વધારે પડતી છે. તું મને સિંહાસન પરથી ઊઠવાનું કહે છે? અને પ્રધાનજીએ સિંહાસન પર બેસવા કહે છે?'
કવિપુત્રી કહે - 'મહારાજ! હું માત્ર આપના સવાલનો જવાબ આપી રહી છું. જેમ આપનું સ્થાન સિંહાસન છે અને પ્રધાનજીનું સ્થાન મંત્રીપદ છે, તેમ જ ભગવાનનું કામ દરેક વાત, દરેક ચીજ, દરેક માનવીને યોગ્ય સ્થાને રાખવાનું છે. જેમ રાજા સિંહાસન પર જ બિરાજી શકે તેમ શિયાળો શિયાળાની રીતે ગોઠવાયો છે. ઉનાળો પોતાના સ્થાને છે. ચોમાસાનું સ્થાન નક્કી છે માત્ર માનવી, જીવજંતુ, પશુપંખી કે વનરાજિ જ નહિ ભગવાનનું કામ સૂર્ય, ચંદ્ર, તારા, આકાશને પણ યોગ્ય સ્થાને ગોઠવી રાખવાનું છે. મહારાજ! સૂરજે કદી ચંદ્રનું સ્થાન લેવાની કોશિશ કરી? ચાંદામામા કદી તારાઓને ખસેડવા ગયા ખરા? બલકે જમીન, સમુદ્ર, હવા, પ્રકાશ... બધું જ યોગ્ય સ્થાને છે અને રહે છે. કુદરતના આ નિયમનનું કામ ભગવાનનું છે. ભગવાન એ જ કામ કરે છે અને આપ જોઈ શકો છો કે હજારો વર્ષોથી સવાર-સાંજ રાત નિયમ મુજબ થતાં જ રહે છે. ઋતુનું ચક્ર ચાલુ જ રહે છે. આપ જ કહો જોઇએ કે એ કામ ભગવાન નહિ તો બીજું કોણ કરે છે?'
રાજા ભોજે કહી દીધું - 'શાબાશ, દીકરી, શાબાશ! તેં જે જવાબ આપ્યા છે તે બરાબર છે. હું તારા પિતાજીને રાજસભામાં સામેલ કરું છું.'
કવિ કહે - 'મહારાજ! રાજસભામાં મારી દીકરીનેય સામેલ કરો કેમ કે આ ત્રણે સવાલના જવાબ મને તો આવડતા જ ન હતા. હું મૂંઝાયો ત્યારે દીકરીએ જ કહ્યું કે જવાબ ભરી સભામાં હું આપીશ.'
રાજા ભોજ કહે - 'તમારી દીકરી કહે છે તેમ, જ્ઞાનને ઉંમર સાથે લેવાદેવા નથી તેમ તમારી સાથે તમારી દીકરીને પણ હું રાજસભામાં સામેલ કરું છું. સ્વાગત છે, આપ પિતાપુત્રીનું અથવા પુત્રી પિતાનું.'


