૧૯૬૫ની બીજી ઓકટોબરની વાત છે. એ વખતે લાલબહાદુર શાસ્ત્રી ભારતના વડા પ્રધાન હતા. લોકોના આગ્રહને વશ થઈ શાસ્ત્રીજી પોતાનો જન્મદિન મનાવી રહ્યા હતા.
મહેમાનોનું સ્વાગત સ્વયં શાસ્ત્રીજી તેમ જ તેમના ત્રણ પુત્રો કરતા હતા. રાત્રે જ્યારે લોકોની ભીડ ઓછી થઈ ત્યારે શાસ્ત્રીજી તેમના દીવાનખંડમાં બેઠા બેઠા પુત્ર અનિલ સાથે વાતો કરતા હતા. એવામાં બે મહેમાનો આવી ચડયા. અનિલ થાકી ગયો હતો. તેણે પરાણે બે સજ્જનોને પ્રણામ કર્યા અને ત્યાંથી તે ચાલ્યો ગયો. શાસ્ત્રીજીને અનિલનો આ વર્તાવ ગમ્યો નહીં. પણ એ વખતે તેઓ ચૂપ રહ્યા.
તે બે સજ્જનોને સ્મિતવદને વિદાય આપી શાસ્ત્રીજી અનિલના રૂમમાં ગયા અને પૂછ્યું, 'બેટા અનિલ, પ્રણામ કરવાની રીત તું જાણતો નથી કે શું?'
'ના ના, મને ખબર છે. કદાચ નાના ભાઈ અશોક કે સુનિલે ભૂલ કરી હશે!'
'ના બેટા, ભૂલ તેં જ કરી છે.'
'કેવી રીતે ?'
શાસ્ત્રીજી સ્મિત સાથે અનિલની નજીક ગયા અને તેમણે માનભેર અનિલના ચરણસ્પર્શ કરી કહ્યું, 'જો, વડીલોને પ્રણામ આમ કરાય.'
બિચારો અનિલ તો જોતો જ રહી ગયો. હવે તે પ્રણામ, ખાસ કરીને વડીલોને પ્રણામ કરવાની રીત પાકે પાયે શીખી ગયો અને પછી જિંદગીભર ભૂલ્યો નહીં.
- હરીશ નાયક


