Get The App

આદર્શ શિક્ષક .

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
આદર્શ શિક્ષક                        . 1 - image

- ઘા ઊંડો નહોતો. ડોક્ટરે દવા લગાવી, પાટો બાંધી આપ્યો. આ રીતે સુધાંશુની નીડરતાનો પરિચય સૌ કોઈને થયો.  

- સુધાંશુ સાપની પાછળ દોડયો. લાંબા ચીપિયાથી સાપનું મોં પકડી લીધું અને કોથળો પહોળો કરી, સાવધાનીપૂર્વક તેમાં સાપને પૂરી દીધો. પછી કોથળાને દોરીથી કસોકસ બાંધી દીધો. 

- ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'

વિ દ્યાનગરની સરસ્વતી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સુધાંશુની નિમણૂંક થઈ.  સુધાંશુ પી.ટી.સી. ઉપરાંત બી.એ., બી.એડ.ની પદવી ધરાવતો હતો.પી.ટી.સી.તથા બી.એડ.ના અભ્યાસ સમયે અન્ય શાળાઓમાં પાઠ લેવા જવાનું થતું. તે સમયે કોઈ પણ વિષય ભણાવતી વખતે સુધાંશુ ધર્મ, વિજ્ઞાાન અને ઈતિહાસની પ્રેરક કથાઓને સાંકળી લેઈને જે-તે વિષયના પાઠની શરૂઆત કરતો. તેથી વિદ્યાર્થીઓને પૂરી સમજણ અને જ્ઞાાન મળી રહેતું. 

આ શાળામાં નિમણૂંક પામ્યા બાદ તેને ધોરણ-૧, ૨, અને ૩ના વર્ગમાં બાળકોને અભ્યાસ કરાવવાની કામગીરી સોંપવામાં આવી. તે બહુ ખુશ હતો. પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરી, બાળકોને હોંશે-હોંશે અભ્યાસ કરાવવાની તેની તમન્ના સાકાર થતી લાગી. બાળકોને પ્રાથમિક શિક્ષણ તેની માતૃભાષામાં જ મળવું જોઈએ તે બાબતનો સુધાંશુ હિમાયતી હતો. 

ધોરણ - ૧થી ૩માં નાનાં બાળકોને દફતરમાં પુસ્તકો અને નોટબૂકનો વધુ ભાર વહન ન કરવો પડે તે માટે કાળજી રાખતો. નાનું બાળક રમતાં-રમતાં વધુ શીખી શકે તે માટે બાળગીતો, બાળવાર્તાઓ, કાર્ટૂન ચિત્રો અને પ્રોજેક્ટર ઉપર પૌરાણિક કથાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો અને વિજ્ઞાાન વિષયક સરળ ફિલ્મો બતાવી, બાળકોની જિજ્ઞાાસાવૃત્તિને વધુ સતેજ કરતો. પ્રયોગશાળામાં બાળકોને લઈ જઈ વિજ્ઞાાનના સાદા અને સરળ પ્રયોગો કરી બતાવી, વિજ્ઞાાન તરફની તેમની રુચિને પોષણ આપતો. આ ઉપરાંત ચિત્રકળા, ગીત-સંગીત, એકાંકી બાળનાટકો, માટીનાં રમકડાં બનાવવા વગેરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નાનાં બાળકોને શિક્ષણ બોજ ન લાગે તે માટે અવિરત કાર્યશીલ રહેતો. એણે શાળામાં એક નાનું પુસ્તકાલય પણ બનાવ્યું હતું. દર ગુરુવારે પહેલા-બીજા ધોરણના વિદ્યાર્થીઓને અનેક રસપ્રદ બાળવાર્તાઓ પોતે સંભળાવે, તો ધોરણ - ૩ના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી, તેનું વાચન તમામ વિદ્યાર્થીઓ પાસે વારાફરતી કરાવતો. આમ, વિદ્યાર્।ીઓ બાળપણથી જ શિષ્ટ વાચન તરફ દ્રષ્ટિ કેળવે તેવો તેનો અભિગમ રહેતો. 

સુધાંશુ નીડર અને હિંમતવાન હતો. અન્યાય સામે લડત આપતો. એક દિવસ તે શાળા છૂટયા બાદ ઘર તરફ જઈ રહ્યો હતો. તે વખતે તેની શાળાની નજીક આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘરે જઈ રહી હતી. રસ્તે ઊભેલા કેટલાક ટપોરી  છોકરાઓએ તેમની છેડતી કરી. આ જોઈને સુધાંશુએ છોકરાઓને ઊભા રાખ્યા અને આવું નઠારું વર્તન ન કરવા સમજાવ્યા. બદમાશ છોકરાઓએ તેની વાત ધ્યાને લીધી નહીં અને વિદ્યાર્થિનીઓને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. 

સુધાંશુએ ગુસ્સે થઈ એક છોકરાના ગાલે તમાચો મારી દીધો. આ જોઈ બીજા છોકરાઓ સુધાંશુને મારવા દોડયા, પણ સુધાંશુ તૈયાર હતા. અને પેન્ટમાંથી પટ્ટો કાઢી બધાને ફટકાર્યા. માર પડતાં બધા નાસી જવા દોડયા, પણ એક છોકરાએ ખિસ્સામાંથી છરી કાઢી સુધાંશુના પેટ ઉપર મારવા હાથ ઉગામ્યો. સુધાંશુએ તેનો ઘા નિષ્ફળ બનાવ્યો છતાં તેને હાથે છરી વાગી. પેલા છોકરાને પકડી ખૂબ માર્યો. અંતે મોકો મળતાં તે છોકરો પણ ડરી જઈને નાસી ગયો. 

સુધાંશુના હાથમાંથી છરીના પ્રહારને કારણે લોહી વહેતું હતું. તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી ઘા પર બાંધી દીધો. દરમિયાન થોડા લોકો ભેગા થઈ ગયા. એ પરિચિત વ્યક્તિ તેને રિક્ષામાં બેસાડી નજીકના સરકારી દવાખાને લઈ ગઈ. ત્યાં ડોક્ટરે હાથ તપાસ્યો. ઘા ઊંડો નહોતો. ડોક્ટરે દવા લગાવી, પાટો બાંધી આપ્યો. આ રીતે સુધાંશુની નીડરતાનો પરિચય સૌ કોઈને થયો. 

દર શનિવારે શાળાનો સમય સવારનો હોવાથી બાળકોને પહેલી બે કલાક બહાર ખુલ્લા મેદાનમાં લઈ જઈ અવનવી રમતો, કસરતો અને યોગ શીખવાડતો. તેને લીધે શાળાના ઘણા વિદ્યાર્થીઓએ તાલુકા-જીલ્લા કક્ષાએ જુદી-જુદી રમત સ્પર્ધાઓમાં વિજયી થવા લાગ્યા. સુધાંશુએ શાળાના મેદાનમાં એક બાજુ ખુલ્લી જમીનમાં સુંદર બગીચો તૈયાર કરેલો. તેમાં અલગ-અલગ પ્રકારનાં ફૂલોના છોડ અને આયુર્વેદિક વનસ્પતિના રોપા ઉછેર્યા. ચારે બાજુ મેંદીની વાડ કરી અને આગળ નાનો ગેટ મૂક્યો. શનિવારના દિવસે નાનાં બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓને ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિ વિષે સમજણ આપતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે બાગકામ કરાવતો, દરેક છોડ માટે પાણી સિંચનનું કાર્ય કરાવતો. આ પ્રવૃત્તિને કારણે તમામ વિદ્યાર્થીઓને શ્રમનો મહિમા સમજાઈ ગયો હતો. 

એક દિવસ શનિવારે મોટા વિદ્યાર્થીઓ મેદાનમાં ફૂટબોલની રમત રમતા હતા ત્યારે એક વિદ્યાર્થીના ઓવર-થ્રો થકી દડો બાગની મેંદીની વાડમાં ફસાયો. બીજો વિદ્યાર્થી તે લેવા ગયો. ત્યાં અચાનક વાડમાં છૂપાયેલા એક સાપે ફૂંફાડો માર્યો. વિદ્યાર્થીએ ડરીને બૂમ પાડી. બધા વિદ્યાર્થીઓ દોડયા અને સાપને પથ્થર  મારવા લાગ્યા. સાપ ત્યાંથી આગળ સરકી જઈને બીજી બાજુ વાડમાં છૂપાઈ ગયો. સુધાંશુ મેદાનની બીજી તરફ નાનાં બાળકોને કસરત કરાવતા હતો. વિદ્યાર્થીઓની બૂમો સાંભળી ચોંકીને ત્યાં ગયો. વિદ્યાર્થીઓએ વાડમાં સાપ છૂપાયો હોવાની વાત કહી. સુધાંશુએ બે મોટા વિદ્યાર્થીઓને સાથે રાખી નાના બાળકો સહિત અન્ય સૌને ક્લાસરૂમમાં જતા રહેવા કહ્યું. મેદાનમાં ઘણીવાર સાપ નીકળતા હોવાથી શાળામાં એક લાંબો ચીપિયો વસાવવામાં આવ્યો હતો. સુધાંશુ સ્ટોરરૂમમાંથી ચીપિયો, કોથળો અને દોરી લાવ્યો અને સલામત અંતરે ઊભા રહીને વાડની અંદર ચીપિયો ફેરવવા લાગ્યા. ચીપિયો સાપને માથે સ્પર્શતા એ ભયનો માર્યો ત્યાંથી છટકી, બહાર નીકળી મેદાનમાં થઈ, શાળાના દરવાજા તરફ સરક્યો. સુધાંશુ સાપની પાછળ દોડયો. લાંબા ચીપિયાથી સાપનું મોં પકડી લીધું અને કોથળો પહોળો કરી, સાવધાનીપૂર્વક તેમાં સાપને પૂરી દીધો. પછી કોથળાને દોરીથી કસોકસ બાંધી દીધો. ત્યાર બાદ સાઈકલના કેરીયર સાથે કોથળો બાંધી, સાઈકલ પર સવાર થઈ, નજીકના જંગલ વિસ્તારમાં ગયો. ત્યાં કોથળાની દોરી છોડી કોથળો ઊંધો કરતાં સાપ બહાર પટકાયો ને જંગલ તરફ સરકી ગયો. 

શાળાએ પરત આવી સુધાંશુએ વિદ્યાર્થીઓને તે સાપ વિશે માહિતી આપી. તે કાળોતરો અને ઝેરી સાપ હતો. તેથી તેનાથી હમેંશા દૂર રહેવા સલાહ આપી. શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકગણે સુધાંશુની હિંમત અને કામગીરીને બિરદાવી. 

સુધાંશુની રોજબરોજની ઉત્તમ કામગીરીથી પ્રભાવિત થઈ, આચાર્યે આ શાળામાં સુધાંશુ જેવા આદર્શ શિક્ષકની નિમણૂક કરવા માટે સરકારનો આભાર માનતો પત્ર લખ્યો, એટલું જ નહીં, સુધાંશુએ આખા વર્ષ દરમ્યાન કરેલી સુંદર કામગીરીની વિગતો આવરી લઈને એક વિસ્તૃત રિપોર્ટ કેળવણી નિરીક્ષકશ્રીને મોકલી આપ્યો.

બાલદોસ્તો, સુધાંશુ જેવા શિક્ષકોને કારણે બાળપણમાં આપણા ચારિત્ર્યનો પાયો મજબૂત થાય છે. આવા શિક્ષકો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે. વિદ્યાર્થીઓ સુધાંશુ જેવા શિક્ષકને આખી જિંદગી આદરપૂર્વક યાદ કરે છે...