દરિયા અને જળાશયોના પાણીની વરાળ આકાશમાં જાય, વાદળો બંધાય અને તે ઠંડા પડે ત્યારે વરસાદ આવે આ વાત જાણો છો. પવનને કારણે આકાશમાં ઘૂમતા વાદળો ક્યાં અને કેટલા વરસે તે આપણા હાથની વાત નથી. તેની આગાહી થઈ શકે પણ વરસાવી શકાય નહીં. વરસાદની અછત હોય ત્યારે વિજ્ઞાાનીઓએ કૃત્રિમ વરસાદ વરસાવવાની રીત શોધી છે. ક્યારેક કૃત્રિમ વરસાદ વરસાવ્યાના સમાચાર તમે વાંચ્યા હશે. કૃત્રિમ વરસાદ લાવવા માટે આકાશમાં વાદળ હોવા જરૂરી છે. તેને ઠારીને વરસાવી શકાય છે. વિજ્ઞાાનીઓએ વિમાન કે હેલિકોપ્ટર દ્વારા વાદળોમાં કેટલાંક રસાયણો છાંટીને ઠંડા પાડી વરસાદ લાવવાની પધ્ધતિ શોધી છે. તેને 'કલાઉડ સીડિંગ' કહે છે. કલાઉડ સીડિંગ કરવા માટે વાદળમાં સીલ્વર આયોડાઈડ છાંટવામાં આવે છે. આ પદાર્થ છીણેલા બરફ જેવો ભૂકા સ્વરૂપે હોય છે.
કૃત્રિમ વરસાદ વરસાવવા માટે મધ્યમ ઊંચાઈએ આવેલા ઘટ્ટ વાદળોને પસંદ કરાય છે. સિલ્વર આયોડાઈડ વિમાન દ્વારા છાંટવામાં આવે છે અથવા તો જમીન પરથી રોકેટમાં ભરી વાદળો તરફ છોડવામાં આવે છે. જો કે આ પધ્ધતિથી હંમેશા સફળતા મળતી નથી અને વરસાદનું પ્રમાણ પણ પૂરતું હોતું નથી.


