સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે?
પૃ થ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ. આ પરિભ્રમણમાં ચંદ્ર કયારેક પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી અથવા તે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર આ પડછાયો જેટલા વિસ્તારમાં પડે ત્યાં સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. તેને ખગ્રાસ ગ્રહણ કહે છે. ક્યારેક ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય તો સૂર્ય પૂરો ઢંકાતો નથી પણ ચંદ્રની આસપાસ સૂર્યની કિનારી જોવા મળે છે. આ સ્થિતિને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. આ ગ્રહણ અમાસના દિવસે જ થાય છે. અને પૃથ્વી પરના થોડા વિસ્તારોમાંથી જ જોઈ શકાય છે. પૃથ્વી અને ચંદ્ર સતત ગતિ કરે છે. એટલે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે ધીમે ધીમે સૂર્ય દેખાતો બંધ થાય છે અને પૂરેપૂરી ઢંકાઈ જાય તે સ્થિતિ પાંચ કે સાત મિનિટ જ રહે છે પછી ચંદ્ર ખસે તેમ સૂર્ય બહાર આવતો જાય છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે.