કેવા પકડી પાડ્યા ! .
- 'એક શરતે હું સાધન લેવા પાછો ઘેર જઉં. હું પાછો ના આવું ત્યાં સુધી તમારે બન્નેએ એક દાણો ય પેટમાં નહીં નાખવાનો. બોલો કબૂલ?'
- માલિની શાસ્ત્રી
જ્યારથી કાચબાએ સસલાને દોડવાની હરીફાઈમાં હરાવ્યું હતું ત્યારથી જંગલનાં પ્રાણીઓ હાકાબાકા થઇ ગયાં હતાં. વિચારવા લાગ્યાં કે આવું કેવી રીતે બન્યું! કાચબાએ એવી તે કેવી યુક્તિ કરી કે સસલા જેવા ચંચળ અને ઝડપી પ્રાણીને હરાવ્યું! 'જરૂર કાચબો કોઈ જાદુ જાણતો હશે,' એક હરણ બોલ્યું.
બીજાં પ્રાણીઓએ તેની વાતમાં સૂર પુરાવ્યો.
ત્યાં વાંદરું બોલ્યું : 'સાવ નકામી વાત છે. આ દુનિયામાં જાદુ જેવું કંઇ છે જ નહીં. આ તો નર્યો અંધવિશ્વાસ છે.'
ત્યાં હાજર એક સાબર બોલ્યું : 'કાચબો તો સાવ નિર્દોષ અને શાંત પ્રાણી છે. તે શું જાદુ કરવાનો હતો? પાસેનાં ઝાડ પર બેઠેલો એક પોપટ બોલ્યો : 'સાબરભાઈ કહે છે તે સાચું છે. કાચબો તો એકદમ સીધો અને નરમ પ્રાણી છે. તે કંઇ જાદુબાદુ કરે એવો નથી.'
સાબરે કહ્યું : 'જોકે મેં મૂરખ કાચબાની એક વાર્તા સાંભળી છે.'
'તો અમને એ વાર્તા કહે ને!' બધાં પ્રાણીઓ બોલી ઉઠયાં.
'તો સાંભળો.' સાબરે કહ્યું. બધાં પ્રાણીઓ ઝટપટ સાબર સામે બેસી ગયાં. સાબરે વાત માંડી :
'એક મોટા જંગલમાં ત્રણ કાચબા રહેતા હતા. ત્રણેય પાક્કા દોસ્ત. એક દિવસ એ ત્રણેય જણાએ ઉજાણીએ જવાનું નક્કી કર્યું. જંગલમાં રહીને તેઓ કંટાળી ગયા હતા. તેમને થયું, 'જીવ્યા કરતા જોયું ભલું.'
બહુ ચર્ચા કર્યા પછી દૂર આવેલા એક સૂર્યમંદિર જોવા જવાનું તેમણે નક્કી કર્યું. ઉજાણીની તૈયારીઓ માટે થોડોઘણો નાસ્તો તેમણે બનાવ્યો. ઉજાણીએ નીકળતા પહેલા તેઓએ પેટભરીને નાસ્તો કર્યો. નાસ્તો નમકીન હતો તેથી નાસ્તા સાથે ટામેટો સોસ પણ ખાધો. પણ નાસ્તો ખાતાં ખાતાં તેમણે ટામેટો સોસ એટલો લીધો કે સોસ ખલાસ થઇ ગયો. તેથી તેમણે સોસનો નવો શીશો ખરીદ્યો. બધી તૈયારી કરી તેઓ ઉજાણીએ નીકળી પડયાં.'
'તો સૂર્યમંદિર ક્યારે પહોંચ્યા?' વાંદરાએ પૂછ્યું.
સાબરે વાત આગળ વધારી:
'આ તો કાચબાભાઈ એ સસલાની જેમ ઝડપથી તો ના જ દોડી શકે ને! એ ત્રણેય જણા ધીમે ધીમે ચાલતા ને વાતો કરતા જવા માંડયા. સૂર્યમંદિર પહોંચતાં તેમને બે મહિના લાગ્યા. કેટલા મહિના? પૂરા બે મહિના!'
વાંદરું બોલ્યું : 'બાપરે! તો જરા ઝડપથી ચાલ્યા હોત તો તેમના પગ તો દુ:ખી જ ગયા હશે ને!'
સાબરે કહ્યું : 'વાંદરાભાઈ, તમારી જેમ એક ઝાડથી બીજા ઝાડ ઉપર તમારી જેમ કાચબા લાંબા કૂદકા તો ના જ મારી શકે ને! આ હરણભાઈને જ જુઓ. બંદૂકમાંથી ગોળી છૂટે એમ ચારે પગે કૂદકા મારતા દોડે છે તેમ બધાં પ્રાણી તો ના જ દોડી શકે ને! વળી કાચબાભાઈને તો વાંસા ઉપર ભારે ઢાલ જેવી રચના હોય છે. પછી તે તો ધીમે ધીમે જ ચાલે.'
બધાં પ્રાણીઓએ હોંકારો દીધો. ત્યાં બેઠેલું શિયાળ બોલ્યું : 'પગ તો દુ:ખે જ અને ભૂખ પણ લાગે ને.'
સાબરે આગળ કહ્યું : 'શું થાય બીજું! ત્રણેય કાચબા ભૂખ્યા ડાંસ થઇ ગયા હતા. પેટમાં તો બિલાડા બોલતા હતા. એટલે તરત જ તેમણે નાસ્તાનો ડબ્બો ખોલ્યો. થાળીમાં જુદી જુદી ખારીતીખી વાનગીઓ કાઢી. સાથે ટામેટાનો સૉસ લેવા નવોનકોર શીશો પણ કાઢ્યો. પણ...'
'પણ શું સાબરભાઈ...' બધાં પ્રાણીઓ બોલી ઉઠયાં.
સાબરે આગળ બોલતા કહ્યું : 'ત્રણેય કાચબાને યાદ ના રહ્યું. તેઓ શીશો ખોલવાનું સાધન તો ઘરે જ ભૂલી ગયા હતા. હવે શું કરવું? ત્યાં મોટો કાચબો બોલ્યો :
'મને તો સોસ વિના ચાલશે. મને તો બહુ ભૂખ લાગી છે. બીજા કાચબાએ પણ એવું જ કહ્યું. પણ સૌથી નાનો કાચબો બોલ્યો: 'મારે તો સોસ જોઇએ એટલે જોઇએ જ. ગમે તે થાય. શીશો નહીં ખૂલે ત્યાં સુધી હું એક દાણો ય પેટમાં નહીં નાખું.'
મોટા બે કાચબાએ તેને ઘણું પટાવ્યો મનાવ્યો, પણ નાનો કાચબો અડિયલ જેવો માન્યો જ નહીં. એ રિસાઇ ગયો અને મોઢું ફુલાવીને બેસી ગયો.'
મોટા બે કાચબા બોલ્યા - 'તારે ના ખાવું હોય તો કંઇ નહીં. અમને તો સોસ વિના ચાલશે. ચાલો, આપણે બે તો
ખાઈ લઈએ.'
ત્યાં રિસાયેલો કાચબો બોલ્યો : 'આહાહાહા... હું ભૂખ્યો ડાંસ ખાધા વિના બેસી રહું ને તમારે ગળે કોળિયો કેમનો ઉતરશે? એમ કહી ડૂસકાં ભરવા લાગ્યો.'
એટલે મોટા કાચબાએ કહ્યું : 'તો પછી એક જ ઉપાય છે.'
નાનો કાચબો આંસુ લૂછતાં બોલ્યો : 'કયો ઉપાય?'
'તું પાછો ઘરે જઇ શીશો ખોલવાનું સાધન લઇ આવ,' મોટા કાચબાએ કહ્યું.
બેય કાચબાએ મનાવી પટાવીને તેને સાધન લેવા પાછો ઘરે જવા તૈયાર કર્યો. આ સાંભળી નાના કાચબાએ શરત મૂકી: 'એક શરતે હું સાધન લેવા પાછો ઘેર જઉં. પણ હું પાછો ના આવું ત્યાં સુધી તમારે બન્નેએ એક દાણો ય પેટમાં નહીં નાખવાનો. બોલો કબૂલ?'
બેય કાચબાએ 'કબૂલ' કહ્યું એટલે એ બોલ્યો : 'જુઓ, આપણને અહીં આવતા બે માસ થયા. ખરુંને? અહીંથી હું ઘરે પાછો જઉં ને સાધન લઇ આવું તો જવા આવવાના થઇ પૂરા ચાર માસ થાય. ત્યાં સુધી તમારે એક દાણો ય મોમાં નહીં મૂકવાનો.'
બેય કાચબાઓ કબૂલ થયા અને નાનાને જલદી ઘેર જવા કહ્યું.
આમને આમ ચાર માસ વીતી ગયા. નાનો કાચબો સાધન લઇ પાછો આવ્યો નહીં. મોટા બે કાચબા કાગને ડોળે તેની રાહ જોવા લાગ્યા. છેવટે તેમની ધીરજ ખૂટી. મોટો કાચબો બોલ્યો : 'આવો આ અડિયલ હજી ના આવ્યો. ચાર ચાર માસનાં વહાણાં વાઈ ગયાં. મને તો ભૂખ્યા પેટે ચક્કર આવે છે. ચાલ, આપણે થોડુંક ખાઈ લઈએ. આપણને તો સોસ વિના ચાલે જ છે.'
આમ કહી બન્ને થાળીમાં પીરસેલા નાસ્તામાંથી પહેલો કોળિયો જ્યાં મૂકવા ગયા ત્યાં તો નાનો કાચબો એક ઝાડ પાછળથી નીકળ્યો ને બોલ્યો : 'મને ખબર જ હતી કે હું જઈશ પછી મારી રાહ જોવાને બદલે તમે ખાવાનું ખાઈ લેવાના છો. એટલે તો હું પાછો ઘેર ગયો જ નથી! આ ઝાડ પાછળ જ સંતાયો હતો. તમે પહેલો કોળિયો મોંમાં મૂકો તેની રાહ જ જોતો'તો. કેવા પકડી પાડયા મેં તમને!!'
એમ બોલી હસવા લાગ્યો: 'હા-હા-હા-હા...'
નાના કાચબાને હસતો જોઇને મોટા કાચબાઓ નાસ્તો ખાવા લાગ્યા. બોલવા લાગ્યા : 'આ તો અડિયલનો અડિયલ જ રહ્યો. મૂરખનો સરદાર. બીજું શું!'
આખી વાર્તા સાંભળીને બધાં પ્રાણીઓ હસી હસીને બેવડ વળી ગયાં. હસતાં હસતાં વાતો કરતાં બધાં પોતપોતાના રહેઠાણે ચાલ્યાં ગયાં.