Get The App

કેમ છો, કાગરાજા ? .

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
કેમ છો, કાગરાજા ?                                     . 1 - image

- 'હા, અમારામાં સંપ બહુ હોય, અમે કોઈ દુશ્મનને જોઈએ એટલે ભેગા થઈ જઈએ ને કકળાટ - કકળાટ કરી મૂકીએ.

- અમે દુશ્મનને ચાંચો મારી મારીને ભગાડીએ.'

- જતીન ભટ્ટ 'નિજ'

રોજ સવારે મારા ઘરની ગેલેરીમાં એક કાગડો આવે. કા... કા... કરે એટલે હું ઊઠું. ચા બનાવું. હું પીઉં અને એને માટે એક મોટા કપમાં ચા કાઢું, ગેલેરીનો દરવાજો ખોલું, ચાનો કપ મૂકી દઉં અને પાછો ઘરમાં આવી જાઉં. ગેલેરી ડ્રોઈંગરૂમને અડીને છે.

સોફા પર પેપર પડેલું હોય એ લઈને વાંચવા બેસું. વાંચતા વાંચતા કાગડાનો તાલ જોયા કરું. કાગડો આમતેમ ડોકું ફેરવતો જાય અને કાળી ચાંચ વડે ચા પીતો જાય.

હવે થાય શું કે ચા તો લગભગ એ પૂરેપૂરી પી જાય પણ તળિયામાં થોડી ચા વધેલી હોય. 

હવે તમે તો જૂની વાર્તા 'એક ચતુર કાગડો' સાંભળેલી જ છે. કાગડાને તરસ લાગી. ઊડતાંઊડતાં એણે એક કુંજો જોયો. કુંજો એટલે સમજોને કે આપણા ઘરમા જગ આવે છેને, બસ, એના જેવો જ જગ, એનું મોઢું સાંકડું હોય. હવે કુંજામાં પાણી તો ભરેલું હતું, પણ અડધું ભરેલું હતું. કાગડાની ચાંચ અંદર સુધી જાય એમ ન હતું. એટલે કાગડાએ શું કર્યું ખબર છે? એણે ખૂબ બધાં કંકર વીણ્યા... એને કુંજામાં નાખ્યાં. કુંજામાં કંકર નાખ્યાં એટલે પાણીનું સ્તર ઊપર આવ્યું ને પછી કાગડાએ પાણી પીધું.

બસ, આ વાર્તા પ્રમાણે સાચે જ એ ચાના કપમાં કંકર નાખે, કપમાં ચા ઉપર આવી જાય ને એ બધી જ ચા પીને ઊડી જાય. કાગડો ઊડી જાય પછી એ કપ હું ઘરમાં લાવું ત્યારે શું જોઉં કે અંદર એકલા કંકર જ ભરેલા છે.

આજે પણ ગેલેરીમાંકાગરાજા આવ્યાં. કા... કા... કા કરીને મને ઊઠાડયો. આજે મેં નક્કી કરેલું કે હું આજે કાગરાજા સાથે વાતો કરીશ, એમનો ઈન્ટરવ્યૂ લઈશ, પછી જ એમને ચા આપીશ. એણે જેવું કા... કા... કર્યું કે તરત હું ગેલેરીમાં ગયો. એમને વિનંતી કરી કે અમારા બાળરાજાઓ માટે મને તમારો ઈન્ટરવ્યૂ લેવા દો. પછી જ તમને ચા પીવડાવું.

પહેલાં તો મને શંકા ગઈ કે આ કાગરાજાને વાચા નહીં હોય પણ મારા પરમ આશ્ચર્ય વચ્ચે એમને વાચા ફૂટી-

'કેમ ભાઈ, તું ચા ન લાવ્યો? તને ખબર છે ને કે તમારા માણસજાત જેવી આદત પડી ગઈ છે મને?'

'એટલે?'

'એટલે આ ચા પીવાની આદત! હવે એક કામ કર, ફટાફટ મારો ઈન્ટરવ્યૂ લે અને મને જલ્દી જલ્દી ચા પા. બહુ જ તલપ લાગી છે, યાર.'

'ઓકે... ઓકે... કાગરાજા, તો મારો પહેલો સવાલ એ કે મારી બનાવેલી ચા તમને કેવી લાગે છે?'

'અરે, બહુ મસ્ત. તું ગોલ્ડદૂધની ચા બનાવે છે ને! મેં તારા ડસ્ટબીનમાં ગોલ્ડ દૂધની કોથળીઓ જોઈ. હા,રસ્તા વચ્ચે પ્લાસ્ટિક ફેંકવું નહીં. એનાથી પ્રદૂષણ પેદા થાય છે. એટલે આવી બઘી કોથળીઓનો વ્યવસ્થિત નિકાલ કરવાનો. ગુડ ગુડ...'

'જી, આભાર આપનો.'

'બીજી વાત સાંભળ બકા, તું કાયમ ચા આપે છે એ તો બરાબર, પણ તું પોતે ચા સાથે ખમણ, ભજિયાં ને એવું બધું પણ ખાય છે ને? તો એવું બધું પણ ખવડાવવાનું, તું હમણાં બહારથી લાવ્યોને તે મેં જોયું, હું તારી પાસેના ઝાડ પર જ બેઠો હતો...'

'ઓકે જી, અરે કાગરાજા? મારી કાગબેન શું કરે છે?'

'બચ્ચાંઓની સંભાળ. અમારા બચ્ચાં તો બધું જ ખાવાનું ખાય, અમે લોકો બધું જ ખાઈએ, જેમકે નાના સાપોલિયા, અનાજ, દુધને એવું બધું. એટલે અમારા બચ્ચાંઓ પણ બધું જ ખાય, તમારા માણસજાત જેવા કોઈ નખરાં ના કરે, સમજ્યો?'

'અરે વાહ!'

'એક જ તકલીફ છે કે અમારી જાત બધી રીતે હોશિયાર, પણ અમને ઈંડામાં સમજ ન પડે!'

'એટલે?'

'એટલે એમ કે... તું વાત જ જવા દે...પેલી કોયલડી અમારા માળામાં એના ઈંડાં મૂકે અને અમને એમ કે અમારાં જ છે! એટલે મારી પત્ની એને સેવે, પછી ઈંડાં તોડીનેબચ્ચાં બહાર આવે ત્યારે ખબર પડે કે અમારાં બચ્ચાંની સાથે સાથેકોયલનાં બચ્ચાં પણ છે,  શું કરીએ, ખબર જ નથી પડતી...'

'હા, અમને એ ભણવામાં આવ્યું હતું.'

'બીજું કે આ તમે લોકો કાયમ અમને કહેવતોમાં વગોવો છો, જેમ કે કાગડો દહીંથરુ લઈ ગયો.'

'ના... ના... અમે તમારા વખાણવાળી કહેવત પણ વાપરીએ છીએ, જેમકે કાગડાની નજરે જોવું એટલે કે સતર્ક રહેવું. ચારેકોર નજર રાખી તપાસ કરતાં રહેવું. તમે લોકો શાર્પ નજરવાળા છો ને એટલે જ આ કહેવત પડી...'

'હા, ઠીક છે, ઠીક છે...અમુક કહેવત જ અમારા વખાણવાળી છે બાકી તો મોટે ભાગે અમને વગોવવાવાળી જ છે...'

'અચ્છા! તમારા કોમની બીજી કોઈ ખાસિયત?'

'હા, અમારામાં સંપ બહુ હોય, અમે કોઈ દુશ્મનને જોઈએ એટલે ભેગા થઈ જઈએ ને કકળાટ કકળાટ કરી મૂકીએ. અમે દુશ્મનને ચાંચો મારી મારીને ભગાડીએ.'

'ઓકે, હજુ કંઈક આગળ કહોને?'

'સારું ચાલ. તને બધું જ જણાવી જ દઉં કે અમે લોકો કોલંબો ક્રો તરીકે પણ ઓળખાઈએ છીએ. અમારાં માથા, ગળા અને પીઠના ભાગે ચમકતો ઘેરો કાળો રંગ. ગરદન નીચે અને છાતીના ભાગે હલ્કો રાખોડી કથ્થઈ રંગ ધરાવીએ છીએ. અમારા પાંખ, પૂંછડી અને પગ કાળા રંગના હોય છે. જો કે વિસ્તાર પ્રમાણે અમારી ચાંચની જાડાઈ અને રંગમાં થોડો ફેરફાર હોય છે. અમને અંગ્રેજીમાં ર્લ્લેજી ભર્િુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમારો ફેલાવો દક્ષિણ એશિયામાં બધે જ, નેપાળ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, દક્ષિણ-પશ્ચિમ થાઈલેન્ડ અને ઈરાનના દક્ષિણના તટવર્તી પ્રદેશોમાં છે. અમારી વસ્તી તમારી વસાહતોની આસપાસ, નાનાં ગામડાંઓથી શહેરો સુધી હોય છે.'

વાતચીત લાંબી ચાલી અને હજુ આગળ ચાલશે એવું લાગ્યું એટલે ઘરમાંથી દૂધ ને ભાત મિક્સ કરી કાગરાજાને આપ્યું. થોડો દૂધભાત ખાઈને આગળ...

'આજે ચાને બદલે દૂધ-ભાત! સરસ, આગળ સાંભળ... અમારો ખોરાક મોટાભાગે એંઠવાડ, નાના સાપોલીયા, જીવાત, ઈંડાં, દાણા અને ફળ છે. મોટાભાગે તો જમીન પરથી જ ચારો શોધી લઈએ છીએ. હા, ક્યારેક તક મળે તો ઝાડ પરથી પણ ભોજનનો પ્રબંધ કરી લઈએ છીએ. અમે લોકો ભારે તકવાદી અને સર્વભક્ષીય પક્ષી છીએ. અલ્યા, આવું તમે લોકો અમારા પરથી તો નથી શીખ્યાને!'

'છોડોને યાર! હવે તમારા રહેઠાણ વિશે કંઈક કહો ને?'

'અમારો માળો બનાવવાની તું મે મહીનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીની હોય છે, પણ મોટાભાગના માળા ચોમાસામાં બનાવી દઈએ છીએ. માળો બનાવવા ઝાડના સાંઠીકડા પસંદ કરીએ છીએ. અમે બનાવેલા માળામાં ૩થી ૬ લીલાશ પડતાં ભૂરા રંગના ઘેરા ડાઘાઓવાળાં ઈંડાં મૂકીએ છીએ.'

'વાહ, બહુ સરસ માહિતી આપી તમે. હજુ કંઈક આગળ?'

'જો બકા, તેં દૂધ-ભાતમાં બહુ જાયફળ નથી નાખ્યું ને? પછી મને ઊંઘ બહુ જલ્દીથી આવી જાય છે. પાછું મારે અમારા બચ્ચાંઓ માટે ખાવાનું લેવા જવાનું ને બકા!'

'હજુ થોડું જણાવો ને કાગરાજા!'

'અલ્યા તું જા, મારે હજી ઘણાં કામ છે, હજુ ઘણાં બધાના ધાબે જમવા જવાનું છે.'

'જી, હવે. એક છેલ્લું કામ.'

'બોલ.'

'એક સેલ્ફી તમારી સાથે લેવી છે.'

'ના, સેલ્ફીમાં મારું મોઢું બરાબર નથી આવતું. હું એમાં કાગડા જેવો લાગું છું.' કહી એક આંખ મારી મારા હાથમાં તાલી પાડી...

'એક સેલ્ફી, પ્લીઝ. ઓન્લી વન સેલ્ફી...'

'તું એમ નહીં માને કેમ? ઊભો રહે, મારે હવે તને ચાંચો મારી મારીને જ ભગાડવો પડશે...'

ને કાગરાજા મારી પાછળ દોડયાં, હું આગળ ને કાગરાજા પાછળ... હું આગળ ને કાગરાજા પાછળ... હું આગળ ને કાગરાજા પાછળ...