- 'પણ બાપા, તમે જ્યારે ઘરડા થશો ત્યારે તેમને ય આ જંગલમાં મુકી દેવા પડશે ને? ત્યારે હું નવી ડોળી ક્યાંથી લાવીશ?'
શિવશંકર પ્રા. શુક્લ
કોરિયાની આ વાત છે. ત્યાં એક ગામ હશે. તેમાં એક કુટુંબ રહેતું હશે.તે કુટુંબમાં એક જુનો નિયમ ચાલતો આવેલો. ઘરનો માણસ ૭૦ વરસનો ડોસો થાય એટલે તેને જંગલમાં મુકી આવે. જંગલમાં રખડી રવડીને તે મરી જાય.
ઘણા ડાહ્યા માણસો સમજાવે કે ભઈ, એ તો જુની વાત છે એ હવે પાળવી ન જોઈએ. ત્યારે એ કુટુંબના માણસો કહેતા કે, વાહ ભઈ, અમારા બાપદાદાનો રિવાજ છે. એ તો પાળવો જ જોઈએ.
હવે એ માણસ પોતે ઘરડો થયો તેનો એક છોકરો હતો. છોકરાને પણ એક દીકરો હતો.
ડોસાને ૭૦ વરસ થયા. તેના છોકરાએ ડોળી તૈયાર કરી. એ માટે એક ડોળી ઘરમાં જ હતી.ડોળી એટલે પાલખી. એ ડોળીમાં ડોસાને બેસાડયા. પોતે અને પોતાનો દીકરો ડોસાની ડોળી લઈને ચાલ્યા. જંગલમાં જઈને ડોસાને ઉતારી મુક્યા. પેલી ડોળી પણ ત્યાં મુકી દીધી.
દીકરો બોલ્યો ; બાપા, આ ડોળી અહીં કેમ મુકી દીધી ?
તેનો બાપ બોલ્યો, આપણા ડોસાને બેસાડીને લઈ આવ્યા. હવે એ શા કામની છે ? ભલે પડી.
દીકરો બોલ્યો; પણ બાપા, તમે જ્યારે ઘરડા થશો ત્યારે તેમને ય આ જંગલમાં મુકી દેવા પડશે ને ? ત્યારે હું નવી ડોળી ક્યાંથી લાવીશ ?
આ વાત સાંભળતાં જ ડોસાનો છોકરો થીજી ગયો. ડોસા કહે ; ભાઈ, મને ભાન જ નહોતું કે હું પણ ઘરડો થઈશ ત્યારે આવી દશા થશે.
તરત જ છોકરાએ ડોસાને પાછા ડોળીમાં બેસાડી દીધા. ઉઠાવીને પાછો ગામમાં લઈ ગયો.
લોકોએ પૂછ્યું કે, કેમ ભાઈ, પાછા લઈ આવ્યો ?
છોકરાએ કહ્યું ; ચાલતી આવેલી રીત ખોટી છે, એ મને હવે સમજાયું.
પોતાને સહન કરવું પડે ત્યારે જ સાચી વાત સમજાય છે. પરંતુ ડાહ્યા લોકો બુદ્ધિથી જ સમજી જાય છે કે આ ખોટું છે.


