Get The App

મધપૂડો : રામસેતુ અને અર્જુન સેતુ

Updated: Jul 22nd, 2022

GS TEAM


Google News
Google News
મધપૂડો : રામસેતુ અને અર્જુન સેતુ 1 - image

અર્જુન ખરેખરો બાણાવલી હતો જ. કરામતીય ખરો. છોડયું તીર.મારાં તીર આટલાં તકલાદી સાબિત થયાં કેે આખો તીર-સેતુ સાગર સમાધિ લઈ ગયો?

એક પુલ રામાયણમાં બન્યો હતો: રામસેતુ

બીજો પૂલ મહાભારતમાં બન્યો: અર્જુન સેતુ.

રામાયણ પહેલું કે મહાભારત...? બાળકોને એવો પ્રશ્ન થાય છે જ. ક્યારેક મોટાઓ પણ વિચારમાં પડી જાય છે. આપણે તો ચાલો વાર્તા દ્વારા જ એ ક્રમ જાણીએ.

અર્જુન દક્ષિણના પ્રવાસે હતો. ઠેઠ રામેશ્વર સુધી પહોંચી ગયો.

દરિયો આવ્યો.

રોકાઈ ગયો.

બીજું તો કંઈ જોવા ના મળ્યું. એક વાંદરો હતો. દરિયાકિનારે કૂદાકૂદ કરતો હતો.

અર્જુને પૂછ્યું: ''ક્યાંનો છે અલ્યા?''

''કિલ્કિન્ધાનો''

''અહીં શું કરે છે?''

''રામસેતુ સાચવું છું.''

અર્જુન કહે: ''અલ્યા મરકટ, અહીં તો રામેય નથી અને સેતુય નથી..!''

વાનર કહે: ''હતા.''

''શું થયું તેનું?''

''કામ પૂરું થયું. કથા પૂરી થઈ. રાવણ હાર્યો. લંકા જીતાઈ. રામરાજ્ય સ્થપાયું...''

અર્જુન કહે: ''પુલ ક્યાં ગયો?''

વાનર કહે: ''રામ નામનો હતો રામસેતુ. રામ ગયા. સેતુ ગયો.''

''તો પછી તું અહીં શું કરે છે વાનર?''

''પુલ સાચવું છું.''

અર્જુન કહે: ''અલ્યા પુલ છે જ નહિ પછી સાચવવાનું શું?''

વાનર કહે: ''જે નથી તે. રામ નામે વાનરોએ પથરા નાખી પૂલ બનાવ્યો હતો. તે સ્થળ તો સાચવું રહ્યું ને!''

અર્જુનને કંઈ સમજાયું નહિ. પથરા તરે? પથરાનો કંઈ પુલ બને? કેટલા પથરા જોઈએ? કેટલા? અધધધ!

તે કહે: ''તારા રામ પણ ઘેલા, તું પણ ઘેલો. અલ્યા પથરાનો પુલ બનાવવાની શી જરૂર? હું ધારું તો તીરનો પુલ બનાવી દઉં?''

વાનરને કંઈ વધારે બોલવાની આદત ન હતી. તે કહે: ''બનાવો.''

અર્જુન ખરેખરો બાણાવલી હતો જ. કરામતીય ખરો. છોડયું તીર. છોડયા તીર. સામે પાર પહોંચતા રહ્યા તીર. પુલ બની ગયો. બન્યો કે નહિ?

વાનર કહે: ''કેટલો મજબૂત છે, જરા જોવું!'' તે પૂલ પર કૂદવા ગયો. પૂલ સરરર કરતો સાગરમાં સરી ગયો.

આશ્ચર્ય પામ્યો અર્જુન. અલ્યા, આ વાનર કહે છે કે રામ નામે પથરા તરે. તર્યા. રામસેતુ બન્યો અને મારા આ તીર આટલાં તકલાદી સાબિત થયાં કે આટલો નાનો વાનર સહેજ ફૂટયો અને આખો તીર-સેતુ સાગર સમાધિ લઈ ગયો?

નવાઈ લાગી. લાગી જ. તેણે પૂછ્યું: ''હે કિષ્કિન્ધાના ચમત્કારિક વાનર! કોણ છે તું?'' એ વાનરને ઓળખાણ આપતા કેટલી વાર? અગાઉ તેણે અર્જુનના ભાઈ ભીમને પણ ઓળખાણ આપી જ હતી. રસ્તામાં પડેલા મરકટિયા વાનરે ભીમને કહ્યું હતું: ''જવું હોય તો રસ્તો કરીને જા. પૂછડું આઘું ખસેડી મૂક. રસ્તો થઈ જશે.'' રસ્તો થયો? અરે, ભીમ એ પૂંછડા હેઠળ જ ચગદાઈ ગયો. બૂમાબૂમ કરીને તેણે વાનરને કહ્યું: ''ઊઠાવી લે તારું પૂંછડું અને કહે કે તું કોણ છે?'' હનુમાને પોતાનું અસ્સલ સ્વરૂપ પ્રગટ કર્યું હતું.

એ જ વિશાળ કાયાનું સર્જન કરીને વાનરમાંથી હનુમાન બનેલા મરકટે કહ્યું: ''જય શ્રી રામ...''

અર્જુન કૃષ્ણભક્ત હતો છતાં તેનેય કહેવું પડયું: ''જય શ્રી રામ...''

કહે છે કે હનુમાન રામના સેવક હતા. ભક્ત હતા. રામને જીતાડવામાં હનુમાનનો ઘણો મોટો ફાળો હતો. રામ-હનુમાનની ઘણી કથા છે. તેમાં રામે હનુમાનને વરદાન આપ્યું છે કે તારે દરેક યુગમાં, દરેક જન્મમાં મારી સાથે જ રહેવાનું છે. અને રહે છે હનુમાન. કહેવાય છે કે શ્રીકૃષ્ણના રથ ઉપર હનુમાન કાયમ બિરાજેલા હોય છે. રામાયણમાં રામને જેટલો ટેકો હનુમાનનો હતો, મહાભારતમાંય કૃષ્ણરથ પર હનુમાનનો આશરો હોય છે જ.

જય શ્રી રામ

જય શ્રી કૃષ્ણ.

Tags :