Magazines

હોલિકા... પ્રહલાદને ભસ્મિભૂત કર !

By GS TEAM
27 Feb 20268 mins read
હોલિકા... પ્રહલાદને ભસ્મિભૂત કર !

- બચુડો પ્રહલાદ કહે - 'લાત લાત લાત.'

- તેં એની પાસે મારા દુશ્મનનું નામ લેવડાવ્યું? 

- હરીશ નાયક

આજે આપણે વાત હોલિકાની રાખની કરવાની છે. હોલિકા પ્રહ્લાદને બાળવા અગ્નિમાં પ્રવેશી. ખોળામાં લીધો પ્રહ્લાદ. આખા ભડભડ ભડભડ બળવા લાગી.

તેને મન કે કેટલાક બાળકો નાનાં હોય ત્યારે કાચાં હોય છે. નબળા બોલતા મોડા શીખે. શબ્દો પકડી ન શકે. મોટા કે ભારે શબ્દો તો ફાવે જ નહિ.

કહે છે કે પ્રહલાદ પણ બાળપણમાં કાચો હતો. તેને બોલવાનું ફાવતું નહિ. બોલવાનું ગમતું જ નહિ. પણ રાજાઓને ઉતાવળ ઘણી હોય છે. 'મારો દીકરો જન્મતાની સાથે જ બોલતો થઈ જવો જોઈએ.' આમ દરેક બાળક ઊં-ઊં કે ઊંવા ઊંવા તો કરતું જ હોય ! તેમાં પ્રહલાદ ઉપર તે ખૂબ નાનો હતો ત્યારથી આક્રમણ શરૂ થયું.

એક ખૂબ જાણીતા વ્યાકરણશાસ્ત્રી ગર્ગર પંડિત ઋષિને રોકવામાં આવ્યા. તેમને કહી દેવામાં આવ્યું કે પ્રહલાદ પહેલેથી જ અઘરા શબ્દો બોલે, તેવો થવો જોઈએ. તમારા જેવો પંડિત પણ બાળક જન્મતાની સાથે કંઈ પંડિત કે વ્યાકરણશાસ્ત્રી બનતો નથી કે બની જતો નથી !

હવે નાનો કાચો પ્રહલાદ અને પારંગત પંડિત ગર્ગરજી. ગુરૂ-ચેલાનું કેન્દ્ર શિક્ષણ શરૂ થયું તે જોઈએ.

પંડિતને એમ કે પ્રહલાદને તેના નામથી જ કેળવણી આપીએ. તેમણે બાળક પ્રહલાદને કહ્યું - આપનું નામ પ્રહલાદ છે ભોલો પ્ર-હ-લા-દ.

બાળક કહે - 'પર પર પર હ લા...'

ગર્ગરજી કહે - 'પર પર નહિ શિષ્ય, પ્ર-પ્ર. બોલો પ્ર-હ-લા-દ.'

બિચારા બાળકને જોડિયા અક્ષર પહેલેથી જ ફાવતા નહિ. તે બા-ચા-પા વાળો બાળક હતો અને ગુરૂ દબાણ કરે - 'પ્ર-પ્ર-પ્ર.'

શિષ્ય કહે - 'પર પર પર'

વિદ્વાન વ્યાકરણશાસ્ત્રી આવા પરપોટા કેમ સહન કરે? પ્રહલાદ મહામહેનતે અને ઘણી વાર પછી પોતાનું નામ બોલતો થયો - 'પ ર હા લા દ' છેલ્લે તે 'લાં-દ'ને બદલે 'લાન્ત' જ બોલતો. એવું બોલવાનું તેને ફાવતું.

ગુરૂજી કહે - 'લાત નહિ, લાત નહિ, લા-દ.'

બચુડો પ્રહલાદ કહે - 'લાત લાત લાત.'

ગુરૂજીના નારાજ થવાનું શરૂ થઈ ગયું. તેમણે ઘોડાની હાથીની લાદ બતાવી કહ્યું - 'આ શું છે?'

પ્રહલાદ કહે - 'છી...'

'છી છી છી છી' વ્યાકરણ પંડિત નાક દાબીને બોલી ઉઠયા. 'છી નહિ, ઉંહ, લાદ કહો, બેટમજી.'

'છી...'ની ગુરૂજીએ ના પાડી અને 'લાદ' બોલવાનું કહ્યું એટલે બાળ પ્રહલાદ ગુંચવાઈ ગયો. તેણે કહી દીધું - 'છી-લા-ત'

કપાળ ફૂટીને પંડિતજી કહે - પોતાનું નામ પણ બોલતાં આવડતું નથી. નામમાંય 'છી'નો પ્રવેશ કરાવે છે, એ છોકરો કોણજાણે મોટો થઈને શું ઉકાળવાનો છે?

તેમને લાગ્યું કે પોતાનું પર-પર નામ કદાચ તે નહિ બોલી શકે, લાવ એની પાસે તેના બાપનું નામ બોલાવું.

તેમણે કહ્યું - રાજકુમારજી, આપના પિતાશ્રીનું નામ શું છે, જાણો છો?

બાળક પ્રહલાદ કહે - 'પિતા'

'હ.. તેમનું નામ પૂછું છું નામ?'

'પિતા બાપા...'

ગુરૂજીએ અધીરા બનીને કહ્યું - 'અરે બાપા ! એ બાપાય ખરા ને પિતા ય ખરા, પણ એમનું નામ શું?'

'શું?'

ગુરૂદેવ કહે - 'બોલો હી..'

પ્રહલાદ કહે - 'હી'

ગુરૂ કહે - 'ર'

પ્રહલાદ કહે - 'ર'

ગુરૂજન કહે - 'હર ણ્ય ણ્ય'

'ણ'ને 'ય' જોડેલો હોય તે નાનો બચ્ચો ક્યાંથી બોલે? તેણે કહી દીધું - 'ણ'.

'અરે મારા પિતાના પિતાજી પ્રહલાદજી,' ગુરૂજી ખળભળીને કહેવા લાગ્યા -  'ણ નહિ ણ નહિ, ણ્ય ણ્ય' બોલો હીરણ્ય.

પણ પ્રહ્લાદ કહે - 'હીરણ.'

ખળભળેલા વૈયાકરણ શાસ્ત્રી વધુ વળવળ્યા જોરથી કહ્યું - 'હીરણ નહિ હીરણ્ય...રણ્ય..રણ્ય..'

પ્રહલાદે મહેનત કરી, પણ એનાથી બોલાય તોને? 

બે હાથ ગોઠણ પર ઠોકીને ગુરૂ નામ ગુરૂ ગર્ગરજી કહે - 'અરે તારો બાપ હીરણ નથી, સિંહ છે સિંહ. જો તને નહિ આવડે તો ફાડી ખાશે મને. બોલ હીરણ્ય.'

પ્રહલાદે કહી દીધું - 'હી-ર-ણ...'

બે હાથ કપાળ ઠાંકીને પંડિત મહાશય કહે - 'અરે રાજકુમાર બાપા, ઉંહ બાબા, રણ, નહિ 'રણ્ય.'

બાળ પ્રહલાદ કહે - 'રણ રણ રણ...'

પ્રકાંડ પંડિત કહે - 'આનો જન્મ ભડભડતા સુકકા રણમાં જ થયો લાગે છે.' 

પછી જરાક શાંત પડીને કહ્યું - 'જેમ આપણે રમ્ય બોલીએ રમ્ય, તેમ બોલો.'

પ્રહલાદ કહે - 'ર-મ-ય...'

ઘૂંટણ ફૂટયા હતા, કપાળ ફૂટયું હતું. હવે માથું જ કૂટવાનું બાકી હતુ. ઇચ્છા તો થઈ કે તે પ્રહલાદનું જ માથું કૂટી મારે, પણ એ તો રાજકુમાર હતો. મોટાના બાળકને કંઈ ટપલા મરાય? 

પરમ શાંતિ ધારણ કરવાનો પ્રયાસ કરી પંડિતજી કહે - 'ફરીથી બોલો કુંવરજી, હી..'

'પ્રહલાદે કહ્યું - 'હી-રી'

'અરે મારા પિતાના પિતાના પિતા ! હી-હી નહિ, હી-હી નહિ માત્ર હી!'

શિશુ પ્રહલાદ કહે - 'મા-ત-ર હી...'

ગુરૂનામ ગુરૂજીને લાગ્યું કે એનું નામ તેને આવડયું નહિ. બાપનું નામે ય આવડયું નહિ. લાવ ભગવાનનું નામ શીખવું, કદાચ ભગવાન મદદે આવે !

તેમણે કહ્યું - 'બોલો પ્રહલાદકુમાર વિષ્ણુ...'

બચ્ચું કહે - 'વિ-ષ-ણું...'

'અરે ઓ વિષવેલ,' શિક્ષકથીએ આઘાત પામીને કહ્યું - 'વિષણ નહિ, વિ-વિ ષ અડધો અને ણુ' 

પ્રહલાદ કહે - 'વિ વિ નહિ, ષ અડધો અને ણુ'

'એ મેં તને બોલવાનું નથી કહ્યું મારા પરમ પિતા ! તમારે માત્ર એટલું જ બોલવાનું છે વિષ્ણુ.'

પ્રહલાદે કહી દીધું - 'વિ-ષ-ણુ.'

વેદાંત શાસ્ત્રી ગર્ગરજી કહે - આના ભેજામાં કેવી રીતે ઘૂસું એ જ સમજાતું નથી. એણે વિષ વિષ્ણુને પડતાં મૂક્યા કહ્યું - 'શ્રીકૃષ્ણ બોલો. શ્રી ..' 

પ્રહલાદ કહે - 'શરી...'

પોતાની જટાના વાળ ખેંચી વિદ્વાનશ્રી કહે - 'અરે, વંઠેલ, માફ કરજો કુમાર ! શરી નહિ, શેરી નહિ, શરીર નહિ, માત્ર શ્રી-શ્રી-શ્રી.'

ભાષાપંગુ પ્રહલાદે કહી દીધું - 'શરી શરી શરી...'

'ઓ શ્રાવક !' સારસ્વત પંડિતે સિસકારા મારતાં કહ્યું - 'રાક્ષસના દીકરા તો રાક્ષસ જ હોય ને ! તારો બાપ તને વય પહેલાં વિદ્વાન બનાવવાનું કહે છે, તે શું વિદ્વાનો કંઈ આકાશમાંથી ટપકવાના છે ! બાળક બાળપણથી જ કંઈ બાળશાસ્ત્રી થોડો જ બની જાય છે? એ ઉંમરે તો બાળક અને બળદ બંને સરખા. શ્રી શ્રી કરી શકે.'

પ્રહલાદ કહે - 'ગરી ગરી'

'અરે એ મસ્તિષ્કના દુ-ખાવા ! બોલવું હોય તો કૃષ્ણ બોલ.'

બાળ પ્રહલાદે કહ્યું - 'ક-ર-ષ-ણ.'

પોતાની નારાજી કેવી રીતે પ્રગટ કરે તે હવે ગર્ગરજીને સમજાતું ન હતું. તેને થયું કે લાવ, મારૃં જ ગર્ગરતું નામ બોલાવી જોહે.

તેમણે કહ્યું - 'બોલો કુમાર ગર્ગર.'

કુમારે કહી દીધું - 'ગરગર.'

પંડિત ગુરૂ શિક્ષક જે નાચ્યો છે, કૂદયો છે. બેઠો બેઠો જ ઊછળ્યો છે, તેનું વર્ણન નારદપુરાણના નારદ પણ કરી શકે તેમ નથી. તેમને થયું કે આ પ-ર-હ-લા-દી-યા શિષ્યને ભણાવવા જતાં તો પોતે જ ગરગીયા થઈ જશે ! આ ભણાવવાનો વ્યય સાથ જ તેમનો છૂટી જશે !

તેઓ રાક્ષસરાજ હીરણ્યકશિપુને પોતાનો અહેવાલ આપવા જતા હતા, નારાજી સાથે.

પણ તેની જરૂર ન હતી. રાજમાન રાજેશ્રી ક્યારના આ અભ્યાસક્રમ નિહાળતા જ હતા. તેઓ પહેલેથી જ નારાજ હતા! તેમાં ન્યાયનો ક્યાસ શરૂ થયો. રાક્ષસરાજે પૂછ્યું - 'શિક્ષક ગરગરજી..,'

શિક્ષક ગુરૂને આ ય ન ગમ્યું. દીકરો તો દીકરો પણ બાપે ય ગરગરીયો?

ગર્ગર ગુરૂએ કહ્યું - 'મારૃં નામ ગર્ગર છે, મહારાજ ! ગર્ગર ગર્ગર.'

આવું રાજાને કહી શકાય? રાક્ષસરાજાને?

તેમણે પૂછ્યું કે, 'મેં શું ખોટું કહ્યું?'

'આપે ગર્ગરનું ગરગર કર્યું.'

'તે એમાં શું ફેર પડયો?'

'પડયો જ મહારાજ ! અમે ગર્ગ ઋષિના ગર્વિલા ગર્ગરો છીએ, ગરગર નથી, ઘરઘર નથી, ગરરર નથી, ધરરર નથી.'

પંડિત વિદ્યાગુરૂનો આ જવાબ સાંભળી દાનવરાજે કેવી દાનવતા ખળભળાવી હશે?

તેમણે કહ્યું - 'ઓ ગરગર અને ઘરઘર કે ધરરર ! તમે અમારા સુપુત્ર પ્રહલાદને કેવુંક જ્ઞાાન આપ્યું છે, તેનો દાખલો આપો, પરિચય આપો, પરચોં આપો.'

જે વિદ્યાપતિને રાજ સામે વિદ્યાર્થીનો અર્થ સમજાવવો પડે, એ વિદ્યાપતિ મનમાં ઘૂંઘવાયા વગર રહે?

ગર્ગરજીએ કહ્યું - 'આપજ શ્રીરાજ તેમની પાસે જોડિયા અક્ષર બોલાવો. કેળવણી ત્યાંથી જ શરૂ થતી હોય છે.'

રાક્ષસરાજે પ્રહલાદને થાંભલો બતાવી પૂછ્યું - 'બોલો બેટા સ્થંભ.'

શિશુ પ્રહલાદ કહે - 'સથંભ'

રાડ પાડીને દાનવદૈત્ય કહે - 'ગરગરજી, તમે શિશુને આવું શીખવ્યું છે? સ્થંભને બદલે સથંભ?'

ગર્ગરજી હવે આ-પાર કે તે-પાર પર આવી પહોંચ્યા હતા. તેઓ કહે - 'આપનો સુપુત્ર એક રીતે સુપુત્ર છે જ નહિ (એટલે કે કુપુત્ર છે) એના ભેજામાં કોઈ જ્ઞાાન પ્રવેશતું જ નથી. એના ભેજામાં વિષ્ણુને બદલે વિષાણુ ભરેલાં છે !'

'હીરણ્ય'ને વિષ્ણુ નામની ભારે ચીઢ હતી તેઓ પોતાની જાતને જ ભગવાન માનતા હતા. તેઓ પ્રત્યક્ષ અગ્નિમાં ફેરવાઈ ગયા. ધૂમ્રસેર અને ધૂંધ સાથે તેમણે આક્રમણ કર્યું - 'ઓ ગર્ગરીયાજી, તમે એને વિષ્ણુનું નામ શીખવ્યું? વિષ્ણુનું? ઓ હોલિકા!'

તેમણે બહેન હોલિકાને બૂમ પાડી.

જ્યારે તેઓ કોઈને સજા કરવા માગતા, ત્યારે બહેન હોલિકાને જ યાદ કરતાં. હોલિકા તેમની ફાંસીગર હતી. ન્યાય એટલે અંત. ન્યાય એટલે અગ્નિદાહ. ન્યાય એટલે અંતિમક્રિયા, ન્યાય એટલે અંતિમ પાઠ - હોલિકા બહેનનો આ જ ન્યાય હતો.

ગર્ગરજીને થયું કે ભાગો રામ ! હવે તો સાક્ષાત વિષ્ણુ ભગવાન પણ આપણને બચાવી શકશે નહિ. તેઓ ભાગવા જતા હતા.

'થોભો!' હીરણ્યકે હુકમ કર્યો - 'એની પાસે, તમારા આ શિષ્ય પાસે પાંચ નામ બોલાવો.'

ગર્ગર પંડિત થરથરતાં કહે - 'બોલો રાજકુમાર પ્રહલાદજી, હીરણ્યક...'

શિશુ કહે - 'હી-હી-હી'

હીરણ્યક લાલપીળા થતા ગયા.

ગર્ગર ગુરૂ કહે - 'શિશુકુમાર, હીર હીર હીર....'

શિશુકુમાર પ્રહલાદ કહે - 'હ-હ-હ હરિ હરિ હરિ'

હીરણ્યકના ચહેરા પર હવે લાલ-પીળા નહિ, મેઘધનુષના તમામ રંગો રંગાઈ રહ્યા. તેમણે ગરગરીને કહ્યું - 'અલ્યા, ઓ પંડિત, તેં એની પાસે હરિનું નામ લેવડાવ્યું? મારા દુશ્મનનું? હોલિકા !'

ભાગ્યા વગર ભૃગૃરૂઋષિના કે ગર્ગઋષિના અનુયાયી ગર્ગરજીનો છૂટકો ન હતો. તેઓ ભાગ્યા. હોળીકા પ્રત્યક્ષ આગ બનીને તેની પાછળ પડી.

ભાગતા ભડવીર ગર્ગરે જતાં જતાં કહ્યું - 'દાનવરાજ ! હું તમને શ્રાપ આપું છું કે તમારો આ હરિ-પુત્ર જ તમારા વિનાશનું કારણ બનશે.'

'વિનાશ કોનો થાય છે તે હમણાં જ ખબર પડશે,' હવે દાનવ હીરણ્યકપિતાએ ક્રોધને જ્વાળામુખી ફેરવતા કહ્યું - 'હોલિકા, એ જ્ઞાાનીને સળગાવી મૂક.'

ઘણે દૂર સુધી ભાગી ગયેલા ભાગ્ય પંડિતે કહ્યું - 'જો બચીશ, તો વિદ્યાપીઠોને કહીશ કે, હવે કોઈ દિવસ નાના શિશુને જોડિયા અક્ષરથી શિક્ષા શરૂ કરવું નહિ.'

તેઓ કદાચ એ સૂત્ર સજીવન કે ચિરંજીવ બનાવવા માટે જ ભાગી છૂટયા. બચી છૂટયા.

ગરગરીયાજી હાથમાં ન આવ્યા તો હીરણ્ય-કે ગરગરીને એટલે કે ગરજીને કહ્યું - 'હોલિકા, એ નહિ તો એનો શિષ્ય, આ પ્રહલાદીયાને અગ્નિમાં લઈને બિરાજો.'

આતંક કદી પારકા પોતાનાને ય પિછાનતા નથી. આતંક સાથે તેઓ હંમેશાં તંગ જ હોય છે. તેમણે જેવો ભગિનિ હોળીકાને શિશુ સહિત અગ્નિશાસ્ત્રનો આદેશ આપ્યો કે હોળીકા બાળ પ્રહલાદને લઈને આગના બાગમાં અગ્રેસર થઈ. તેને અગ્નિ બાળી નહિ શકે તેવું વરદાન હતું. પણ વરદાનનો ઉપયોગ જે અવર દાનમાં કરે છે, સદ-ઉપયોગનો દૂરૂપયોગ કરે છે તે જાતે જ ભસ્મિભૂત થઈ જાય છે.

હોળીકા જાતે જ રાખ થઈ ગઈ.

શિશુ પ્રહલાદ જોડિયા અક્ષર વગરની પ્રાર્થના કરવા લાગ્યો -

'હરિ હરિ હરિ

હર હર હરરર...

ગરગર થાય ગરરર....

ફઈ થાય ફરરર....'