Get The App

વૃંદાવનમાં હોળી .

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
વૃંદાવનમાં હોળી                                . 1 - image

- 'વનરાજ, તમારી વાત સાચી છે. મને આ ટેબ્લેટ પપ્પાએ ભણવા માટે આપ્યું છે. હું તેનો દુરુપયોગ કરું તો નુકસાન તો મને જ થવાનું છે. આજથી હું તેનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરીશ.'

પીના પટેલ 'પિન્કી'

વૃંદાવનમાં આજે બધાં બાળકોમાં ધમાલ મચી હતી. ચીકુ સસલી આમતેમ દોડી રહી હતી. તો રાજુ વાંદરો સુકાઈ ગયેલી ડાળીઓ તોડી રહ્યો હતો. મોટુ હાથીભાઈ તેમની સૂંઢમાં ભારે લાકડા લાવીને ઢગલામાં મુકી રહ્યા હતા.

ત્યાં શહેરથી આવેલો નંદુ  ટેબ્લેટ પર ગેમ્સ રમવામાં મશગુલ હતો. 

   શકુ શિયાળ તેની પાસે આવીને બોલ્યું, 'નંદુ તું શું કરે છે?'

'આન્ટી  હું તો આ ગેમ રમું છું.'

'જો, આ તારા મિત્રો સવારના દોડાદોડી કરીને હોલિકા દહન માટે લાકડા અને છાણા ભેગા કરી રહ્યા છે. તારે એમની સાથે નથી જોડાવું?'

'જુઓ આન્ટી, આ હોલિકા દહન થઈ ગયું...' કહીને તેણે ટેબ્લેેટમાં હોલિકા દહન કરીને બતાવ્યું .  પછી કહે, 'આન્ટી, ભૂખ લાગી છે. કંઈ ખાવાનું આપોને.'

શકુ શિયાળ સરસ મજાની દ્રાક્ષ લઈ આવી અને નંદુને આપી. નંદુ દ્રાક્ષ મોઢામાં મુકીને તરત જ થૂ-થૂ-થૂ-થૂ કરતાં બહાર થૂંકી નાખી. એ અકળાઈને બોલ્યો, 'આન્ટી આ તો નકલી દ્રાક્ષ છે. એ ખવાતી  હશે?'

 'નંદુબેટા, તને  આ નકલી દ્રાક્ષમાં મજા ન આવી ચો નકલી હોળીમાં કેવી રીતે મજા આવી શકે?  ચાલ, આ બધાની સાથે હોલિકા દહનના લાકડા ભેગા કરવા જોડાઈ જા!'

 નંદુને શકુ આન્ટીની વાત સમજાઈ ગઈ. તે બધાની સાથે સૂકાં  લાકડાં અને છાણાં ભેગા કરવા લાગ્યો. તેને મજા આવી ગઈ. હોલિકા દહનના સમયમાં થોડીકવાર હતી અને બધા ત્યાં આવી ગયાં. નંદુ બોલ્યો, 'આપણે બધા આજે આ હોલિકા દહન શા માટે  કરીએ છીએ?'

વનરાજ બોલ્યા, 'હિરણ્યકશિપુ નામે રાજા હતો. તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુભગવાનનો ભક્ત હતો. તેને એ ગમતું નહીં એટલે પ્રહલાદને તેણે જુદી જુદી રીતે મૃત્યુદંડ આપવા પ્રયત્ન કર્યો, પણ પ્રહલાદની ભક્તિથી તે બચી જતો હતો. હિરણ્યકશિપુની બહેન હોલિકા હતી. તેની પાસે એક ચુંદડી હતી. તે ઓઢીને બેસે તો અગ્નિમાં દાઝી ના જાય. એટલે તે ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને બેસી અને અગ્નિ પ્રગટાવ્યો. તે સમયે પવન ફુંકાયો અને તેના માથા પરથી ઉડીને ચુંદડી પ્રહલાદના માથા પર પડી એટલે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પ્રહલાદ બચી ગયો. આ વાર્તા આપણને સમજાવે છે કે હંમેશા સત્ય અને ધર્મનો વિજય થાય છે.મળેલા વરદાનનો દુરપયોગ કરીએ તો આપણને જ નુકસાન થાય છે.'

 આ વાત સાંભળીને નંદુ બોલ્યો, 'વનરાજ, તમારી વાત સાચી છે. મને આ ટેબ્લેટ પપ્પાએ ભણવા માટે આપ્યું છે. હું તેનો દુરુપયોગ કરું તો નુકસાન તો મને જ થવાનું છે. આજથી હું તેનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરીશ. દર વર્ષે હોલિકા દહન કરીને આ વાતને યાદ રાખીશ.'

ત્યાં જ ચીકુ  સસલી  અને રાજુ વાંદરાનો અવાજ ગુંજ્યો - 'બોલો ભક્ત પ્રહલાદ કી જય...' 

 હોલિકા દહન થયું. બધાએ પ્રદક્ષિણા કરી. બીજા દિવસે સવારે આખું વૃંદાવન હોળીના રંગોથી રંગબેરંગી બની ગયું.