Happy Holi
હોળી આવી....
રંગોનો તહેવાર લઈને આવી હોળી રે,
ફાગણને સંગે સંગે આવી હોળી રે..
કેસરિયો કેસૂડો સુગંધ ફેલાવે રે,
વસંતના વાયરાને તે વધાવે રે.
કોયલબેની મીઠડાં ગીતો ગાય રે,
વનરાવન આખું ગુંજી ઉઠે રે.
ગુલાલ લઈને જાય ભેરુની ટોળી રે,
રંગભરી પિચકારી આજે કરવી ખાલી રે.
મમરા, ખજૂર, નાળિયેર સંગ ધાણી રે,
વેરની આગ હોળી સંગે બળી રે.
- ડો. પ્રજ્ઞાા કેયૂર પુરોહિત
ચાલો ઘેરૈયા....
આવો ઘેરૈયા, ચાલો ઘેરૈયા,
આવી ધૂળેટી, ચાલો ઘેરૈયા.
રંગબેરંગી રંગો લઈને, ચાલો ઘેરૈયા.
પિચકારીમાં પાણી ભરીને, ચાલો ઘેરૈયા.
ફાગણની પૂર્ણિમા આવી, ચાલો ઘેરૈયા.
રાગ-દ્વેષની કરીએ હોળી, ચાલો ઘેરૈયા.
ધાણી-દાળિયા-ખજૂર હોમીએ, ચાલો ઘેરૈયા.
ફાગણીયાના ફાગ ગાઈએ, ચાલો ઘેરૈયા.
ઋતુઓની મહારાણી આવી, ચાલો ઘેરૈયા.
વસુંધરા પર વસંત આવી, ચાલો ઘેરૈયા.
કેસૂડાથી રમીએ હોળી, ચાલો ઘેરૈયા.
ગલગોટા જેવો પીળો રંગ,
હરિયાળીનો લીલો રંગ,
સુખ-શાંતિનો સફેદ રંગ,
વીરતા-શૌર્યનો કેસરી રંગ,
પ્રેમ-સ્નેહમાં લાલ-ગુલાબી રંગ,
આભ-સમુદ્રનો ભૂરો રંગ.
ક્રોધનાં કાળા રંગને તજીએ, ચાલો ઘેરૈયા.
અવનવા રંગોથી રમીએ ધૂળેટી, ચાલો ઘેરૈયા.
જીવન રંગોથી રંગીન બનાવીએ, ચાલો ઘેરૈયા.
- વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
આજે તો
ભૈ હોળી !
આજ રંગની વાત કરો,
રંગબેરંગી જાત કરો,
રંગભરી પિચકારી લાવો
આજે તો ભૈ હોળી !
ઝૂમો, નાચો, ગાઓ ભૈ,
પ્રેમગીતનો પાવો લૈ,
નાના-મોટા સૌએ આવો
આજે તો ભૈ હોળી !
દૂર કરો ભૈ મનના મેલ,
ઢોલી સંગે ખેલો ખેલ,
વેરઝેરને વિસરી જાઓ
આજે તો ભૈ હોળી !
હોળી આવી
હોળી આવી, હોળી આવી,
હારડા, ખજૂર ને ધાણી લાવી,
ફાગણીયાનો ફાગ લાવી,
વગડે કોયલ સૂર લાવી,
આંબે મંજરી - મ્હોર લાવી,
ઊનો ઊનો વાયરો લાવી,
રંગોત્સવના રંગો લાવી,
રંગભરી પિચકારી લાવી,
માનવતાનો રંગ લાવી,
ભક્ત પ્રહલાદની યાદ લાવી,
ઉર તણો ઉલ્લાસ લાવી !
- મીના પટેલ
પિચકારી અને હાથી
પિચકારી આ રમતી જાય,
રંગનું પાણી ભરતી જાય
'હોળી આવી' ગાતી જાય,
ખજૂર-ધાણી ખાતી જાય.
સામે મળ્યાં ડોલીબેન,
ખભે દફતર, ગજવે પેન.
પિચકારી તો છાંટે રંગ
ડોલી જોતી થઈને દંગ !
આગળ મળ્યા પિન્ટુભાઈ,
લોટનો ડબ્બો માથે લઈ.
પિચકારી તો છાંટે રંગ,
ડબ્બો હેઠે, પિન્ટુ દંગ !
સામે મળ્યો હાથીડો,
જબરો મોટો ભાથીડો !
સૂંઢમાં ગંદું પાણી છે
પિચકારી અજાણી છે.
પિચકારી તો છાંટે રંગ,
હાથીને ક્યાં લાગે અંગ?
હાથી કહેતો ઃ આવી જા.
હોળીમાં રંગાઈ જા,
સૂંઢ ઊંચી કરતો જાય,
ગંદું પાણી છોડયે જાય.
પિચકારી ભીંજાઈ ગઈ,
બિચ્ચારી શરમાઈ ગઈ !
- નટવર પટેલ
ઊડે રે ગુલાલ !
ઘેરૈયાની આવી હોળી, ઊડે રે ગુલાલ !
આલો પૈસો આજે હોળી, ઊડે રે ગુલાલ !
રંગભરી પિચકારી લાવ્યા, ઊડે રે ગુલાલ !
જે દોડયા તે આજે ફાવ્યા, ઊડે રે ગુલાલ !
કાકાની ઉછાળી હોળી, ઊડે રે ગુલાલ !
ટોળાએ મરજાદા લોપી, ઊડે રે ગુલાલ !
ખજૂર, ધાણી, શ્રીફળ માગે, ઊડે રે ગુલાલ !
મળતાં લાગો વધતી આગે, ઊડે રે ગુલાલ !
ભાભીની ભીંજી ચૂંદલડી, ઊડે રે ગુલાલ !
કાકાની રંગી ધોતલડી, ઊડે રે ગુલાલ !
રંગે હોળી સૌને સરખા, ઊડે રે ગુલાલ !
માણો આનંદ છોડી નખરા, ઊડે રે ગુલાલ !


