- મણિલાલ શ્રીમાળી 'મિલન'
એ ક ઘટાદાર અને હરિયાળુ વન. નામ એનું સુંદરવન. નામ પ્રમાણે જ ગુણ.
આ વનમાં અનેક પ્રકારનાં પશુ-પંખીઓ રહેતાં ને આનંદ કિલ્લોલ કરતાં. તેમની વચ્ચે સંપ ખૂબ હતો. વનની વનરાજિથી રાજી રાજી થઈ તેઓ આમતેમ ઉડાઉડ કરે કે દોડાદોડ કરી મૂકે.
વન હોય એટલે વનનો રાજા સિંહ તો હોય જ. આ સાથે હાથી, ઘોડા, શિયાળ, વાઘ, જિરાફ, વાંદરા વગેરે પશુઓ ઉપરાંત મોર, પોપટ, કાગડા, કોયલ, કાબર, ચકલા જેવા અન્ય પંખીડાનો કલરવ તો ખરો જ!
આ ઘેઘુર વનમાં પશુ-પંખીઓ એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુખે દુખી થતા. પૂરેપૂરા સાથસહકારથી તેઓ રહેતાં.
આ વનની ખાસિયત એ હતી કે સિંહ રાજાની આગેવાની હેઠળ દર વર્ષે જુદા જુદા તહેવારોની ઉજવણી કરવામાં આવતી. સૌ હળીમળીને ઉત્સાહ ને ઉમંગભેર ઉત્સવ મનાવતાં.
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. ફાગણના ફાગ સાથે વાસંતી વાયરા વાતા હતા. પ્રકૃતિની લીલા અદ્ભુત હતી. વનમાં ચારે બાજુ ખુશનુમા વાતાવરણ હતું. એક વાર સિંહ રાજા વનમાં ફરવા નીકળ્યા.
સિંહ રાજાને ઉમદા વિચાર આવ્યો કે આ વખતે તો હોળીનો તહેવાર રંગેચંગે બધાએ ભેગા મળીને ઉજવવો છે. સિંહ રાજાએ વનનાં બધાં પશુ-પંખીની એક મિટીંગ બોલાવી. પછી જાહેરાત કરી, 'દોસ્તો, હોળીનો ભવ્ય તહેવાર સાવ નજીક છે. આપણે બધાંએ રંગેચંગેથી - આનંદ ને ઉત્સાહથી હોળી ઉજવવાની છે.'
બધાં જ પશુપંખીઓ આ સાંભળીને રાજી રાજી થઈ ગયાં.
સિંહ રાજાએ પશુ-પંખીને સમજાવ્યું કે, 'આ તહેવાર આનંદનો અને એકતાનો છે - બધાએ સાથે મળી શાંતિથી ઉજવણી કરવાની છે... અને હા, આ રંગોના તહેવારમાં કોઈએ રાસાયણિક રંગો કે કાદવ-કિચડનો ઉપયોગ કરવાનો નથી. માત્ર પાણી અને નુક્સાન ન કરે એવા રંગોથી જ હોળી રમવાની છે. અબીલ, ગુલાલ, કંકુ, ચંદનથી હોળી ખેલવાથી ઓર મજા આવશે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પાણીનો ઉપયોગ પણ બને એટલો ઓછો કરવાનો છે.'
પશુ-પંખીઓ સહમત થયાં અને તૈયારીમાં લાગી ગયાં.
મોરલાએ પોતાનાં પીંછાં ખંખેરી અવનવા રંગોની જાણે રંગોળી બનાવી. હાથીભાઈએ તો બાજુની નદીમાંથી પોતાની સૂંઢમાં પાણી લાવી લાવીને મોટો ખાડો ભરી દીધો. જાણે સ્વિમિંગ પુલ જોઈ લો! ઘોડા, વાનર, જિરાફ પણ અવનવા રંગો લાવ્યા. પોપટ, કાગડો, કાબર અબિલ, ગુલાલ, કંકુ, ચંદન લઈ આવ્યાં.
હોળીના દિવસે સિંહ રાજાએ બધાંને એક ચોક્કસ જગાએ બોલાવી ફરમાન કર્યું કે હવે આપણે સહુ હોળી રમીએ અને ફાગ-ગીતો ગાઈએ. બધાએ ગીતો ગાયાં ને ત્યાર બાદ આનંદ કિલ્લોલ કરતાં કરતાં રંગોની રમઝટ ચલાવી.
મોરલાએ પોપટને, પોપટે કાગડાને, કાગડાએ કાબરને પાણીથી રંગી નાખ્યાં. એકમેક પર કલરના એવા તો છાંટણા કર્યા કે ન પૂછો વાત.
આ બાજુ પોપટે પહેલેથી જ પાણીના રંગોથી-બલૂન-ફૂગ્ગા ભરી રાખ્યા હતા. તે એણે હાથી, ઘોડા અને વાંદરાને આપ્યા. પશુઓએ એકબીજા ઉપર ફૂગ્ગા ફોડવા માંડયાં. ફરી પાછો હાથીએ સૂંઢમાં પાણી લઈને આવ્યો ને ફૂવારો ઊડાડયો. શિયાળ પણ બાકાત ન રહ્યું. એ પણ રંગાઈ ગયું હતું.
આમ, આખાયે વનમાં હોળીની રંગેચંગે ઉજવણી તો થઈ, પણ પછી આ સમસ્યા ઊભી થઈ - અમુક પશુ-પક્ષી એવાં રંગાઈ ગયાં હતાં કે ઓળખાતાં જ નહોતાં. હવે શું કરવું?
પછી નક્કી કરવામાં આવ્યું કે સૌ પશુ-પંખીઓએ હાથીભાઈએ પાણીથી ભરેલા ખાડામાં જઈને નાહી-ધોઈને સ્વચ્છ થવું.
સૌ ખાડા પાસે ગયાં અને ધૂબાકા મારીને એમાં કૂદી પડયાં. સ્વિમિંગ પુલ જેવા બની ગયેલા ખાડામાં નહાવાની એમને નવેસરથી મજા આવી. ધીમે ધીમે સૌના શરીર પર લાગેલા રંગો ઉતર્યા અને સૌ એકબીજાને ઓળખાઈ શકે તેવા બન્યાં!
સ્વચ્છ થઈને સૌ સિંહ રાજા પાસે ગયાં. હરણે કહ્યું, 'સિંહ રાજા, અમે બધાં પશુ-પંખીઓ ધાણી-ખજૂર મમરા ચણા લાવ્યાં છીએ. તમારા હાથે સૌને પ્રસાદરૂપે તે આપો...'
પશુ-પંખીઓની આ લાગણી સિંહ રાજાને ખૂબ ગમી. તેમણે આનંદપૂર્વક સૌને પ્રસાદ વહેંચ્યો. આમ, સૌએ એકબીજાને સંગ ધામધૂમથી હોળી ઉજવી ને પછી સૌ વિખરાઈને પોતપોતાના ઘરે ગયાં. વનનો રાજા સિંહ પણ ખુશ ને પશુ-પક્ષીઓ પણ ખુશ.
બાળમિત્રો, તમે પણ હોળીનો તહેવાર મોજથી સેલિબ્રેટ કરજો, હં ને!


