- આઝાદી જંગમાં સાધુસંતોના ત્યાગની મહામૂલી યશગાથા
- 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની સત્યકથા
- આ તો ભગવાનનું ઘર છે... કોઈ ડર નથી
- જે ગોરા યુગલને બાલકરામે શિવમંદિરમાં આશરો આપી બચાવ્યા હતા એ જ ગોરાએ સંત સામે પિસ્તોલ ધરી
- તમે મારા પ્રાણ બચાવ્યા છે તો હું પણ તમારા પ્રાણ બચાવવા તૈયાર છું. શરત એટલી જ કે જમીન ઉપર ઝૂકીને થોડુંક રક્ત ચાટી જાવ. એ રીતની સાફસુફી પછી જ તમને તમારા જીવવાની મુક્તિ આપવામાં આવશે.'
- હરીશ નાયક
દેશની આઝાદીમાં સાધુસંતોએ પણ સારો એવો ભાગ લીધો છે અને ભોગ આપ્યો તેની આ સત્યકથા છે.
કાનપુરમાં સતી ચોરા નામનો ઘાટ છે. એ ઘાટની પાસે આજે પણ એક શિવમંદિર ઊભું છે. લગભગ સવાસોથી વધુ વર્ષ પુરાણા એ શિવમંદિરના ઇતિહાસ સાથે પૂજારી બાલકરામની ઇતિહાસ ખૂબ જ ગૂંથાઈ ગયો છે. મંદિરમાં જેટલું અગત્ય શિવના પોઠિયાનું છે, એટલું જ મહત્વ બાલકરામને મળેલું છે.
એક જમાનામાં બાલકરામ જાતે જ એક તીર્થયાત્રા જેવા હતા. બપોરનો સમય હોય કે રાતનો સમય હોય, ભક્તજનો ત્યાં આવીને ભેગા મળતા કે બાળકો ટોળે વળી જતાં ત્યારે બાલકરામ પુરાણકાળની નાની મોટી સુંદર વાર્તાઓ બધાંને કહી સંભળાવતા.
બાલકરામની ખ્યાતિ ઠેર ઠેર ફેલાયેલી હતી.
તેઓ એક સારા વાર્તા કહેનારા જ ન હતા, સારા ભક્ત પણ હતા. દિવસ અને રાત શિવની ભક્તિમાં લાગ્યા રહેતા અને ભક્ત કહ્યા એટલે નીડર તો હોવાના જ. તેમાંય શિવના ભક્ત એટલે તેઓ સાવ જ નિર્ભય નીડર અને નિરાત જીવ હતા.
મંદિર સારું એવું મોટું હતું અને મંદિરને એક ભોંયરું પણ હતું.
વાત સન ૧૮૫૭ની છે.
સારાય દેશમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટે ચળવળ ફાટી નીકળી હતી. દેશ એકીઅવાજે બોલી ઉઠયો હતો :
'ગોરાઓ પાછા જાવ.'
પ્રજાની સાથે નાના મોટા રાજાઓનો પણ તેમાં હાથ હતો.
નાનાસાહેબ પેશવાનું ત્યારે એ દિશામાં ચલણ હતું. નાનાસાહેબે તો એક રીતે પ્રતિજ્ઞાા કરી હતી કે : ગોરાઓને આ દેશમાંથી હાંકી કાઢ્યા પછી જ મારી તલવારને મ્યાનમાં મૂકીશ.
નાનાસાહેબે બળવાની આગેવાની લીધી અને પોતાના લશ્કરને કહી દીધું કે : ગોરાઓને દેખો ત્યાંથી ઠાર કરો. ગિરફતાર કરો - કે તેઓ પોતાને દેશ જવા તૈયાર છે તેવું કબૂલાવી લો.
પ્રજા સાથે ભળી જઈને પેશ્વાના લશ્કરે ગોરાઓ પર એવો તો હુમલો કર્યો કે ગોરાઓને ભાગતાં ભોંય ભારે પડી ગઈ.
જેમ બધાં શહેરોમાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. તેમજ કાનપુરની શેરીઓમાં અને લત્તાઓમાં પણ રક્તની ધારાઓ વહેવા લાગી હતી.
એક રાતના શિવજીના મંદિરની બહાર ભાગે રણમોરચો મંડાઈ ગયો. ગોરાઓ તથા ભારતીય લોકો સામસામે આવી ગયા. ગોરાઓએ સામનો તો કર્યો, પણ તેઓ ફાવી શક્યા નહીં. તેમણે ભાગમભાગ કરી મૂકી.
મોડી રાતના લડાઈના સ્વરો કંઈક શાંત થયા. બાલકરામજી મંદિર બંધ કરીને શાંતિથી સૂવા ગયા. સૂતા પહેલા તેમણે પોતાની પ્રાર્થના પૂરી કરી. ભગવાન શિવજીના ગુણગાન ગાયા અને ભજન લલકારતા લલકારતા હજી તેઓ માંડ આંખ મીંચતા હતા. ત્યાં જ મંદિરના દ્વાર કોઈએ ખખડાવ્યા.
બાલકરામજીએ દ્વાર ઉઘાડયાં. કહ્યું : 'રાતવાસો જોઈએ છે? આવી જાવ ભાઈઓ. આ તો ભગવાનનું ઘર છે. કોઈ જાતનો ડર રાખશો નહીં.'
પણ આવનારા લોકો રહેવા આવ્યા ન હતા. બાલકરામને લઈ જવા આવ્યા હતા. કાનપુરના એ પ્રજાજનો બાલકરામને ખૂબ જ ચાહતા હતા. તેઓ બોલી ઉઠયા : 'મહારાજ, ચારે બાજુ જ્યારે યુદ્ધનો દાવાનળ પ્રગટી રહ્યો હોય ત્યારે તમારું અહીં એકલા રહેવું સલામત નથી. અમારી સાથે ચાલો. અમે તમારું રક્ષણ કરીશું.'
બાલકરામ કહે : 'ભાઈઓ, જોખમ હશે તો મંદિરની બહાર હશે. અહીં મંદિરની અંદર મને કોઈ જોખમ દેખાતું નથી. ભલા ભગવાનની પાસેય કોઈ જોખમ હોતું હશે? અને હું ક્યાં એકલો છું? મારી સાથે મારો ભગવાન તો છે.'
લોકો રોકાયા નહીં. તેઓ ઝનૂને ચડયા હતા. ગોરાઓને ભગાડવા માગતા હતા. એટલે તેઓ બાલકરામ સાથે ઝાઝી પંચાતમાં ન ઊતરતાં, ત્યાંથી ચાલ્યા ગયા.
ચારેબાજુ આટલી ધમાલ હતી છતાં બાલકરામ નાના બાળકની જેમ નિરાંતે ઊંઘી ગયા.
બહાર કોઈએ દ્વાર ખખડાવ્યા ત્યારે જ તેમની આંખ ઊઘડી.
દ્વાર વધુ ઉગ્રતાથી ખખડવા લાગ્યા.
'આવું છું ભાઈ.' કહીને બાલકરામ દ્વાર સુધી પહોંચ્યા. દ્વાર ઉઘાડયું અને પોતાની રીત મુજબ પૂછ્યું, 'અંદર આવો ભાઈ, ભગવાનના દરબારમાં આવતા જરા પણ સંકોચ પામશો નહીં.'
'હાથ ઊંચા કરો...' ત્યારે જ ગર્જના જેવા કાતિલ શબ્દો આવ્યા.
એ શબ્દો ઉચ્ચારનારના હાથમાં હિસ્તોલ હતી.
બાલકરામે પૂછ્યું : 'કોણ છો ભાઈ?'
પિસ્તોલવાળા માનવીએ જવાબ આપ્યો : 'ચૂપચાપ ફાનસ મોટું કરો અને બીજી કોઈ ચાલાકી કરી છે તો ગોળીએ ઉડાવી દેવામાં આવશે.'
બાલકરામ ફાનસ પાસે ગયા. ફાનસની વાટ મોટી કરી.
તેમણે પેલા માનવી સામે જોઈને કહ્યું : 'અરે ભાઈ, આ શિવજીના મંદિરમાં વળી પિસ્તોલનું શું કામ છે? અહીં તમારે રહેવું હોય તો નિરાંતે રહી શકો છો. આ મંદિર જેટલું મારું છે એટલું જ તમારું છે.'
પિસ્તોલવાળા માનવીએ કહ્યું : 'ચૂપ થઈ જાવ પૂજારી. ઝાઝી લપછપ ન કરો અને એક વાત યાદ રાખો કે જ્યાં સુધી અમે અહીં રહીએ ત્યાં સુધી તમારે ચૂપ જ રહેવાનું છે. એક શબ્દ પણ અમારે વિશે ઉચ્ચાર્યા છે તો તમને તમારા ભગવાન પાસે મોકલી આપવામાં આવશે.'
ફાનસના પ્રકાશમાં બાલકરામ હવે એ માનવીને જોઈ ચૂક્યા હતા. એ માનવી એક ગોરો અધિકારી હતો. તેની સાથે તેની સ્ત્રી પણ હતી. પેશ્વાના લશ્કરે ગોરાઓને ભગાડી મૂકવા જે ઝુંબેશ ચલાવી હતી. એનાથી ડરતા ભાગતા આ ગોરાઓ અહીં આવી પહોંચ્યા હતા. અને તેમણે પિસ્તોલથી રાજ્ય કર્યું હતું, એટલે અહીં પણ તેઓ પિસ્તોલ જ બતાવે ને?
બાલકરામ કહે : 'સમજી ગયો. પણ મારા મહેમાનો, તમે નાહકની ચિંતા કરો છો. આ મંદિર બધાનું મંદિર છે. અહીં ગોરા કાળાના કોઈ ભેદ નથી. અહીં ભક્તિ ચાલે છે. શસ્ત્ર પાછું મૂકી દો. હું તમને ખાતરી આપું છું કે તમે જ્યાં સુધી રહેશો ત્યાં સુધી તમને કોઈ ઊંચી આંચ નહીં આવે. ભગવાન તમારું રક્ષણ કરે.'
બાલકરામે એ ગોરાં પતિ-પત્નીને મંદિરના ભોંયરામાં સરસ રીતે રહેવાની ગોઠવણ કરી આપી.
એ યુગલ ૧૩ દિવસ સુધી મંદિરમાં રહ્યું.
જાતજાતના ભયથી તેઓ ડરી જતા પણ બાલકરામ તેમને કોઈ ઊની આંચ આવવા દે તેમ ન હતું.
કોઈક વખત ફરીથી ગોરો માનવી પિસ્તોલ તાકીરહેતો, ત્યારે બાલકરામ કહેતા, 'મારી પર શંકા લાવો નહીં અને ડરી ડરીને પિસ્તોલ ખેંચ્યા કરો નહીં. હું ધારું તો મારા લોકોને બોલાવીને તમને ગિરફતાર કરાવી શકું છું. અહીં આવતા લોકોને ઇશારો કરીને તમારી જાણ કરી શકું છું, પણ હું ભગવાનનો ગુનેગાર બનવા માગતો નથી. ભગવાન સૌનું રક્ષણ કરે છે અને હું તો અહીં ભગવાનના પૂજારી તરીકે કામ કરું છું. તમે દુશ્મન હોવા છતાં હું તમને દુશ્મન માનતો નથી, કેમ કે ભગવાનનો આશરો લેનાર કોઈ માનવી દુશ્મન નથી અને ભગવાનની નજરમાં તો કોઈ જ દુશ્મન નથી, કોઈ જ નહીં.'
તેર દિવસ આ રીતે નિરાંતજીવે રહ્યા બાદ ગોરા યુગલનો ત્યાંથી જવાનો વારો આવ્યો.
ગોરાઓ ફરીથી એકઠા મળ્યા હતા અને પોતાના નાસતા ભાગતા લશ્કરને ભેગું કરીને તેઓ પેશ્વાના લશ્કરનો સામનો કરતા હતા.
એમાં તેઓ ફાવ્યા પણ ખરા.
ગોરાઓની જીત થતી દેખાતા પેલું ગોરું યુગલ ત્યાંથી છટકીને નાઠું અને ત્યારબાદ તો ગોરાઓ આખો બળવો દબાવી રહ્યાના સમાચાર આવતા રહ્યા.
આવાં તોફાનો ફરી કદી ઊભાં ન થાય એ માટે ગોરાઓ કડક હાથે કામ લેતા હતા. બળવામાં ભાગ લેનાર દરેકેદરેક માનવીની તેમણે કત્લેઆમ શરુ કરી હતી. થોડીઘણી શંકા જાય તેવા માનવીને પણ તેમણે જીવતો રાખ્યો ન હતો અને તેમના જુલમની તો કોઈ સીમા જ ન હતી.
એ જ દિવસોમાં ફરીથી મંદિરના દ્વારે ટકોરા પડયા.
દ્વાર ઉઘાડી બાલકરામે પોતાની રીતે કહ્યું : 'આવી જાવ ભાઈ, આ તો ભગવાનનું ઘર છે જે હોય તે અંદર આવો.'
પણ બહાર થોડાક ગોરાઓ તથા થોડાક લશ્કરને જોઈ બાલકરામ નવાઈ પામ્યા.
સૌની પાછળ પેલો અહીં રહી ગયેલો ગોરો પણ હતો. બાલકરામે તેને ઉદ્દેશીને કહ્યું : 'પાછી તમારી પર આફત આવી છે કે શું? ચાલ્યા આવો ભાઈ.'
એ ગોરો કહે : 'આફત આવી છે પણ તમારી ઉપર. અમારી સાથે ચૂપચાપ ચાલો, નહીં તો....'
બાલકરામ સામે બંદૂકો તકાઈ ગઈ.
બાલકરામ કહે: 'આવું છું. ચાલો, ક્યાં લઈ જાવો છે મને?'
લશ્કરના માનવીઓ તેને ઘસડી ઘસડીને લઈ જવા લાગ્યા.
બાલકરામે પેલા ગોરા અધિકારીને પૂછ્યું: 'આ બધું શું છે? હું તમારી સાથે આવું છું. પછી આવો વર્તાવ શા માટે કરો છો?'
પેલો ગોરો માનવી તો ચૂપ જ હતો પણ બીજા ગોરા કપ્તાનો ગર્જીને કહેતા હતા: 'ચૂપચાપ ચાલો છો બાવાજી કે પછી બંદૂકના કુંદાનો ઉપયોગ કરીએ?'
'શિવ શિવ શિવ...' બાલકરામ બોલી ઉઠયા.
તેઓ કહે,'ભારતના લોકો અને ગોરા લોકોમાં આટલો જ ફરક છે. પૂર્વના લોકો આવકારે છે. જ્યારે પશ્ચિમના લોકો હડસેલે છે.'
તે જ ઘડીએ બાલકરામને હડસેલવામાં આવ્યા અને એ રીતે તેમને ધક્કા મારીને તેમને બીબીઘરના મુકામ સુધી લઈ જવામાં આવ્યા.
બીબીઘરના આ જ નિવાસસ્થાનમાં તેમણે નાનામોટા અસંખ્ય ભારતીય લોકોને મારી નાખ્યા હતા. તેમને મરવાથી બધી જ જમીન લોહીલુહાણ બની ગઈ હતી.
જે ગોરાને સ્ત્રી સહિત બાલકરામે આશરો આપ્યોહતો એ જ ગોરો અહીંનો મુખ્ય અધિકારી હતો. તેનું નામ કર્નલ નીલ.
પોતાને થોડો વખત અજ્ઞાાતવાસ રહેવું પડયું તેથી તે ભારે છંછેડાઈ ગયો હતો. તે ગમે તેવા અયોગ્ય અને નીચ હુકમો આપતો હતો.
ત્યાં રહેલા ભારતીય લોકોને તેને હુકમ કર્યો: 'જમીન પર જે રક્તના રેલા પથરાયેલા છે તેની જીભથી ચાટીને સાફ કરો, એ રીતે તમે સાફસૂફી કરશો, પછી જ તમને જીવવાનો અધિકાર મળશે.'
અંતમાં જ્યારે કોઈ ઘૂંટણીયે પડ્વા કે ઝૂકવા તૈયાર થયું નહીં. ત્યારે તેમના પર અકલ્પનીય અત્યાચાર કરવામાં આવ્યા. આ ત્રાસની વચમાં ગોરો નીલ બાલકરામ પાસે આવ્યો. તે બાલકરામને કહેવા લાગ્યો: 'બાવાજી, તમારી અમારી ઉપર બધા ઉપકાર છે. તમે મારા પ્રાણ બચાવ્યા છે તો હું પણ તમારા પ્રાણ બચાવવા તૈયાર છું. શરત એટલી જ કે જમીન ઉપર ઝૂકીને થોડુંક રક્ત ચાટી જાવ. એ રીતની સાફસુફી પછી જ તમને તમારા જીવવાની મુક્તિ આપવામાં આવશે.'
બાલકરામ સમસમી ગયા, પણ તેઓ ભક્ત માનવી હતા અને ભક્તને ક્રોધ કરવો કેવી રીતે પોસાય! તેઓ માત્ર ખુમારી સાથે ઊભા રહ્યા.
કર્નલ નીલે આવી ગર્જના કરીને કહ્યું: 'શું જીવતા રહેવાનો ઇરાદો નથી?'
વધુ મક્કમ સ્વરોમાં બાલકરામે સ્થિર શબ્દોમાં ચોખ્ખી વાણી સંભળાવી: 'દોસ્ત નીલ, જે હાથ ભીખ આપે છે એ હાથ કદી ભીખ માગતા નથી. તમારામાં અને અમારામાં આટલો જ ફરક છે.'
કર્નલ નીલ આ શબ્દો સાંભળીને એવો તો ધૂંવાફૂવા થઈ ગયો કે તેે પોતાની પિસ્તોલ તાકીને કહ્યું: 'ભારતીય બાવાઓ, તમે તો આ જ લાગના છો.'
એમ કહી તેણે પિસ્તોલમાંથી જેટલી છોડી શકાય તેવી ગોળીઓ છોડી અને ત્યાં જ 'જય શિવશંકર' કહેતાં જ બાલકરામજી જમીન પર ઢળી પડયા.
મક્કમતા, ખુમારી અને ભારતીય ખાનદાની સહિત દેશની આઝાદીમાં આમ સાધુ સંતોએ પણ પોતાનો ફાળો નોંધાવેલો છે.
...અને એ બલિદાનો નકામા નથી ગયા. દેશની મુક્તિ મેળવવામાં અને આઝાદ દેશની નવી ઇમારત ચણવામાં એ બલિદાનો પણ ઈંટનું કામ આપેલું જ છે.


