તમે તમારા વડીલોને મોઢે ક્યારેક ચોપાઈ, દુહા જેવી કાવ્યરચનાઓ સાંભળતાં હશો.
તમે માનતા હશો કે કવિઓ તો એકીબેઠકે લખી નાખતાં હશે ! પણ ના, કેટલાંક કાવ્યોની પોતાની પણ કથા હોય છે.
રહીમ નામના એક ખૂબ જ જાણીતા કવિ થઈ ગયા. એમની ચોપાઈઓ તો આજે પણ જાણીતી છે. લોકો પ્રભાતિયાંની જેમ એનું રટણ કરે છે.
એ રહીમે એકવાર એક ચોપાઈની લીટી લખી. એ લીટી હતી :
બડે પેટ કૈ ભરનમેં હૈ' રહીમ દુઃખ તાઢિ
એટલે કે : હે રહીમ ! મોટું પેટ રહ્યું એટલે એને ભરવા માટે એટલી લાચારી અનુભવવી પડે છે કે વાત ન પૂછો.
વધારે ખાવા જોઈએ તેની કેવી દશા થાય છે તે ઉપર રહીમ ચોપાઈ લખતા હતા.
પણ પોતાના વિચાર પ્રમાણે તેમને એ ચોપાઈની બીજી લીટી જડતી ન હતી. તેઓ લખે, ભૂંસે, ફરી લખે, ફરી ભૂંસે, પણ મનને સંતોષ થાય અને ચોટ આવે એવી ચોપાઈ બને જ નહિ.
એ રીતે ઉપરની લીટી અધૂરી જ રહી. સમય ગયો. ત્યારે એકવાર હાથીખાન નામનો માણસ રહીમ પાસે આવ્યો. કોઈક અમલદાર પાસે કોઈક વાત કરાવવાનું હતું, એ માટે તે રહીમને વિનંતી કરવા લાગ્યો.
દાંત કાઢી કાઢીને એ શ્રીમાન હાથીખાન હાથ જોડીજોડીને કહે : 'હે રહીમજી, તમે ધારો તો શું નથી કરી શકતા ? તમારું વચન કોણ ટાળી શકે તેમ છે ? તમારો બડો પ્રભાવ છે. હું ઘણાં બધાં બાળબચ્ચાંવાળો માણસ છું. આપની કૃપા થાય તો સુખી થઈ જાઉં.'
રહીમે આવડા મોટા પહાડ જેવા હાથીખાનની આ દશા જોઈ, તેની લાચાલી જોઈ, તેના બે દાંત બહાર આવવાની ખાસિયત જોઈ અને તરત તેમને પોતાની અધૂરી ચોપાઈ યાદ આવી.
અગાઉ તેમણે લખેલું જ હતું :
બડે પેટ કૈ ભરનમેં હૈ રહીમ દુઃખ તાઢિ
તરત જ એની નીચે લખી નાખ્યું :
યાતે હાથી હદરી કે દ્વૈ દાંત વ્હૈ કાઢિ
અને તેમની કવિતા બરાબર પૂર્ણ થઈ ગઈ. તેનો અર્થ આ પ્રમાણે છે :
પેટ મોટું હોય તો તેની કેટલી લાચારી કરવી પડે છે ! હાથીનું પેટ મોટું છે એટલે જ લાચારીવશ તેને બિચારાને બે દાંત બહાર કાઢવા પડ્યા છે ને!
પેલા હાથીખાનના પ્રસંગ પછી એ ચોપાઈ એટલી સચોટ બની ગઈ છે એ તમે જોઈ શકો છો.


