- ડૉ. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
શાળામાં ઉનાળાનું વેકેશન પડતાં જ રવિ અને તેના મિત્રો ખૂબ ખુશ હતા. બધાએ એક-એક દિવસ એકબીજાના ઘરે રમવા જવાનું નક્કી કર્યું. આ વખતે ઉનાળાની તીવ્ર ગરમીમાં ગામના રસ્તા સુમસામ થઈ ગયા હતા. સૂર્યના આકરાં કિરણો બધાને ઘરમાં જ પૂરી રાખતાં હતા.
એક દિવસ રવિના ઘરે બધા મિત્રો ભેગા થયા અને વીડિયો ગેમ રમવાનું શરૂ કર્યું. આ જોઈ રવિની મમ્મી તેમની પાસે આવી અને કહ્યું, 'જુઓ બાળકો, વીડિયો ગેમ રમવાથી તમારી આંખો ખરાબ થઈ શકે. એના કરતાં કંઈક એવી રમત રમો કે જેમાં મજા પણ આવે અને આંખોને નુકસાન પણ ન થાય.'
'એવી કઈ રમત?' રવિએ પૂછયું. મમ્મીએ કહ્યું, 'આજે હું તમને 'મદદ કરવાની રમત' શીખવીશ. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુ-પંખીઓની શું દશા થતી હશે! રસ્તા પરનાં વૃક્ષો પણ મૂરઝાઈ ગયાં છે.'
રવિ અને તેના મિત્રોને વાત ગળે ઉતરી ગઈ. તેઓ મમ્મીના માર્ગદર્શન હેઠળ કામે લાગી ગયા.
સાંજે બધા પાણી લઈને નીકળી પડયા. તેમણે એક યોજના બનાવી - ગામના અલગ-અલગ ખૂણામાં પાણીના માટલાં મૂકવા અને રોજ તેને ભરવા. દરરોજ સવારે તેઓ પાણી ભરતા અને પક્ષીઓ માટે દાણા પણ મૂકતા. ગામના લોકો આ જોઈને ખુશ થયા અને ઘણા લોકો આ કાર્યમાં જોડાયા.
એક દિવસ ગામના સરપંચે બાળકોને બોલાવ્યા અને કહ્યું, 'તમે બધા ગામ માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યા છો. ઉનાળામાં પ્રાણીઓની મદદ કરીને તમે સાચી માનવતા બતાવી છે અને વૃક્ષોને પાણી પીવડાવી ગામને હરિયાળું કરી દીધું છે.'
બાળકોને ખૂબ આનંદ થયો. બધાને સમજાયું કે મદદ કરવી એ માત્ર એક કાર્ય નથી, પણ દિલની લાગણી છે. રવિની મમ્મીએ બાળકોની આ મહેનત જોઈ તેમને પ્રેમથી આઈસ્ક્રીમ ખવડાવ્યો.


