Get The App

ઉજવી દિવાળી મસ્ત .

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ઉજવી દિવાળી મસ્ત                                         . 1 - image

- 'એ લોકો જાતે તોરણો બનાવી વેચે છે. તમે ત્યાંથી આ બધું લેશો તો એમને બે પૈસા મળશે, આપણી ને એમની બેયની દિવાળી સરસ જાશે, એ બધા રાજી

ને આપણેય રાજી.'

દુર્ગેશ ઓઝા

અંતરા બોલી, 'દધીચિ, આ શું? મમ્મી પેલા ગરીબ રઘુના ઘરે એમને નવાં કપડાં દેવા, મદદ કરવા ગઈ છે ને તું હજુ તૈયાર નથી થયો! જલદી કર. હમણાં પાંચ-દસ મિનિટમાં દિવાળી આવી જશે.'

'અરે અંતરા, ખા તું સંતરા. દિવાળીને તો હજી થોડી વાર છે. એ કાંઈ તું કહે એમ ફટ દઈને આવી ન જાય, શું સમજી?'દધીચિ હસીને બોલ્યો. 

'અરે ભઈલા, હું એ દિવાળી નામના તહેવારની વાત નથી કરતી. મારી એક બહેનપણીનું નામ દિવાળી છે, એની વાત કરું છું.'

દધીચિ કહે, 'મને બધું યાદ છે ને બધી ખબર છે. હું તો મજાક કરતો હતો. તારી બહેનપણી દિવાળી સાથે દિવાળીના તહેવાર માટે દીવડા વગેરે લેવા જવાનું છે, સાચું ને?'

બહેને ભાઈના ગાલ પર હળવી ટપલી મારી. બેય ભાઈબહેન ને એમના પપ્પા પ્રણયભાઈ હસી પડયાં. ત્યાં તો ઘંટડી વાગી. 'ટીંગ ટોંગ ટીંગ ટોંગ.' અંતરાએ બારણું ખોલ્યું તો એકને બદલે બે બહેનપણી! એક દિવાળી ને બીજી આત્મજા. એ બેય ઘરમાં બેઠાં. બધાંએ ભેગાં બેસી નાસ્તો કર્યો. અંતરાએ  કહ્યું, 'દિવાળી, ચાલો આપણે હવે તું કહેતી હતી એ મૉલમાં દીવડા વગેરે લેવા જઈએ.'

પ્રણયભાઈ કહે, 'અંતરા, મોટી મોટી દુકાનોમાં તો ઘણા જાય. હું કહો ત્યાં તમે જશો? અહીંથી થોડે જ દૂર પેલું નીલકંઠ મહાદેવનું મંદિર તો તમે જોયું છે ને? એની બાજુમાં 'પારસ' નામનું મકાન છે. ત્યાં થોડાં છોકરા-છોકરીઓ છે. એમાંના અમુક બોલી કે સાંભળી નથી શકતાં ને અમુક જોઈ નથી શકતાં, પણ દીવડા એવા તો સરસ બનાવે છે કે ન પૂછો વાત! ત્યાંથી થોડા આગળ જશો તો નીચે પાથરણું પાથરીને કેટલાક માણસો બેઠા હશે. એમની પાસે ઝાઝા પૈસા ન હોય. એ લોકો જાતે તોરણો બનાવી વેચે છે. તમે ત્યાંથી આ બધું લેશો તો એમને બે પૈસા મળશે, આપણી ને એમની બેયની દિવાળી સરસ જાશે, એ બધા રાજી ને આપણેય રાજી.'

આત્મજા કહે, 'અંકલ, આ તો તમે બહુ સરસ મજાની વાત કરી હો! મારાં મમ્મી-પપ્પા પણ આમ જ કહે છે ને કરે છે. કોઈને મદદ કરી, ખુશ કરી ખુશ થવાની કેવી મજા ભાઈ, કેવી મજા!'  

દધીચિ બોલ્યો,  'તો હવે પાકું. એમની પાસેથી લઈશું તોરણ, હું જેમાં ભણું એ છે પાંચમું ધોરણ.'

ત્યાં તો અંતરા-દધીચિનાં મમ્મી ધારાબેન ઘરમાં આવી પહોંચ્યાં. હમણાં જે વાત થઈ એ બધી દધીચિએ મમ્મીને કહી સંભળાવી ને મમ્મી પણ ખુશ.  અંતરા કહે, 'દિવાળી, આત્મજા, આ તો મજાની વાત. તમને ખબર છે અમે દર વખતની જેમ આ વખતેય મોટા સ્ટોલમાંથી નહીં, પણ રેંકડીમાં ફટાકડા વેચતા મગનભાઈ પાસેથી ફટાકડા લીધા. એ તો રાજીના રેડ!'

પ્રણયભાઈ બોલ્યા, 'ને જુઓ, આપણે ફટાકડા આપણી શેરીમાં સલામત જગ્યાએ ચારેબાજુ જોઈને ફોડીશું, રસ્તા ઉપર નહીં, રસ્તા પરથી કે કોઈ શેરીમાંથી નીકળતું હોય ત્યારે નહીં.'

ધારાબેન બોલ્યાં, 'તમારી વાત બરાબર છે. જો રસ્તા પર ફટાકડા ફોડીએ તો એનાથી પડે કોઈના કાનમાં ધાક, ઘાયલ થાય કોઈના હાથપગ, કે કોઈનું નાક, તો એ તો આપણો વાંક.'

દધીચિ કહે, 'મમ્મી-પપ્પા, તમારી બેયની વાત સાચી છે. ગઈ દિવાળીએ આપણે આપણી બાજુમાં રહેતા પેલા બબલુને ના પાડી હતી ને કે તું રસ્તા પર ફટાકડા ન ફોડતો. કોઈ ત્યાંથી નીકળે તો એ દાઝી જાય. પણ એ માનતો નહોતો. એ બજારમાં ગયો ત્યારે કોઈએ રસ્તા પર ફટાકડો ફોડયો ને એ 'સરરર' કરતો એના કાન આગળથી પસાર થઈ ગયો. એ માંડ બચ્યો. પછી એ સમજી ગયો. હવે એ રસ્તામાં ફટાકડા નથી ફોડતો ને બીજાનેય આ વાત સમજાવે છે.'

દિવાળી બોલી, 'દધીચિ, વાહ! બબલુ ગયો માની, વાત એ મજાની.'

આત્મજા કહે, 'ચાલો હવે પેલા લોકો પાસે. ત્યાંથી દીવડા લઈશું, રંગ લઈશું, તોરણ લઈશું. ઘરે રંગોળી દોરીશું, મીઠાઈ ખાઈશું ને બીજાને પણ ખવડાવીશું.'

'હા આત્મજા. ને આપણે આમ કરશું તો શું થશે ખબર છે?' એમ કહી અંતરા ગાવા લાગી - 

'તો દીવા પ્રગટશે ઝગમગ ઝગમગ, 

કોઈ નહીં થાય ડગમગ ડગમગ.'

બધાં ખુશ થઈ બોલવા ને નાચવા લાગ્યાં- 

'આમછૂમ તામછૂમ, આમછૂમ તામછૂમ, ધડાક ધૂમ ધૂમ. તડાક તુમ તુમ.'