મજેદાર વેકેશન .
- ડો. ફાલ્ગુની રાઠોડ 'ફાગ'
સમર્થની રજા પડી એટલે એ તો ભાઈ મંડી પડયા ટીવી ને મોબાઈલ જોવા! આખો દિવસ એનું એ જ કામ. આ જોઈને એની મમ્મી અલ્પાબેનને ચિંતા થવા લાગી. સમર્થ તો એની વાત જ ન માને. સમજાવે તો પણ ન સમજે. બહાર રમવા જવાનું કહે તો પણ ના-ના ને ના જ કહે!
એક દિવસ અલ્પાબેનની મમ્મી એટલે કે સમર્થનાં નાનીનો ફોન આવ્યો. અલ્પાબેને એમને વાત કરી. નાનીએ કહ્યું, 'જે કામ બળથી ન થાય તે કળથી કરવું પડશે.તું એને અહીં લઈને આવી જા.'
અલ્પાબેન સહમત થયાં. તેમણે સમર્થને નાના-નાનીના ઘરે જવાની વાત કરી.
'મારે નથી આવવું. હમણા શું કામ જવું છે ? ત્યાં ગામડામાં મને મજા નથી આવતી.'
'નાનીની તબિયત ખરાબ છે એટલે ખબર લેવા જવાનું છે,' કહી અલ્પાબેન દીકરા સાથે પોતાના પિયર આવ્યાં.
સમર્થ ત્યાં જઈને મમ્મીનો ફોન લઈ ગેમ રમવા લાગ્યો. બીજે દિવસે અલ્પાબેન તો પોતાનો ફોન લઈ જતાં રહ્યાં. સમર્થે નાની પાસે ફોન માંગ્યો
નાની કહે, 'લે! મારા ઘરમાં તો મોબાઈલ ફોન જ નથી. ચાલ, તને હું આજે ખેતરની મુલાકાત કરાવું.'
થોડા ઘમપછાડા કર્યા પછી એ નાની સાથે જવા તૈયાર થયો. ખેતરમાં આંબાનાં ઝાડ હતાં. નાનીએ એને ઝાડ પર ચડવા કહ્યું, એની પાસે કેરીઓ તોડાવી. જુદી જુદી વનસ્પતિ અને છોડની ઓળખ કરાવી. સમર્થને મજા આવી. બીજે દિવસે એણે ટીવી જોવાની જિદ કરી પણ ટીવી હતું જ નહીં! એટલે નાનીએ એને સરસ વાર્તા કહી, પણ વાર્તા અધૂરી છોડી. વાર્તાને અંતે કોયડો આવતો હતો. નાનીએ કહ્યું, 'આનો જવાબ વિચારી રાખજે, ને કાલે મને કહેજે.' સમર્થે ખૂબ વિચાર કર્યો અને વાર્તાની પઝલ સોલ્વ કરી નાખી. એને ખૂબ આનંદ થયો.
એક દિવસ નાની સમર્થને બજાર લઈ ગયાં. ત્યાં એને શાકભાજી લેતાં , વજન કરતાં અને ભાવ કરતાં શીખવ્યું. એક વાર સમર્થને ગામમાં આવેલી યોગશાળામાં લઈ ગયાં. ત્યાં સમર્થ યોગાસનો કરતો થયો. એ ઘરનાં કામમાં નાનીને કામોમાં મદદ કરવા લાગ્યો. ગામના છોકરાઓ સાથે એ મોજથી ક્રિકેટ, પકડાપકડી, સાત ઠીકરી રમત રમતો. હવે એને મોબાઈલ કે ટીવીની યાદ પણ આવતી નહોતી.
થોડા દિવસો પછી અલ્પાબેન સમર્થને લેવા આવ્યા. સમર્થે જીદ કરી, 'મારે નથી આવવું. મને તો અહીં જ વધારે ગમે છે. આ જો, મેં અહીં ચકલીનો માળો બનાવ્યો છે...'
આ ચમત્કાર જોઈ અલ્પાબેન તો નવાઈ પામી ગયાં. નાનીએ એને કહ્યું, 'સમર્થ નાનો છે એટલે એના પર ગુસ્સો કરવાથી ઉલટાનો વધારે જિદ્દી બની જાય. એના પર બળનો પ્રયોગ તો જરાય નહીં કરવાનો. એને બીજી પ્રવૃત્તિમાં વાળી દેવો . બાળકને વેકેશનમાં અવનવું જાણવા અને શીખવા મળે તે ખૂબ જરૂરી છે.'
'તારી વાત સાચી છે. હવેથી દર વેકેશનમાં એને જુદીજુદી એક્ટિવિટી કરાવીશ. એને નવા અનુભવો મળે એનો ખ્યાલ રાખીશ...'
વળતી વખતે સમર્થ મમ્મીને કહી રહ્યો હતો, 'મમ્મી! મારું આ વખતનું વેકેશન તો ખૂબ જ મજેદાર રહ્યું!'
અલ્પાબેન ખુશ થયાં. માત્ર સમર્થને જ નહીં, એને પણ નવું શીખવા મળ્યું હતું.