હાથીભાઈની બર્થ-ડે પાર્ટી .
- સરસ મજાની રસમલાઈ જોઈને સસલાભાઈથી તો ન રહેવાયું. તેમણે આજુબાજુ નજર કરી કોઈ જોતું તો નથી ને! એમ ખાતરી કરીને થોડી રસમલાઈ ચાખી લીધી
- મેહુલ સુતરિયા
એક ખૂબ મોટા જંગલમાં એક હાથીભાઈ રહેતા હતા. હાથીભાઈ તો ખાવાના બહુ શોખીન. આખો દિવસ કંઈક ને કંઈક ખાધાં જ કરે.
એકવાર હાથીભાઈને વિચાર આવ્યો કે મારો જન્મદિવસ નજીક આવે છે તો હું જંગલના બધાં પશુ-પંખીઓ માટે પાર્ટી રાખું. હાથીભાઈ તો બેસી ગયા મેન્યુ બનાવવા. દરેક પશુ-પંખીને યાદ કરતાં જાય અને તેમને શું ભાવે છે, એ લખતાં જાય. આમ હાથીભાઈએ તો મેન્યુ તૈયાર કરી નાખ્યું.
હાથીભાઈએ જંગલમાં જાહેરાત કરી કે આવતીકાલે રાત્રે બધાં પશુ-પંખીઓને મારા ઘરે જમવાનું આમંત્રણ છે.
બધાં પશુ-પંખીઓએ તો ખુશીથી હાથીભાઈના આમંત્રણને વધાવી લીધું.
બીજી રાત્રે સૌ તૈયાર થઈને હાથીભાઈના ઘરે જમવા માટે પહોંચી ગયા. હાથીભાઈ તો દરવાજા પાસે ઊભા રહીને સૌ પશુ-પંખીઓને આવકારી રહ્યા હતા. બધાં પશુ-પંખીઓ હાથીભાઈએ કરેલી વ્યવસ્થા જોઈને ખુશ થઈ ઉઠયા. જમવાનું આમંત્રણ મળવાથી બધાં પશુ-પંખીઓ સાથે સસલાભાઈ પણ હોંશે-હોંશે જમવા માટે આવ્યા હતા. સસલાભાઈ સ્વભાવે બહુ ચંચળ હતાં. ટેબલ પર ભાતભાતનાં વ્યંજનો જોઈને તેમનાં મોંમાં તો પાણી આવી ગયું. સરસ મજાની રસમલાઈ જોઈને સસલાભાઈથી તો ન રહેવાયું, તેમણે આજુબાજુ નજર કરી કોઈ જોતું તો નથી ને! એમ ખાતરી કરીને થોડી રસમલાઈ ચાખી લીધી. સસલાભાઈ તો દરેક ટેબલ પર જાય અને આજુબાજુ નજર કરીને ત્યાં મૂકેલી વાનગીને થોડી થોડી ચાખતા જાય.
હાથીભાઈ અને બીજાં પશુપંખીઓ સસલાભાઈને ખબર ન પડે તેમ દૂરથી એમને જોઈને હસી રહ્યાં હતાં. તેઓ બધાં ભેગાં થઈને સસલાભાઈ પાસે ગયાં અને ગાવા લાગ્યાં:
'સસલાભાઈના મોંમાં આવે પાણી,
ઝટ લાવો રસમલાઈ...'
સસલાભાઈ તો બધાં પશુ-પંખીઓને જોઈને ચમકી ગયાં. ત્યાં તો બધાં પશુ-પંખીઓ ફરીથી એક સાથે ગાવા લાગ્યાં:
'પકડાઈ ગયાં ભાઈ પકડાઈ ગયાં,
સસલાભાઈ તો પકડાઈ ગયાં,
સસલાભાઈને ચડે રીસ,
તે પહેલાં જલ્દી લાવો તેમની ડિશ!'
બધાં પશુપંખીઓને હસતાં જોઈને સસલાભાઈ પણ હસવા લાગ્યા. પછી તો બધાં પશુ-પંખીઓએ ભેગાં થઈને હાથીભાઈની પાર્ટી ખૂબ એન્જોય કરી.