- મેહુલ સુતરિયા
એક ખૂબ મોટા જંગલમાં હાથીભાઈ રહેતા હતાં. હાથીભાઈનું જંગલમાં બહુ માન. જંગલમાં કોઈપણ તકલીફમાં હોય તો હાથીભાઈ તરત મદદ કરવા પહોંચી જતા.
હાથીભાઈ રોજ સવારે અને સાંજે ફરવા જાય. એકવાર હાથીભાઈએ કેટલાંક પશુ-પંખીઓનાં બચ્ચાંઓને રમતા જોયા.
હાથીભાઈએ બચ્ચાંઓને પાસે બોલાવ્યા અને તેમને પૂછ્યું, 'બચ્ચાંઓ, ભણવા જાઓ છો કે નહિ?'
બચ્ચાંઓ કહે-
'રમવાની તો બહુ મઝા,
શાળા તો જાણે લાગે સજા,
ઝાડ-ડુંગર પર ચડીશું,
શાળાએ તો ન જઈશું...!'
હાથીભાઈ તો આ સાંભળીને નવાઈ પામ્યા. તેમણે બચ્ચાંઓને કહ્યું, 'બચ્ચાંઓ, ભણવા તો જવું પડે! આમ શાળાએ નહિ જાઓ અને રોજ રમ્યા કરશો તો આગળ નહિ વધી શકો...'
પણ બચ્ચાંઓને તો હાથીભાઈની વાતની જાણે કોઈ અસર જ નહિ. તેઓ તો રમતા જાય ને ગાતા જાય-
'રમવાની તો બહુ મઝા,
ભણવાની તો લાગે સજા...!'
હાથીભાઈએ વિચાર્યું કે બચ્ચાંઓને શાળામાં લઈ જવા કંઈક કરવું પડશે! તેમણે મનોમન નક્કી કર્યું કે બચ્ચાંઓ માટે જંગલમાં એવી શાળા બનાવવી કે જેમાં બાળકો રમતાં-રમતાં ભણે.
હાથીભાઈએ તો થોડા સમયમાં જ જંગલમાં એક નવી નિશાળ બનાવી દીધી. શાળાના સુંદર મજાના બગીચામાં હીંચકો, લપસણી જેવાં અનેક સાધનો લગાવી દીધાં.
ખિસકોલીબહેન તો રમતાં-રમતાં એ બાજુ પહોંચ્યાં. તેમણે જોયું કે, આ શું?! જંગલમાં નવી શાળા? બગીચામાં સુંદર હરિયાળી ને વૃક્ષો વચ્ચે રમતનાં ઘણા બધાં સાધનો! એ તો ફટાફટ દોડયાં અને પહોંચ્યાં તેમના મિત્રો પાસે. ખિસકોલીબહેન કહે, 'દોસ્તો, આપણા જંગલમાં હાથીભાઈએ નવી શાળા બનાવી છે, જેમાં હીંચકો, લપસણી અને બહુ બધાં રમવાનાં સાધનો છે. ચાલો, આપણે જઈએ!'
પશુ-પંખીઓનાં બચ્ચાંઓ તો પહોંચી ગયાં શાળામાં!
હાથીભાઈએ તો બધાં બચ્ચાંઓને પ્રેમથી આવકાર્યા. બચ્ચાંઓ તો શાળામાં લપસણી, હીંચકા વગેરે જોઈને ખુશ ખુશ થઈ ગયાં!
બધાં એકસાથે ગાવા લાગ્યાં-
'રમવાની તો આવે મજા,
હીંચકા-લપસણી ખાઈશું,
રોજ નિશાળે જઈશું...!'
આ સાંભળીને હાથીભાઈને હરખનો પાર ન રહ્યો!


