હાથીભાઈ ગોલાવાલા .

- હાથીભાઈ તો ખુશ થતાં બોલ્યા, 'સસલાભાઈ, આવો, આવો! તમે તો મારા પ્રથમ ગ્રાહક છો, તેથી તમને મારા તરફથી કાલાખટ્ટા ગોલો મફત!'
- મેહુલ સુતરિયા
હાથીભાઈ જંગલમાં બસ-સ્ટેન્ડ પાસે આવેલા વડના ઝાડની નજીક એક નાનકડી દુકાન ચલાવતા હતા. જંગલનાં પશુ-પંખીઓ તેમને જોઈતી બધી વસ્તુઓની
ખરીદી હાથીભાઈની દુકાનેથી કરતાં.
ઉનાળો જોરદાર જામ્યો હતો. કાળઝાળ ગરમીથી જંગલનાં તમામ પશુ-પંખીઓ ત્રાસી ગયાં હતાં. હાથીભાઈ સવારે વહેલા દુકાને આવી જાય અને બપોરે
ગરમીના કારણે દુકાન બંધ રાખે. એકવાર હાથીભાઈને વિચાર આવ્યો કે, 'ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, તો બપોરના સમયે હું જંગલનાં પશુ-પંખીઓ માટે
બરફના ગોલાની લારી શરૂ કરું તો?!'
હાથીભાઈ તો બીજા જ દિવસે નજીકના શહેરમાં ગયા અને લારી, ગોલા માટેનું મશીન તથા ગુલાબ, પાઈનેપલ, ચીકુ, કાલાખટ્ટા અને ઓરેન્જ જેવાં શરબત લઈ
આવ્યા. હાથીભાઈએ તો ગામના બસ-સ્ટેન્ડ પાસે આવેલા વડના ઝાડ નીચે બરફના ગોલાની લારી શરૂ કરી દીધી. હાથીભાઈ ગ્રાહકોને આકર્ષવા ગાવા લાગ્યા-
'ચીકુ, ઓરેન્જ, કાલાખટ્ટા,
ગોલો ખાઈ થાઓ ઠંડા!'
હાથીભાઈને ગાતા જોઈને પશુ-પંખીઓ તેમની લારી પર આવવા લાગ્યાં. લારી પર વિવિધ રંગનાં શરબત જોઈને બધાં પશુ-પંખીઓના મોંમાં પાણી આવવા
લાગ્યું. તેમાં એક સસલાભાઈનું મન લલચાયું. સસલાભાઈ બોલ્યા-
'ચીકુ, ઓરેન્જ, કાલાખટ્ટા,
મને ખવડાવો ગોલા ઠંડા!'
હાથીભાઈ તો ખુશ થતાં બોલ્યા, 'સસલાભાઈ, આવો, આવો! તમે તો મારા પ્રથમ ગ્રાહક છો, તેથી તમને મારા તરફથી કાલાખટ્ટા ગોલો મફત!' હાથીભાઈની વાત
સાંભળીને સસલાભાઈ તો બહુ ખુશ થઈ ગયા. તેમણે કાલાખટ્ટાનો ગોલો ખાઈને હાથીભાઈનો આભાર માન્યો.
સસલાભાઈ હાથીભાઈ પર એટલા ખુશ થયા કે તેઓ તો જંગલમાં દોડતા જાય ને ગાતા જાય-
'ચીકુ, ઓરેન્જ, કાલાખટ્ટા,
હાથીભાઈના ગોલા ઠંડા-ઠંડા!'
જંગલનાં અન્ય પશુ-પંખીઓને સસલાભાઈનું ગાન સાંભળીને નવાઈ લાગી. હાથીભાઈએ દુકાનની સાથે-સાથે નવું શું ચાલુ કર્યું છે તે જોવા બધાં સીધાં
બસ-સ્ટેન્ડ પર પહોંચ્યાં! વડના ઝાડ નીચે ગોલાની લારી જોઈને બધાંનાં મોંમાં પાણી આવી ગયું. તેમને જોઈને હાથીભાઈ ફરી ગાવા લાગ્યા-
'ચીકુ, ઓરેન્જ, કાલાખટ્ટા,
ગોલો ખાઈ થાઓ ઠંડા!'
બધાં પશુ-પંખીઓએ તો બબ્બે-ત્રણ ત્રણ ગોલા ખાધા. તેઓ હાથીભાઈના ગોલાના વખાણ કરતાં ગાવા લાગ્યાં-
'હાથીભાઈના ગોલા ચંગા-ચંગા,
ખાઈને થયાં ઠંડા-ઠંડા!'
હાથીભાઈ તો પશુ-પંખીઓને આમ ગાતા અને મોજ કરતાં જોઈને બહુ હરખાયા. ત્યારથી જંગલમાં હાથીભાઈ 'હાથીભાઈ ગોલાવાલા' તરીકે ઓળખાવા લાગ્યા!









