- એટલામાં એક બાળકની પતંગ કપાઈ ગઈ. તે ઉદાસ થયો. પતંગ રાણીએ આ જોઈને કહ્યું, 'બેટા... રમતમાં હાર-જીત ચાલે. ઉદાસ થવું નહીં.'
ડૉ. પારુલ અમિત 'પંખુડી'
ઉતરાયણપુરના ચોરાસી ચૌકમાં મોટું વટવૃક્ષ હતું. એના નીચે બેસેલા હતા ઉંધિયા કાકા.
લીલા વટાણાં, રતાળાં, રીંગણ, સૂરણ, બટાકાં અને મુઠિયાં... સુગંધ અને સ્વાદથી છલોછલ!
તેઓ બોલ્યા,'આજ ઉત્તરાયણછે! બાળકો અને મોટેરાઓને મજા જ મજા!'
એટલામાં ખણખણ અવાજ સાથે આવી તલસાંકળીબેન. તે ચમકતા તલ અને ગોળથી બનેલી, થોડી કડક પણ અંદરથી બહુ પ્રેમાળ.
'ઊંધિયા કાકા, આજે તો મારી ખણખણ વગર ઉત્તરાયણ અધૂરી!' તે હસીને બોલી.
પાછળથી ધબધબ કરતાં ઉછળતા આવ્યાં મમરાના લાડુભાઈ. ગોળમટોળ અને ગોળના બનેલા.
'હું તો બાળકોનો ફેવરિટ છું! જે મને ખાય એ તરત ખુશ થઈ જાય,' આટલું બોલીને લાડુએ એક કૂદકો માર્યો.
વટવૃક્ષની ડાળ પરથી લટકતા હતા શરમાળ બોર. લાલચટ્ટા ગાલ અને ખાટો મીઠો સ્વભાવ.
'હું નાનો છું, પણ મારી મીઠાશ કોઈથી ઓછી નથી,' બોર ધીમેથી બોલ્યો.
આકાશમાં ઊંચે ઊડતી હતી રંગબેરંગી પતંગ રાણી. લાલ, પીળી, વાદળી રંગોથી સજ્જ, પવન સાથે રમતી.
'આજ મારો દિવસ છે! આખું આકાશ મારું છે...' એમ કહીને એ લહેરાઈ.
પણ પતંગ રાણી એકલી નહોતી. તેની સાથે મજબૂત અને સમજદાર દોરીભાઈ હતા.
ગુલાબી દોરી પર હળવો માંજો ચમકતો હતો.
'રાણી, ઊંચે ઉડ, પણ ધ્યાન રાખજે. મારી મદદ વગર તું આકાશમાં ટકી નહીં શકે,' દોરીભાઈ શાંત અવાજે બોલ્યા.
બધાં ભેગાં થયાં ત્યારે ઉંધિયા કાકાએ કહ્યું, 'ચાલો, બાળકો માટે એક ખાસ સ્પર્ધા ગોઠવીએ. જે જીતશે, એને 'ઉતરાયણનો હીરો' બનાવીશું.'
પતંગ રાણી તરત બોલી, 'હું ઊંચે ઊડીશ અને જીતીશ!'
મમરાના લાડુ હસ્યા, 'પણ હું જેને મળું એ હારી જ નહીં શકે, ખુશીથી છલકાઈ જશે!'
તલસાંકળીબેન બોલ્યીં, 'મારી મજબૂતી વગર કોઈ લાંબુ ટકી શકે નહીં.'
બોર ધીમેથી બોલ્યો, 'અને મારી મીઠાશ ભૂલશો નહીં.'
રમત શરૂ થઈ. બાળકો છત પર ચઢ્યાં, પતંગ ઉડાવવા લાગ્યાં. પતંગ રાણી આકાશમાં નાચી, દોરી ભાઈએ સંતુલન રાખ્યું. અચાનક એક તેજ પવન આવ્યો. પતંગ રાણી થોડું ડગમગી.
'દોરીભાઈ!' એ ચીસ પાડી.
'ચિંતા ન કર, હું છુંને!' દોરીભાઈએ મજબૂતીથી કહ્યું.
નીચે બાળકો ઉંધિયું ખાતાં બોલ્યા, 'વાહ! કેટલું સ્વાદિષ્ટ!'
મમરાના લાડુભાઈ બાળકોના હાથમાં કૂદીને ગયા.
તલસાંકળીબેન અને મમરાના લાડુભાઈ બાળકો વચ્ચે વહેંચાઈ ગયાં.
તલસાંકળીબેન ખણખણ કરતી બોલી, 'દાંત મજબૂત રાખજો!'
બોર નાના બાળકોને મળીને બોલ્યો, 'ધીમે ખાજો મજા આવશે.'
એટલામાં એક બાળકની પતંગ કપાઈ ગઈ. તે ઉદાસ થયો. પતંગ રાણીએ આ જોઈને કહ્યું, 'બેટા... રમતમાં હાર-જીત ચાલે. ઉદાસ થવું નહીં.'
દોરીભાઈએ ઉમેર્યું, 'સાથે રહીએ તો ફરી ઉડાડી શકીએ.'
ઉંધિયા કાકાએ બધાને ભેગા કરીને કહ્યું, 'ઉતરાયણનો સાચો અર્થ છે વહેંચણી, મિત્રતા અને આનંદ.'
બોરે હસીને કહ્યું, 'નાનું હોવું ખરાબ નથી.'
પતંગ રાણીએ આકાશમાં એક મોટું ચક્કર લગાવ્યું.
સાંજ પડતી હતી. આકાશ કેસરિયુ થયું . બધાં બાળકો ખુશ હતાં.
અંતે ઉંધિયાકાકાએ જાહેરાત કરી, 'આજ કોઈ એક હીરો નથી. આજે બધા જ ઉત્તરાયણના હીરો છે!'
બધાં પાત્રોએ સાથે મળીને કહ્યું, 'હેપી ઉત્તરાયણ!'


