Get The App

આનંદી ચકલી .

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
આનંદી ચકલી                                        . 1 - image


- કાગડો તો એટલો આનંદી હતો કે તેને કાદવમાં કે કાંટામાં પણ દુઃખ ન થયું, તેલમાં ડુબાડયો તો પણ તે આનંદમાં જ રહ્યો

- માધવી આશરા 

એક હતી ચકલી. તેનું નામ આનંદી. એટલે સૌ કોઈ તેને આનંદી ચકલી કહે. હા, પણ એક વાત સાચી કે તેનું જેવું નામ તેવા જ તેના ગુણ હોં! સદા આનંદમાં રહેતી આનંદી ચકલી જ્યાં જાય ત્યાં સૌને આનંદથી ભરી દે. 

આનંદીને ફરવું બહુ ગમે. એ તો ગામડામાં પણ ફરે અને શહેરમાં પણ ફરે. જંગલમાં પણ ફરે અને નદી કિનારે પણ ફરે. નદી, તળાવ, ઝરણાં તેને બહુ ગમે. તેને માળા બનાવવાનો પણ ભારે શોખ. એટલે જ્યાં જાય ત્યાં એક માળો તો બનાવે જ. જમીન પરથી કૂણા-કૂણા ઘાસના તણખલાઓ વીણી લાવે ને સરસ મજાનો માળો બનાવે. પોતાનાં બચ્ચાંની સારસંભાળ રાખે. 

હવે એક દિવસની વાત છે. આનંદી ચકલી ફરતી ફરતી શહેરની એક ગલીમાં પહોંચી ગઈ. ગલીમાં તો ખૂબ મોટાં મોટાં મકાનો બનેલાં હતાં. એ તો મકાનો સામે ઊંચું જોઈ જોઈને ચક્કર ખાઈ ગઈ. અને કહે, 'અરે બાપ રે આટલા મોટા મકાનો!'

આનંદીની નજર ચારે તરફ ફરવા લાગી. આમ ફરે તો એક મકાન સાથે અથડાઈ ને બીજી બાજુ ફરે તો બીજા મકાન સાથે અથડાઈ. અચાનક તેની નજર બગીચામાં એક બાંકડે બેઠેલા એક બાળક પર પડી. તે ગુમસૂમ બેઠો હતો. બિચારી આનંદીને તો કોઈ બાળક આમ ગુમસૂમ બેઠું હોય તો ખૂબ દુઃખ થાય. એટલે એ તોઝડપથી તેની પાસે પહોંચી ગઈ અને કહેઃ

'ઓ બાળરાજા, તું કેમ આમ ગુમસૂમ છે?'

બાળકનું નામ ચિન્ટુ હતું.  

એ થોડો ચિડાઈને કહે, 'મારું નામ ચિન્ટુ છે, બાળરાજા નહીં.'

આનંદી કહે, 'ઠીક છે, ચિન્ટુ. પણ તું એ કહે તું કેમ આમ એકલો બેઠો છે?'

ચિન્ટુ કહે, 'મારે કોઈ સાથે વાત નથી કરવી.' 

આનંદીને તો ભારે આશ્ચર્ય થયું. છતાં હસતાં હસતાં કહ્યું, 'પણ તું પહેલા મારી સામે જો તો ખરા.'

ચિન્ટુએ આનંદી સામે જોયું અને તેને તો ભારે અચરજ થયું. તેની આંખો પહોળી થઈ ગઈ. અને કહે, 'અરે તું તો ચકીરાણી છે.'

આનંદી કહે, 'હા, હું ચકીરાણી છું. અને મારું નામ આનંદી છે.'

ચિન્ટુ કહે, 'એટલે કે તું આનંદી ચકલી છે.'

આનંદી કહે, 'હા, મારું નામ આનંદી ચકલી છે.'

ચિન્ટુ કહે, 'પણ મને તું એ કહે કે આનંદી કેવી રીતે થવાય?'

આનંદીએ તરત જ કહ્યું, 'તેં પેલા આનંદી કાગડાની વાર્તા સાંભળી છે?'

ચિન્ટુ કહે, 'ના રે, હું તો આખો દિવસ મોબાઈલ જોયા કરું છે. એટલે જ આજે મને મમ્મી ખૂબ ખીજાઈ. એટલે હું અહીં એકલો આવીને બેસી ગયો. મમ્મીએ કહ્યું કે મોબાઈલ જોયા વગર પણ આનંદમાં રહી શકાય.'

આનંદી કહે, 'સારું, તો એમ વાત છે. ચાલ હું તને વાર્તા કહું.'

...અને આનંદી ચકલીએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. 

એક હતો આનંદી કાગડો. તે હંમેશા આનંદમાં જ રહેતો. તેને રાજાએ ઘણી સજાઓ આપી. જેમ કે કૂવામાં નાખ્યો, કાંટામાં નાખ્યો, કાદવમાં નાખ્યો, તેલમાં નાખ્યો, ઘીમાં નાખ્યો, ગોળની કોઠીમાં નાખ્યો, અને અંતે મકાન પર નાખ્યો. આ કાગડો તો એટલો આનંદી હતો કે તેને કાદવમાં કે કાંટામાં પણ દુઃખ ન થયું, તેલમાં ડુબાડયો તો પણ તે આનંદમાં જ રહ્યો. એથી રાજાએ અંતે હાર માની લીધી કે આ આનંદી કાગડાને કોઈ દુઃખી કરી શકે તેમ નથી.

ચિન્ટુ કહે, 'અરે, આ તો ખૂબ જ સુંદર વાર્તા છે! હવે આનંદી ચકલી, તને એક વાત પૂછું?'

આનંદી કહે, 'હા, પૂછી લે.'

ચિન્ટુ કહે, 'તું મારી મિત્ર બનીશ?'

આનંદી કહે, 'હા ચોક્કસ બનીશ. પણ એક શરત છે.'

ચિન્ટુ કહે, 'કેવી શરત?'

આનંદી કહે, 'તું તારા બીજા મિત્રોને પણ અહીં દરરોજ બોલાવજે, એટલે તેઓ પણ મોબાઈલથી થોડા દૂર જશે.'

ચિન્ટુ કહે, 'હા, પાક્કું.' 

એમ કહી પછી તો ચિન્ટુએ ફટાફટ પોતાના મિત્રોને બૂમ પાડી, 'બંટી, પીંકુ, પપ્પુ, છોટી, પીયુ, જિયુ... ઝડપથી અહીં આવો.'

ત્યાં તો ચિન્ટુના બધાં મિત્રો ઝડપથી આવી ગયાં. ચિન્ટુએ આનંદી ચકલીની વાત કરી. પછી તો આનંદી ચકલીની ચારેબાજુ બાળકો ગોઠવાઈ ગયાં. ને આનંદીએ ખૂબ જ આનંદ સાથે વાર્તાઓ કહેવા માંડી.

બાળમિત્રો, આજે પણ પેલી આનંદી ચકલી બાળકોને આનંદ કરાવે છે અને ગાતી જાય છેઃ

'અમે આનંદ વહેંચતા શીખીએ છીએ,

અમે આનંદ વહેંચતા શીખીએ છીએ.' 

તમે પણ મોબોઇલથી શક્ય એટલા દૂર રહેજો અને સદાય આનંદમાં રહજો. 

રહેશોને?

Tags :