Get The App

સુખી સુખી સિંહ રાજા .

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
સુખી સુખી સિંહ રાજા                                   . 1 - image


- આપણા ઘર જેવું સુખ બીજે ક્યાંય નથી પિંજરમાં પ્રવેશી સિંહ રાજાએ જાતે જ દરવાજો બંધ કરી દીધો

આવા સુખી સુખી સિંહ રાજા બીજા જોયા નથી

મહિલાઓ તો એવી ભાગી કે જાણે ભૂત જોયું 

હરીશ નાયક

સિંહરાજા એટલા સુખી હતા કે એવું સુખી બીજું કોઈ હોઈ જ ન શકે. ના તેઓ જંગલમાં  ન હતા. જંગલમાં તો શિકારીઓ બંદૂક લઈને ફરતા જ હોય !

તેઓ શહેરના એક પ્રાણીબાગમાં હતા. તેમનું અલગ પાંજરું, ખડકો, પાણીના ઝરા, આમ તેમ ઊગેલાં ફૂલ, ઉપર નીચે જવા માટે ગુફાઓ હરવા ફરવા માટે પૂરતી જગા. સુખ જ સુખ.

'કેમ છે સુખી સુખી સિંહ રાજા...'ના ટહુકા સાથે રાજો આવી પહોંચતો. રામ રખેવાળનો દીકરો. નિશાળે જતી વખતે 'સુખી સુખી સિંહ રાજાને' સુખી સુખી સલામ ભરીને જ તે શાળાએ જતો. થોડી વાર રહીને શાળાના સાહેબ પસાર થતા : 'મઝામાં ને સુખી સુખી સિંહ રાજા!'

સાંજના એક દાદીમા આવીને બાંકડે બેસતાં, ગૂંથવાનું ઊન અને સોય કાઢતાં. પહેલાં પાંજરા પાસે જઈને ખબર પૂછી આવતાં : 'સુખી સુખી સિંહ રાજા! સુખી સુખી તો છો ને?'

શનિ-રવિનાં સુખ તો વાહ ભૈ વાહ! લોકોની ભારે ગિરદી. નાનાં ભૂલકાંઓ, પરી જેવી બાળાઓ, તોફાની છોકરાંઓ! એવો કલશોર કે સુખી સુખી સિંહ રાજા એકદમ સુખી સુખી થઈ જતા. કોઈ પિપૂડાં વગાડે, કોઈ કઠેડા પર ચઢી જાય. કોઈ વાતો કરે. પાછું બેન્ડનું સંગત તો ખરી જ.

જોનારાં બધાં જ કહે : 'આવા સુખી સુખી સિંહ રાજા બીજા જોયા નથી, બીજા હશે જ નહિ.''

એક દિવસ રખેવાળ પાંજરું બંધ કરવાનું ભૂલી ગયો. ખાવાનું આપવા આવે, સફાઈ કરે, હાથ ફેરવે, વાતો કરે, ગીત ગાતો જાય.

જતો રહ્યો, હા. આજે વળી જતો રહ્યો. બારણું બધં કરવાનું જ ભૂલી ગયો.

સિંહ રાજાને કોઈ અંદર આવે તે ગમે જ નહિ. તેને થયું, 'લાવ ને જરા હું જ લટાર મારી આવું. દુનિયા જોઈ આવું. શું ચાલી રહ્યું છે તે જાણી લાવું.'

સુખી સુખી સિંહ રાજા ફરવા નીકળી પડયા. પાંજરામાંનાં બીજાં પશુ-પંખીઓને તે કહે : 'કેમ છો સુખિયાઓ?'અને સામેથી જવાબ મળે : 'આપના સુખે સુખી છીએ અમે બધાં, સુખી સુખી સિંહ રાજા.'

એક ચકલી આજુબાજુ ઊડીને કહે : 'નમસ્કાર... સુખી સુખી સિંહ રાજા.'

ખિસકોલી બદામ ધરીને કહે : 'ખાશો બદામ સુખી સુખી સિંહ રાજા?' મોરલાએ પીંછાઓનો પંખો બનાવી દીધો. મીઠો ટહુકો લલકારીને કહે : 'ટેંહુક ટેંહુક! સુખી તો આપણે બે જ છીએ, એક હું, એક તમે સુખી સુખી સિંહ રાજા.'

હવે સિંહ રાજા પાકી પગથી પર આવી ગયા. સામેથી સાઈકલ પર સોમાલાલ દફતરી આવતા હતા. સિંહ રાજા કહે : 'કેમ છો સુખી સોમાલાલ?'

સોમાલાલ તો એવા પટકાયા, પછડાયા કે ચશ્માં એક બાજુ, દફતર બીજી બાજુ, સાયકલ ત્રીજી બાજુ. જરા આગળ ગયા તો કેટલીક મહિલાઓ સામે મળી. સિંહ રાજાએ વહાલથી પૂછ્યું : 'કેમ છો સુખી સન્નારીઓ...!'

એ મહિલાઓ તો હુડુડુડુ કરતી એવી ભાગી કે જાણે ભૂત જોયું. ત્યાં એક ફળવાળી બેસતી હતી. સિંહ રાજા તેને કહે : 'સુખીબેન! સુખી તો છો ને?'

તેનું નામ તો ખરેખર સુખીબેન જ હતું, પણ સિંહે જેવી ખબર પૂછી કે સુખીબેન એકદમ સુકાઈ જ ગયાં. સૂકાં પાંદડાંની જેમ ફડફડી ગયાં. ભાગ્યાં. એક છાબડી આમ ગઈ, એક તેમ.એક કોણ જાણે ક્યાં?'

સિંહ રાજાને થયું કે આ બધાંને થયું છે શું? કોઈ દિવસ તેમણે સુખી સિંહ નથી જોયો કે શું? સિંહ રાજા હવે જરા જાહેરામાં આવી ગયા હતા. સામેથી આખું એક બેન્ડવાજું આવતું હતું. ટરમ્, ટરમ્, ઢમઢમઢમ, પં.પં.પૂં. ચેં-ચેં-ચૂં!

સિંહ રાજાને સંગીત ગમતું. તેઓ સામે ગયા અને લશ્કરી બેન્ડવાળા વાંજાઓ ફેંકીને હુડુડુડુ એવા ભાગ્યા કે જાણે આતંકવાદીનો બોંબ ફાટયો. ભાગમભાગ દોડાદોડ ધડધડ ધૂમ, ફાડડડડ ધુમ્મ! સિંહ રાજાનેય હસવું આવી ગયું. સિંહ રાજા શાંતિથી બેઠા. વિચારવા લાગ્યા. પાંજરાની બહાર માણસો આમ જ જીવતા હશે? પ્રાણી બાગમાં તો બધાં કેવાં શાંત હોય છે? શાંત અને સુખી સુખી.

હવે તેઓ બેહોશ ન થાય, ભાગે નહિ, તેવા કોઈક સાથીની શોધ કરવા લાગ્યા.

પણ આજુબાજુથી, ચારે બાજુથી, ઉપર નીચેથી બધાં તેમની તરફ આંગળી કરતાં અને હૂ-હૂ-હૂ-હૂ જ કરતાં.

ટનટન ટનટન ઊંઊંઊંઊંઊંઊં..... તો આ વળી શેનો અવાજ છે? નાહકના કાન ફાડી નાખે છે! ધડધડાટને ગડગડાટ તો જુઓ. કોઈને જાણે શાંતિ ગમતી જ નથી?

અવાજ કર્કશ થતો ગયો. ઘોંઘાટ વધતો ગયો. સિંહ રાજાને થયું કે કદાચ પવનના સુસવાટા હશે ! અથવા વાંદરાઓ બેકાબૂ બન્યા હશે !'

પણ એ તો હતા લાલ લાલ મોટી મોટી ગાડીઓવાળા, માથે લોખંડી ટોપવાળા. લોકો બંબાવાળા કહે છે ને એ જ !

એક બંબો સિંહ રાજાની પાછળ આવીને થોભી ગયો. તેમણે મોટા મોટા પાઈપ કાઢ્યા, ટાંકા સાથે જોડયા અને હળવે રહીને સિંહ રાજા નજીક આવવા લાગ્યા. ધીમે ધીમે.... એકદમ ધીમે ધીમે... હળવે...હળવે... એકદમ હળવે હળવે... નજીક, પાસે, વધુ પાસે.... પાણીના પાઈપ મોટા સાપની જેમ, અજગરની જેમ લંબાતા ગયા, લંબાતા ગયા...

એકદમ જ-

સુખી સુખી સિંહ રાજાની પાછળ....

એક ધીમો મીઠો સ્વર સંભળાયો : 'કેમ છો સુખી સુખી સિંહ રાજા !'

એ તો પેલો રામ હતો, રખેવાળનો દીકરો. તેણે સુખી સુખી સિંહને જોયો કે દોડીને પાસે આવી ગયો.

સુખી સુખી સિંહ રાજા ખરેખર સુખી થયા. કોઈ શાંત સાથી મળ્યો તો ખરો! આ શું વળી ખોટો ખળભળાટ ભળભળાટ અને હુડુડુડુડુ હુઠ!

સિંહ રાજા બીજી બધી વાત ભૂલી ગયા.

બંને જણા સમજતા ન હતા કે આ બધી ધમાલ શાને માટે છે. રામે સિંહ રાજાની કેશવાળીમાં હાથ ફેરવ્યો. તે કહે : 'ચાલો સુખી સુખી સિંહ રાજા, આપણા સુખી સુખી પાંજરામાં'બંને દોસ્ત હળવે હળવે ધીમે ધીમે પાંજરા તરફ જવા લાગ્યા. બંબાવાળાઓને કૌતુક થયું. તેઓ હજીય પાણીના પાઈપ લઈને પાછળ પાછળ આવતા હતા!

સિંહ રાજા પાંજરામાં પ્રવેશી ગયા. રામે દરવાજો બંધ કરી દીધો. કહ્યું : 'સુખી સુખી સિંહ રાજા, આપણા પોતાના ઘર જેવું સુખ બીજે ક્યાંય નહિ. અંગ્રેજીમાં કહે છે ને : ર્લ્લંસ્ઈ જીઉઈઈ્ ર્લ્લંસ્ઈ.'

હવે બધાંને નિરાંત થઈ. ભેગાં થઈને બધાં કહેવા લાગ્યાં : 

'સુખી સુખી સિંહ રાજા

ખુશી ખુશી સિંહ રાજા' 

કડવું કડવું થૂ....!

હતો એ રાજાનો દિકરો પણ ભારે નાલાયક હતો. સાથીઓને મારતો હતો, દરબારીઓને નોકર અને ગુલામ સમજતો હતો, વડિલોનું અપમાન કરતો હતો, ગુરૂજનોને તુચ્છ માનતો હતો. તેની ભાષા તથા રહેણીકરણી ભારે ભરડી ખરડી હતી.

એક દિવસ રાજા તેને જંગલમાં લઈ ગયા. એક નાનો સરખો લીમડાનો છોડ બતાવી કહ્યું : 'એક પાદડું ખા જોઈએ?'

રાજકુમારે ઝટ કરતું એક પાદડું તોડીને મોઢામાં મૂક્યું. ચાવ્યું.

થૂ થૂ થૂ થૂ !

તેણે એ આખુંય ઝાડ ઊખાડીને દૂર ફેંકી દીધું.

'શું થયું?' પિતાએ પૂછ્યું.

રાજકુમાર કહે : 'ભારે કડવું ઝાડ છે.'

રાજા કહે : 'બેટા ! આ તો હજી નાનું છે. અત્યારથી એનામાં આટલી કડવાશ છે તો મોટું થતાં એનું શું થશે? તેમ તુંય વિચાર કર. કડવાશને બધા ઊખાડી ફેંકે છે. તારી દશા જો. અત્યારે છે એવી ને એવી રહી, તો લોકો તને પણ ઊખેડી ફેંકશે....!'

રાજકુમારને જોઈ તો બોધ મળી ગયો. તે દિવસથી જ તેણે મીઠાશનો માર્ગ શરૂ  કર્યો.

કડવા ફળ ને કડવા લોકને કોણ રે રાખશે પાસે

થૂ થૂ કરીને દૂર જ રહેશે, આવશે કદી ન પાસે

મીઠાશ લઈને જીવો બાળકો, મીઠી રાખો વાણી

મળશે મીઠા લોકો તમને, ગાશે મીઠી ગાણી .

Tags :