Get The App

હનુ, ચીનુ, કુચી ને કીચુ .

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
હનુ, ચીનુ, કુચી ને કીચુ                       . 1 - image

- 'હું આ રહી. મારું નામ ચીમુ, પણ નથી ઊડતી હું ધીમું, ફરરર ઊડીને થોડી જ વારમાં ક્યાંયની ક્યાંય પહોંચી જાઉં હો!'

- દુર્ગેશ ઓઝા  

હનુ હાથી સાંજે એક ઘેઘૂર વડલા પાસે બેસીને લહેરથી ગીત ગાઈ રહ્યો હતો- 'ચાંદો, તારા, સૂરજ ચમકે, એ જોઈ આ હનુડો મલકે.' એટલામાં તો ત્યાં કુચી કાબર આવી. એણે પૂછયું, 'અરે હાથીભાઈ, તમે ને ચીમુ ચકલી તો બેય પાકાં દોસ્ત. તમે બેય સાંજે અહીં આ વડદાદા પાસે બેસવા આવો છો, પણ આજે કેમ તમે એકલા આવ્યા? ચીમુ ક્યાં છે? એ માંદીબાંદી છે કે શું?'

હનુ હાથી કોઈને કાનમાં કહેતો હોય એમ સાવ ધીરેથી બોલ્યો ને પછી ગાવા લાગ્યો, 'ચકી બોલે ચીં ચીં ચીં, મને કહે, પાણી પી પી પી... ચકલી ગાતી ચીં ચીં ચીં, હાથી હસતો ખી ખી ખી...' પછી કહે, 'બોલ કુચી કાબર, કેવું લાગ્યું મારું ગીત?'

કાબરે હાથીની આસપાસ બે ચક્કર માર્યા, ધારીધારીને ચારેબાજુ ધ્યાનથી જોયું, પછી માથું ધુણાવ્યું, 'હનુભાઈ, ગીત તો તમે સરસ ગાયું, પણ આ ગીત તમે એકલા ગાતા હો એવું મને નથી લાગતું.  ગીતમાં જે 'ચીં ચીં ચીં...' આવ્યું, એ તમે આવું સરસ ગાઈ જ ન શકો. આનો અર્થ એ કે ચીમુ ચકલી નક્કી ક્યાંક આજુબાજુમાં જ લાગે છે. સાચું કહેજો હોં! આ 'ચીં ચીં ચીં...' ગાવાના ચાળા તમે પાડયા હતા કે ચીમુ ચકલી જ 'ચીં ચીં ચીં...' બોલી?'

હાથીભાઈ કહે, 'અરે કુચી, તારી વાત છે સાચી. તારું નામ કુચી. તારા નામનું ઊંધું કરીએ તો થાય ચીકુ. એ બહુ મીઠું ફળ છે હો! કુચી ચીકુ, ચીકુ કુચી. હા, તો સાંભળ હવે. તેં પૂછયું હતું ને કે 'ચીમુ ચકલી ક્યાં?' એ પછી મેં ચીમુને ધીરેથી કીધું હતું કે 'હું ગીત ગાઉં ત્યારે 'ચીં ચીં ચીં...' તું બોલજે, એટલે કાબરને ખબર પડી જાય કે આપણે બેય સાથે જ આવ્યા છીએ.' પછી મેં આ ગીત ગાયું, શું સમજી કાબર? મેં એને મારા કાનમાં બેસાડી હતી, મારા કાન સૂપડા જેવા મોટા, પછી તને ચીમુ ચકલી ક્યાંથી દેખાય!' 

'અચ્છા! એટલે તમે ચીમુને તમારા કાનમાં બેસાડી ને એના કાનમાં કહ્યું કે તું 'ચીં ચીં ચી...' બોલજે, સાચું ને હાથીભાઈ?' કાબર આમ બોલી ત્યાં તો ચકલી હાથીના કાનમાંથી નીકળીને ઊડી ફરરર ફરરર.. પછી એ હનુની બાજુમાં બેસી ગઈ ને બોલી, 'હું આ રહી. મારું નામ ચીમુ, પણ નથી ઊડતી હું ધીમું, ફરરર ઊડીને થોડી જ વારમાં ક્યાંયની ક્યાંય પહોંચી જાઉં હો!'

ત્યાં તો અચાનક કીચુ કીડી બોલી, 'હાથીભાઈ, બીજાને દેખાય કે નહીં, પણ મેં તો જોઈ જ લીધું હતું. મારું નામ કીચુ, મેં બધું દીઠું.' 

હનુ હાથી આમતેમ જોવા લાગ્યો, 'કીડી, તેં ભલે જોયું, પણ તું મારા જોવામાં નથી આવતી, તું મને દેખાતી નથી. તું ક..ક..ક..  ક.. ક્યાં છો? ને હું સાવ ધીરેથી બોલ્યો'તો તોય તને આ બધી વાતની ખબર કેમ પડી ગઈ?!' 

'હાથીભાઈ, તમે જયારે ચીમુને બેસાડી ત્યારે હું ઝપ દઈને ચીમુના પગ ઉપર બેસી ગઈ હતી એટલે હું આખી વાત જાણું છું. જો હું એના માથે બેઠી હોત તો તમને ખબર પડી જાત. તમારા કાનમાં ચકલી, ને ચકલી ઉપર કીડી...' એમ કહી કીચુ કીડી ગાવા લાગી- 'હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા, કદી એ પાડે બરાડા, પણ નથી જરાય એ બાડા. નજર એમની ભારે ચકોર, જુએ સરસ એ ચારેકોર...' 

હનુ હાથી કહે, 'તારી વાત સાચી હોં, કીચુ! મેં અત્યારે પણ ચારેકોર જોયું, જો રસ્તા વચ્ચે પેલો એક મોટો પથ્થર પડયો છે. એ આજે જ અહીં જોવા મળ્યો. કોઈ ત્યાંથી નીકળે ને એનું ધ્યાન ન હોય કે અંધારું હોય તો એને એ પથરો વાગી જાય. ચાલો, આપણે સૌ ભેગાં મળી એને ત્યાંથી હટાવી એક ખૂણામાં મૂકી દઈએ, જેથી કોઈને લાગે નહીં, તકલીફ ન પડે.'  

કાબર રાજી થઈને આમ બોલી, 'હાથીભાઈ, અમારાથી આવો મોટો પથ્થર ન ઉપડે, તોય અમે તમારી સાથે તો આવીશું જ. આ તમે સરસ કામ કરો છો. અમારાથી થાય એટલું જોર કરી આ પથ્થર હટાવવામાં તમને મદદ કરશું.' 

ચકલી ને કીડીએ માથું હલાવી આ વાતમાં હા પાડી. હાથી સૂંઢ હલાવીને બોલ્યો, 'વાહ રે વાહ! ફાવે કે નહીં, પણ કોઈ સારા કામમાં સાથ આપે એ તો કેવી મજાની વાત! શાબાશ!' આ વાત સાંભળી વડદાદા પણ ખુશ થઈ સહુને શાબાશી આપી રહ્યા. થોડી જ વારમાં એ પથ્થર રસ્તાની વચ્ચેથી હટી ગયો. 

પછી તો કીડી, કાબર, હાથી ને ચકલી ચારેય ભેગાં મળી નાચ્યાં, કૂદયા. રમ્યાં, જમ્યાં, ને પછી ખુશ થતાં થતાં પોતપોતાના ઘરે ગયાં. ય