પેટ્રોલ વડે ચાલતા એન્જિનનો શોધક : કાર્લ ફ્રેડરિક બેન્ઝ
વા હનોમાં પેટ્રોલ, ડિઝલ, બાયોગેસ, સીએનજી જેવા બળતણથી ચાલતા એન્જિનો હોય છે. અગાઉના જમાનામાં ઘોડા વડે ગાડીઓ ખેંચાતી ત્યારબાદ વરાળથી ચાલતા સ્ટીમ એન્જિન બન્યા અને આજે આપણા વાહનો વિવિધ બળતણોથી ચાલે છે. વાહનોના ક્ષેત્રમાં અનેક વિજ્ઞાાનીઓનો ફાળો છે. પેટ્રોલ વડે ચાલતા એન્જિનની શોધ કાર્લ ફ્રેડરિક બેન્ઝ નામના વિજ્ઞાાનીએ કરેલી તેનું જીવન પણ રસપ્રદ છે.
બેન્ઝનો જન્મ ઈ.સ. ૧૮૪૪ના નવેમ્બરની ૨૫ તારીખે જર્મનીના બેહેન રાજ્યના કેરીશ્રુ ગામે થયો હતો. કાર્લ બે વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. અત્યંત ગરીબ સ્થિતિમાં હોવા છતાંય તેની માતાએ તેને સારું શિક્ષણ આપેલું. સ્થાનિક શાળામાં માધ્યમિક અભ્યાસ પૂરો કરીને કાર્લ પોલિટેકનિક યુનિવર્સિટીમાં જોડાયેલો. તેણે રેલવે એન્જિન બનાવવાનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ જર્મનીની મિકેનિકલ એન્જિનિયરીંગ કોલેજમાં જોડાયો. તે દરરોજ સાયકલ ઉપર કોલેજ જતો. રસ્તામાં ઘોડાગાડી જોઈને તેને ઘોડા વિના ચાલતી ગાડી બનાવવાનો વિચાર આવતો.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી કાર્લ મેનહિમ ખાતે વજનકાંટા બનાવતી કંપનીમાં ડિઝાઈનર તરીકે જોડાયો. તે દરમિયાન તેણે સાયકલ રિપેરિંગનું કામ પણ કરેલું. થોડા નાણા એકઠા થયા બાદ તેણે મિત્રોના સહકારથી મશીનો બનાવતી બેન્ઝ ફેક્ટરી સ્થાપી. ઈ.સ. ૧૮૮૫માં તેણે ગાડીના પાછલા વ્હીલ વચ્ચે પેટ્રોલ વડે ચાલતું એન્જિન ફિટ કરી પ્રથમવાર બેન્ઝ મોટર વેગન બનાવી. ઈ.સ. ૧૮૮૬માં તેની કારને ઓટોમોબાઈલ ફ્લ્યૂડ બાય ગેસ નામ અપાયું.
બેન્ઝની કારમાં લાકડાના પૈડાં હતા. તે જમાનામાં પેટ્રોલ કરિયાણાની દુકાનમાં વેચાતું. તેનો ઉપયોગ સાફ સફાઈ કરવા કે દીવા કરવા થતો. ઈ.સ. ૧૮૯૯માં બેન્ઝની કંપનીએ ઉપયોગી કાર બનાવી. બેન્ઝે પ્રથમવાર ૫૭૨ કાર બનાવીને બજારમાં મૂકેલી. ઈ.સ. ૧૯૨૮ની એપ્રિલની ચોથી તારીખે તેનું અવસાન થયું હતું.