Get The App

અલૌકિક ધ્રુવીય પ્રકાશપૂંજ : ઔરોરા

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
અલૌકિક ધ્રુવીય પ્રકાશપૂંજ : ઔરોરા 1 - image


પ્ર કાશ, વીજળી, ચુંબકત્વ અને રેડિએશન જેવી કુદરતી ઊર્જા પૃથ્વી પર અનેક વિસ્મય સર્જે છે. મેઘધનુષ સૂર્ય પ્રકાશનું અનુપમ સર્જન છે અને તે લગભગ બધે જ જોવા મળે છે. પરંતુ ધ્રુવ પ્રદેશમાં સૂર્યના વીજભારવાળા કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ સાથે પ્રક્રિયા કરી રંગીન પ્રકાશપૂંજની દિવાલ રચે છે. ક્ષિતિજમાં દેખાતા આ રંગબેરંગી પ્રકાશ પૂંજને ઔરોરા કહે છે. આપણે તેને ધ્રુવીય જ્યોતિ કે મેરૂજ્યોતિ કહીએ છીએ. આ દીપ્તિમય છટા ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં વાયુમંડળમાં ઉપલા સ્તરમાં દેખાય છે.

ઉત્તર ધ્રુવ પર દેખાતા પ્રકાશપૂંજને ઔરોરા બોરિયાલિસ કે સુમેરૂ જ્યોતિ કહે છે. દક્ષિણ ધ્રુવ પર સર્જાતા આ દ્રશ્યને ઔરોરા ઓસ્ટ્રેલિસ કે કુમેરૂજ્યોતિ કહે છે.

વિજ્ઞાાનીઓએ ઔરોરાનો ઊંડો અભ્યાસ કરી તેની વિવિધતાની નોંધ લીધી છે. એચ.એ. ઔરોરામાં પ્રકાશપૂંજ સ્પષ્ટ હદ વિસ્તારમાં હોય છે. ઉપરનો ભાગ લીલો, મધ્યભાગ પીળો તો નીચેનો ભાગ લાલ હોય છે. આર.એ. ઔરોરાનાં રંગ પૈંડાના આરાની જેમ ચારે તરફ વિસ્તરેલા હોય છે. વિજ્ઞાાનીઓએ ઔરોરાના આઠ પ્રકારના રૂપ શોધી કાઢયા છે. આ નજારો પૃથ્વીથી ૮૦ થી ૧૩૦ કિલોમીટરની ઊંચાઈના વિસ્તારમાં દેખાય છે. નવાઈની વાત એ છે કે ઔરોરા સાથે વીજળીના કડાકા જેવા અવાજ પણ સંભળાય છે તેને ઔરોરા નોઈઝ કહે છે.

સૂર્ય પર કાળા ધાબા જેવા સૂર્યકલંકોને કારણે સૂર્યપ્રકાશની સાથે સૌર પવનો પણ પ્રસારિત થાય છે. સૌરપવનની સાથે વીજભારવાળા કણો પૃથ્વી પર પણ આવે છે. પૃથ્વી એક વિરાટ ચૂંબક છે. ચુંબકીય ક્ષેત્રને કારણે આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકતા નથી પરંતુ પૃથ્વીના બંને ધ્રુવ પર ચુંબકીય બળ ઓછું હોવાથી આ વીજભારવાળા કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન સહિતના વાયુઓ સાથે આ કણો પ્રતિક્રિયા કરે છે. આ વાયુના કણો વીજભારવાળા કણો સાથે અથડાય ત્યારે નૃત્ય કરતી પ્રકાશ આત્મા સર્જાય છે. વાયુમંડળના નીચલા સ્તરના ઓક્સિજનના કણો લીલો રંગ પ્રગટ કરે છે. અને ઉપલા સ્તરનો ઓક્સિજન લાલ રંગ પ્રગટ કરે છે. આ જ રીતે નાઈટ્રોજનના કણો ભૂરો અને જાંબલી રંગ ઉત્પન્ન કરે છે. આ પ્રકાશપૂંજ અત્યંત તેજસ્વી હોય છે. આ સાદી સમજ છે. વિજ્ઞાાનીઓએ ઊંડો અભ્યાસ કરીને ઔરોરાના ઘણા રહસ્યો છતાં કર્યા છે.

જાણીને નવાઈ લાગશે પણ ઔરોરામાંથી ઊર્જા પણ વછૂટે છે. ઈ.સ. ૧૮૫૯માં સપ્ટેમ્બરની બીજી તારીખે બોસ્ટનથી પોર્ટલેન્ડ વચ્ચેની ટેલિગ્રાફ લાઇન બે કલાક સુધી ઔરોરાની ઊર્જાથી ચાલુ રહ્યાનું નોંધાયું હતું. 

ઔરોરા વિશે ભૂતકાળમાં અનેક માન્યતાઓ હતી. મધ્યયુગના યુરોપમાં તેને ભૂતાવળનું નૃત્ય પણ કહેતા. બેન્જામિન ફ્રેન્કલીને ઔરારાનું કારણ ધ્રુવ પ્રદેશના બરફના કણો હોવાનું જણાવ્યું હતું.

ઔરોરાને ચોક્કસ સમયગાળો છે. સોલાર સાઇકલ ૧૧ વર્ષની છે. ઔરોરા પણ દર અગિયાર વર્ષે સમાન પેટર્નથી બને છે. ઉત્તર ધ્રુવ પર શિયાળામાં ઔરોરા જોવાનું વધુ અનુકૂળ છે.

ધ્રુવ પ્રદેશની નજીક આવેલા ઉત્તર અમેરિકા, કેનેડા, અલાસ્કા, યુક્રેન, યુરોપના સ્કેન્ડીવિયા, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ગ્રીનલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી ઔરોરા જોઈ શકાય છે.

Tags :