કાંટાવાળો કાચિંડો થોર્ની ડેવિલ
શ રીરનો રંગ બદલવામાં ઉસ્તાદ કાચિંડાની અનેક જાત જોવા મળે છે. તેમાંય ઓસ્ટ્રેલિયાનો થોર્ની ડેવિલ તો ગજબ છે. આમેય ઓસ્ટ્રેલિયા તેના અજબગજબનાં પ્રાણીઓ માટે જાણીતો છે.
ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં થોર્ની ડેવિલ નામનો કાચિંડો જોવા મળે. કદમાં નાનો પણ વિકરાળ ડાયનોસોર જેવા દેખાવના આ કાચિંડાના શરીર પર કાંટા હોય છે. આ કાચિંડો પૂંછડી સહિત ૨૦ સેન્ટીમીટર લાંબો હોય છે. સામાન્ય રીતે રણની રેતી જેવા રંગનો આ કાચિંડો જરૂર પડયે રંગ બદલી શકે છે.
થોર્ની ડેવિલની પીઠ ઉપર એક મોટું ઢીમચું હોય છે. આ ઢીમચું તેના બીજા માથા જેવું દેખાય છે. ખરેખર તો આ ઢીમચું શિકારી પ્રાણીઓને છેતરવા માટે હોય છે. કોઈ મોટું શિકારી પ્રાણી તેની ઉપર હુમલો કરે તો થોર્ની ડેવિલ પોતાનું અસલી માથું પગ વચ્ચે સંતાડી દે છે. શિકારી પ્રાણી પેલા ઢીમચાંને માથું સમજી હુમલો કરે ત્યારે તે પોતે જ કાંટાથી ઘાયલ થઈ જાય છે અને કાચિંડો બચી જાય છે.
થોર્ની ડેવિલ કીડી મકોડા જેવા નાના જંતુઓનો શિકાર કરે છે. તેની જીભ લાંબી હોય છે. રંગ બદલવા ઉપરાંત આ કાંચિડો શરીરમાં હવા ભરીને પોતાનું કદ પણ મોટું કરી શકે છે.