પાંચ શિવાજી .
- દરેક મરાઠા સૈનિક, જાતે શિવાજી બને, તો જ રાષ્ટ્ર આઝાદ રહી શકે શિવાજીઓ કંઈ હંમેશા ફાવતા નથી !
- પરાજિત પત્ર પર દસ્ખત કરવાને બદલે કેશ-કર્તન-કેશવ-શિવાએ પોતાનો હાથ કપાવા દીધો એક આખા લશ્કરમાં બધાં શિવાજી જ શિવાજી હતા, સાચા શિવાજીને શોધવા કેવી રીતે ?
રા જમાતા જીજાબાઈ ભવાની સિંહાસન પર બિરાજ્યા. અને શિવાજીએ પ્રવેશ કર્યો. માતાએ તેના ખભે હાથ ન મૂક્યો. તેને માથેય હાથ ન મૂકયો. હાથની ઈશારતથી જ તેને કહી દીધું : 'જા.'
તરત જ બીજો શિવાજી આવ્યો. માતા સમક્ષ નમન વંદન કર્યા હશે ત્યાં જ માતાએ તેને ખભે હાથ મૂકવા હાથ ઊંચો કર્યો. થોભી ગયો હાથ. એ જ હાથે ઈશારત કરીને કહી દીધું : 'જા.'
તેના ગયા બાદ ત્રીજો શિવાજી આવ્યો. માતાજીએ ધ્યાનથી જોયું. ખભે હાથ મુકવા હાથ આગળ કર્યો. પણ તરત જ એ જ હાથની સંજ્ઞાાથી કહી દીધું : 'જા.'
ચોથા શિવાજીનું આગમન. શાસ્ત્રીય રીતે તેણે પ્રણામ કર્યા. પગે સ્પર્શ કરવા હાથ લંબાવ્યો. ત્યાં માતાજીએ પગ ખેંચી લીધો. તેને ખભે-માથે મુકવા ઊંચો થયેલો હાથે માત્ર વિદાય આપી દીધી : 'જા.'
પાંચમાં શિવાજીને બરાબર અવલોકી ધ્યાનથી જોઈ રહી. માથાથી પગ સુધી એ પંચમને અવલોક્યો. પછી તેને ખભે હાથ મુકી દીધો, તેને માથેય દબાણ સાથેનો હાથ મૂકયો અને કહ્યું : ' અલ્યા શિવા ! તું આમ મારી આકરી કસોટી શા માટે કરે છે ?'
શિવો કહે : 'માતે, હું તમારી નહિ, મારી કસોટી કરું છું. હું મારા વિવિધ રૂપ એટલા માટે તૈયાર રાખું છું કે હું પરખાઈ જઉં નહિ.'
માતા જીજાબાઈ કહે : ' પણ પરીક્ષા તો મારી જ થાય છે ને ?'
'ના માતાજી,' શિવો કહે : 'મારી જ. જો આપ અમારા પાંચમાંથી સાચા શિવાજીને ન ઓળખી શકો તો હું પાસ. આપ જાણો છો, ઘડીક હું પ્રથમ આવું છું, ઘડીક દ્વિતિય, ઘડીક તૃતિય, વળી કદીક ચતુર્થીય અને આજે પાંચમો આવ્યો તો ય માતાજી આપ ઓળખી જ ગયા. પાંચમાંથી મને સાચા શિવાજીને આપ તારવી શક્યા. માતેય આપની દીર્ઘદૃષ્ટીને હું ધન્યવાદ આપું છું.'
માતા કહે : 'શું એવું રોજ કરવાનું ? રોજની સોટી, રોજની કસોટી. તારે શું મને લડવા મોકલવી છે ?'
'માતેય, માતેય !' શિવાજી કહે : ' આપના સુધી તો હું કોઈ શત્રુને પહોંચવા જ દઈશ નહિ. આ બધી યુક્તિ-પ્રયુક્તિઓ એટલા જ માટે છે. માતાજી ! આપ જાણો છો કે છેલ્લી લડાઈમાં મેં આખેઆખું શિવાજીનું જ લશ્કર બનાવી દીધું હતું. દરેક સૈનિક શિવાજી. રૂપે રંગે સ્વભાવે લક્ષણે મા ! શત્રુએ સાચા શિવાજીને શોધી શોધીને થાક્યા. એવા ગૂંચવાય ગયા કે આખું શિવાજીના લશ્કરે તેમનો ઘાણ કાઢી નાખ્યો. માતોશ્રી, હું ઈચ્છુ કે મહારાષ્ટ્રનો એક એક સૈનિક શિવાજી બની રહે. રાષ્ટ્રની આઝાદી માટે એ જરૂરી છે. આત્મીય થવાથી જ આત્મનિર્ભર થવાય છે. વંદનીય માતોજી મને આશીર્વાદ આપો. આજથી સાચું યુદ્ધ, સાચી કસોટી, સાચો દાવ શરૂ થાય છે.'
'મારા આશિષ છે શિવા, તું જરૂર વિજયી થશે' માતએ વહાલ બતાવતાં કહ્યું : 'જેમ આગ્રાથી તું તથા તારા પિતાજી ફળના કરંડિયામાં બિરાજીને સફળ થયા હતા...'
વરસાદ કેટલા દિવસથી ચાલુ હતો. અત્યારે વળી તેનું જોર વધી ગયું હતું. એવા પ્રલયનો લાભ લેવા જ શાહીસ્ત ખાન મોટા લાવ લશ્કર લઈ પધાર્યો હતો. તેને એમ હતું કે આ વાતાવરણ જ તેની જીત અપાવી દેશે. લડવાની જરૂર જ નહિ પડે. અને લડાઈથી થયા તો ય વરસાદી લદ-બદમાં મરાઠા ઊંદરડાંઓ નહિ જ ફાવે. તે એટલું મોટું લશ્કર લઈ આવ્યો હતો કે થોડાક હજાર ખાન સેનાનીઓ પર તોય વાંધો નહિ '
તેણે પોતાના આંગળાં વગરના હાથ થપથપાવી હુકમ કર્યો : 'શેરખાન ! સબ કામ બરાબર હુઆ હૈ ને ?'
શેરખાન કહે : ' એકદમ. યે ચૂહા અબ નહીં બચ સકતા. એક તો આયેગા હી નહીં. આયા તો બચ કે જાયેગા નહીં.'
ખાને શિવાજીને સંદેશો મોકલ્યો હતો : 'એક લાખ ખાન-ખાનાની ફૌજ છે. બીજી એટલી જ તૈયાર છે. તમારા ફાવવાની કોઈ ગૂંજાયેશ નહિ. ખેર ચાહતે હો તો રૂબરૂ મિલો...'
ક્યાં, કેમ, કેવી રીતે મળવું તેની વિગતો જણાવી હતી. તાકિદ કરી હતી કે જેમ અગાઉ આપણે એકલા જ મળ્યા હતા તેમ આ વખતે ય એકલા જ મળવાનું છે. ગઈ વખતે હું આવ્યો હતો, આ વખતે શિવા તારે આવવાનું છે. કોઈ સાથ સહકાર ચાલાકી ચાલશે નહિ. તેમ કરવા જશે તો ફસાઈ જશે. રહેંસાઈ જશે, મરાઠા રાજ્ય આપોઆપ જ ખાન-સલ્તનત બની જશે.
આ વખતની લડાઈ શિવાજીને ય ભારે પડે તેમ હતી. આવા વિનાશીક કાદવ કિચ્ચડિયા યુદ્ધમાં તેને ફાવટ આવવી અઘરી હતી. અઘરી નહિ, અશક્ય હતી.
પણ કાયમ સાવધ રહેતા શિવાજીએ યુક્તિ વિચારી જ રાખી હતી. પોતાના ઓછામાં ઓછા વીર મરાઠા યોદ્ધાઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે એવી તેની પ્રયુક્તિ હતી.
કાયમ સાવધ અને તૈયાર રહેનારા તેના સેનાપતિઓ ભાલોજી અને શિંદેજીએ નીડરતા સાથે દહેશત આગળ કરી જ હતી : 'શિવોબા, મામલો ખતરનાક છે. આંગળાં ગૂમાવ્યા બાદ ખાન પૂરેપુરો સાવચેત થયો છે. તેની પાસેય દાવ હશે જ.'
'મારા વીર સેનાપતિઓ, મન કે મારે હાર, મન કે જીતે જીત. વિજયનો વિશ્વાસ રાખો. માતા ભવાની અને માતા જિજાબાઈના આપણી પર ચારેય હાથ છે. હા, આપણા ચારેય શિવાજીઓ તૈયાર છે ને?'
'પાંચેય'
'પાંચમો કોણ ?'
'આપનો નાઈ, વાંળદ, હજ્જામ, કેશકલાકાર કેશવ કર્તન.'
આવી કાતિલ ક્ષણેય શિવાજીએ હસી દીધું. : 'શું વાત છે ? કેશ-કર્તન હવે યુદ્ધ કરશે ?'
'સામી છાતીનું'
'એકલો ?'
'એકલવીર શિવોબા, મરાઠા નાગરિક કદી એકલા નથી હોતા. તેમના વ્યવસાય, તેમના શસ્ત્રો, તેમની હિંમત, તેમની ચાલકી... તેમની સાથે જ હોય છે. કેશવ..!'
હાજર થયો શિવાજી. કેશવ શિવાજીના એવા સ્વરૂપમાં હતો કે ખુદ શિવાજી તેમાં કોઈ કસર કાઢી શકયા નહિ.
બંને શિવાજી માતા જીજાબાઈ સમક્ષ રજૂ થયા. વિનંતી કરી : 'માતેય...'
બાકીની વાત ઈશારતથી કહેવામાં આવી કે : 'માતા, અમારા બેમાંથી એટલે કે આ બે શિવાજીમાંથી સાચો શિવાજી શોધી બતાવો.'
પહેલી વખત પાવરધી માતા તારણ તારવી શકી નહિ. બંને શિવાજીએ માતોશ્રીની પગરજકણ લીધી. વિદાય થયા. ને તેમણે ખુલાસો કર્યો. અરે, એકેય શબ્દ જ ઉચ્ચાર્યો નહી.
બાજી એવી ગોઠવાઈ કે બંને શિવાજીમાંથી એક ભારે જોખમ ઉઠાવી પન્હાળા તરફ લશ્કરને લઈ જાય. અને બીજો શિવાજી શાહીસ્ત ખાનની રૂબરૂ મુલાકાતે જાય !
પ્રલય, પ્રકકોપ, ઝંઝાવાત, વાવાઝોડા પોતાનું વિશાશક કાર્ય કરે જ જતા હતા. પન્હાળા જવાનું મુશ્કેલ હતું. ખાનને મળવા જવાનું ય મુશ્કેલ હતું.
પણ એક શિવાજી લડવા લાયક સૈન્યને લઈને ભર્યા વરસાદે પન્હાળા જવા નીકળી પડયા. જતાં પહેલા એવી ગોઠવણ કરતા ગયા કે નાના નાના પણ કાબેલ લશ્કરને ચારે તરફ ગોઠવતા ગયા.
એક શિવાજી ગયા. પન્હાળા ગયા.
બીજા શિવાજીએ ખાનને સંદેશો કહાવ્યો : 'મરાઠા-મહંત શિવાજી મહારાજ, જાતે આપને મળવા પધારે છે. આપની બધી શરતોનું પાલન થયું જ છે. શરત મુજબ સમાધાન સંધિ થાય તો આપે પાછા જવાનું રહેશે. તેમાં અમે આપને મદદ કરીશું.'
શિવાજી તરફથી આટલી ખાત્રી હોવા છતાં પધારેલ શિવાજી એકલો છે કે કેમ ? તેની ખાન-ખાનાને બરાબર તલાશી લેવડાવી. આજુબાજુ કે આગળ પાછળ કોઈ જ સાથી જાસૂસ છે છૂપાયેલ છળ નથી તેની ફરી ફરીને ખાને ખાત્રી કરી લીધી. તેમાં સંતોષ થતાં અને શંકારહિત થતાં જ ખાને શિવાજીનું સ્વાગત કર્યું. સ્થળ ભવ્ય હતું અને સ્વાગત એથીય ભવ્ય હતું.
ઔપચારિક વાર્તાલાપ પત્યા પછી, ખાને જાતે પ્રગટ કરી. શિવાજીને કહ્યું : 'શિવા, હારી ગયાનો દસ્તખત કરી દો. આજથી મરાઠા રાજ્ય ખાન-ખાનાન શાહિસ્ત ખાનનું છે. દસ્તાવેજ તૈયાર છે. દોનોં ભાષામાં છે.'
શિવાજી કહે : 'ખાન સા'બ, આપણે સમાધાન માટે ભેગા થયા છે, સંધિ માટે. હારજીત માટે નહિ જ. આપનો દસ્તાવેજ પાછો ખેંચી લો. અને વાટાઘાટો શરૂ કરો. દગાથી કોઈ પરિણામ નહિ લાવી શકો.'
પોતાના આંગળાં વગરના હાથને આગળ કરીને ખાન કહે : 'દગાની શરૂઆત તમાસાથી થઈ છે શિવા !'
'એે.. મારા રક્ષણનો સવાલ હતો ખાન.'
'અને આ મરાઠા રાજ્યના ભક્ષણનો સવાલ છે મૂષક. વિલંબને અવકાશ નથી.'
અત્યાર સુધી ખાનખાનાનના ય કોઈ સૈનિકો હાજ ન હતા. એવી જ શરત હતી. પણ યુદ્ધની વાટાઘાટોમાં વળી કઈ શરતનું પાલન થતું હોય છે ?
ખાનના પઠાણી ખાન સૈનિકોએ તલવાર ખેંચી.
શિવો ન ડર્યો.
ખાને ધરધરતા ઘાંટાની ગર્જના કરીને કહ્યું : 'શિવા, દસ્તખત કર નહિ તો...'
'નહિ તો હાથ નહિ રહે' એવું જ કંઈ કહેવાનો ખાં નો આશય હતો. પણ લો, શિવાએ તો સહી કરવા માટેનાં હાથ જ આગળ ધર્યા.
ખાનને ખાત્રી થઈ ગઈ કે આ સાચો શિવાજી જ છે. તેણે ઈશારત કરી. કંઈક તલવારની વીજળી ઝબકી. શિવાનો હાથ ખભેથી ઝટકાઈ ગયો.
જવાંમર્દો કદાચ એકાદ હાથ કપાવાથી બેભાન કે બેહોશ નહિ જ બનતા હોય ! શિવાએ બીજા હાથે એ દસ્તાવેજને ખાન સામે ધરી દીધો. ખાનનું ગજવું તત્કાળ જડયું હોત તો તેમાંય મુકી દેત.
એ જવાબથી ખાન વળી એટલો ગુસ્સે થયો કે એણે પોતાના સૈનિકોને કહ્યું : 'યે ભી કાટ દો.'
શિવાજીનો બીજો હાથ કપાઈને ખાનની શેતરંજી ઉપર પડયો. થોડીક રક્તધારાઓ સાથે.
શિવાને હવે ધૂંધ વળવા લાગી. પોતે અંધારા સાથે ધૂંધવાઈ જશે કે શું ?
ખાં કહે : 'હવે શું કહેવું છે તારે શિવલા !'
શિવલાએ આંખથી જ કહ્યું : 'ચાલ્યો જા' આંખ વધી હલાવીને તે કહેતો હતો : 'બચવું હોય તો ચાલ્યો જા. નહિ તો... નહિ તો...'
ખાં ના હુકમથી જ્યારે તેની ગરદન કપાવા ગઈ ત્યારે ઝટપટ શિવાએ કહી દીધું : 'હું શિવો છું... શિવો હજ્જામ. શિવાજી મહારાજ તો... તો... ક્યારના. પન્હાળા.'
વિસ્ફારિત નેત્રો સહિત ખાન અચંબિત રહી ગયો. માનવા તૈયાર થયો નહિ. કોઈ કેશકર્તન આટલી શહાદત દાખવી શકે ? ખરેખર શું તે શિવાજી નહિ જ હોય ? ફરીથી એક વખત હું છેતરાયો ?
તેેણે ઘાંટાઘાંટ હો-હા અને રાડારાડ કરીને કહ્યું : 'બડા લશ્કર. પન્હાળા દૌડો. ખતમ કરો વો શિવલા કો, સચ્ચા હો યા કોઈ ભી.'
તેના એ લશ્કરને શિવાજીના લશ્કરનો સામનો ત્યાં જ થઈ ગયો.
એટલું જ ભલે શિવાજીના લશ્કરમાં ત્રણ હજાર, પાંચ કે સાત હજાર જ સૈનિકો હતા. પણ તેઓ તૈયાર હતા. તેમણે ખાનના મોટા ઝપટાયેલા લશ્કરનો એવો સામનો કર્યો કે... ખાનને ભાગવું જ પડયું. તેનું લશ્કર તો પહેલેથી જ ભાગવા લાગ્યું હતું.
ભાગતી પીઠે ખાને હુકમ કર્યો : 'પન્હાળા... પન્હાળા કુચ કરો, પકડો વો ચૂહા કો, કાટો, મારો.'
કાદવિયા લડાઈથી ખાનનું લશ્કર ટેવાયું ન હતું. અંતર લાંબુ ઊભું થઈ ગયું હતું. પણ અધર વચ્ચે જ એવું દ્વદ્વ ઝામ્યુ કે ખાનના એ ખાનખાનાનો ખુર્દો બોલી ગયો.
સાંઈ !!! યે સબ તો કસાઈ હૈ કસાઈ...
માતોશ્રી જિજાબાઈ સમક્ષ પ્રતિનિધિઓએ આવીને કહ્યું : 'ચાલો માતાજી, આપને પન્હાળાનું આમંત્રણ છે.'
પાંચ પાલખીઓ તૈયાર થઈ. પહોંચી પન્હાળા. શિવાજીએ આ વખતે કોઈ કસોટી કરી નહિ. પણ તેમની કસોટી થઈ જ. પાલખીમાંથી એક પછી એક પાંચ જીજાબાઈ માતાજી બહાર આવી. હરોળમાં ઊભી રહી. કોઈ માતા બોલી નહિ. શિવાજીએ જ કહ્યું. : 'માતે હવે તમે ય કસોટી કરતાં શીખી ગયા ?' તમારી ઈચ્છા મુજબ તમારો પન્હાળા તમને બક્ષીએ છીએ તોય?
કોઈ બોલે તો માતા પરખાય ને ?
છેવટે કોઈક ચોંકી ચમકીને બોલી ઊઠયું : 'એ ખાનનું લશ્કર આવ્યું'
ચાર માતાઓની આંખોમાં ચમક આવી. એક માતાની આંખો ઝબકી નહિ, પલકારોય ખાતો નહિ.
તેજ માતાને પગે પડીને શિવાજી કહે : 'મા ! મા !! તમે તમે છો. હું હું છું. તમે માતા છો, હું શિવો છું. પ્રસંગ તથા સંગને પારખતા માતા ! હું તમારી પાસેથી જ શીખ્યો છું.'
શિવાજીના સાથીઓ પોકારી ઊઠયા : 'માતા જિજાબાઈ ! ઝિંદાબાદ !! '
માતા કહે : 'શહીદ હજ્જામ ઝિંદાબાદ.'
શહીદ કેશવ ઝિંદાબાદ. શહીદ શિવોય ઝિંદાબાદ.