મધપૂડો .

- માથે મૂકીને હાથ નાચો હે જગન્નાથ
- કહે નારાયણ, કહે નારદજી : નાચો, શિવજી નાચો. બચાવવા, દુનિયા બચાવવા, નાચો શિવજી નાચો.
- વરદાન મળી ગયું, પણ સાચા-ખોટાની ખાતરી તો કરવી કે નહિ ?
- કામ પતી ગયું છે. ભસમ અસુર ભસમ થઈ ગયો છે.
- હાથની સાથે આંગળાં અને આંગળાં સાથે આંખો. વળી આંખો સાથે કાન અને કાન સાથે આખું માથું. જોતજોતામાં તો શિવજીએ વાતાવરણ જમાવી દીધું. બધા નાચે, એવા નાચે કે દુનિયા નાચતી થઈ ગઈ.
- હરીશ નાયક
નામ એનું ભસમ.
પાછો અસુર એટલે લોકો એને કહે - ભસમ+અસુર = ભસ્માસુર.
જબરો બળિયો, તાકાતવાળો, ટીખળી, તોફાની.
એને થયું કે હું દુનિયાનો રાજા થાઉં. દુનિયાનો દેવ થાઉં. દુનિયાને ડરાવું.
નારદજી કહે - 'જા, તપ કર. ભગવાનનું નામ લે.'
ભસમ કહે - 'કોનું નામ લઉં ?'
નારદજી કહે - 'શિવ શિવ કર. શિવજી રાજી ન થાય તો ભલે, તું શિવ શિવ કરે જ રાખ. શિવજી રાજી થઈને રહેશે.'
એનું નામ ભસમ અને શિવજી ભસમના દેવ.
ભસમાસુરે તો ભસમદેવનું તપ શરૂ કરી દીધું - રાત, સવાર, સાંજ, બપોર. બસ નહિ ખાવું, નહિ પીવું અને શિવ શિવ શિવ શિવ.
શિવજી તો ભોળા દેવ. રાજી થયા. પૂછે - 'શું જોઈએ છે ત્યારે ?'
'વરદાન.'
'કેવું વરદાન ?'
'જેને માથે હાથ મૂકું તે ભસમ થઈ જાય.'
'હેં... ?' શિવજી બોલી ગયા - 'એવું તે કંઈ વરદાન હોય ?'
'હોય કે ના હોય,' ભસમ કહે - 'આપો તો એ જ વરદાન આપો, નહિ તો શિવ શિવ શિવ...'
'સારુ,ં' શિવજી કહે - 'સખણો રહેજે, સારું કામ કરજે. વરદાનનો સદુપયોગ કરજે.'
વરદાન મળી ગયું પણ સાચું કે ખોટું ? ખાતરી તો કરવી કે નહિ ?
ભસમે હાથ આગળ વધારી દીધો.
શિવજી કહે - 'શું કરે છે એલા ?'
ભસમ કહે - 'તમારે માથે હાથ મૂકું છું.'
શિવજીએ દોડ લગાવી. ભસમ જો માથે હાથ મૂકો તે ભસમ જ થઈ જવાય.
શિવજી તો દોડે દોડે દોડે.
આગળ શિવજી, પાછળ ભસમ.
દોડતાં દોડતાં શિવજી પહોંચી ગયા નારાયણ પાસે - 'બચાવો, બચાવો.'
નારાયણ પૂછે - 'શેનાથી ? કોનાથી ?'
'આ ભસમથી.'
'શું કરે છે એ ?'
'માથે હાથ મૂકે છે.'
'એથી શું થાય ?'
'ભસમ થઈ જવાય. વરદાન છે એને.'
'એલા આ ભસમિયાને એવું વરદાન વળી કોણે આપી દીધું ?'
'મેં આપી દીધું.'
'ખરા છો શિવજી તમે', કહેતા નારાયણ આગળ થયા. પાછળ શિવજી સંતાઈ ગયા.
પણ દોડી આવેલો ભસમ તો નારાયણને માથે હાથ મૂકવા ગયો.
નારાયણ કહે - 'શું કરે છે એલા ?'
'ખાતરી કરું છું,' ભસમ કહે - 'કે વરદાન સાચું છે કે નહિ ? શિવજી નહિ તો શિવજીના ભાઈ તમે...'
'એલા ભાગો...' કરીને નારાયણ ભાગતા થઈ ગયા. સાથે શિવજી. બંને ભગવાન બૂમો પાડે - 'બચાવો... બચાવો...'
કોઈએ તેમને બચાવી લીધા નહિ. દેવ, દેવીઓ, મુનિઓ બધાં ભાગતાં થઈ ગયાં.
'નારાયણ... નારાયણ...' વાગતો થયો તંબૂરો. નારદજી મળી ગયા. કહે - 'કેમ બધાં ભગવાનો દોડો છો ? કેમ ભાગો છો ?'
'આ ભસમ દેખાતો નથી ?' શિવજી કહે - 'માથે હાથ મૂકે છે. મારે અને નારાયણને અને બધાને માથે.'
નારદજીએ તંબૂરા પર ટેઉં ટેઉં કરી દીધું. કહે- 'શિવજી નાચો.'
શિવશંકર કહે - 'શું ?'
નારદજી કહે - 'મારો તંબૂરો કહે છે - નારાયણ, નારાયણ નાચો.'
'નાચવાથી શું થશે ?'
'બચી જશો.'
'નાચવાથી બચાય ?'
'હા, નાચવાથી જ બચાય. શિવજી નાચે છે અને તોફાન આવે છે. શિવજી નાચે છે અને તોફાન શાંત થઈ જાય છે.'
નાચવાનું નામ દીધું એટલે શિવજી તો નાચતા થઈ ગયા. થોડી વારમાં પગ અને હાથ ઊંચાનીચા થતા ગયા.
શિવજી સાથે નારાયણ નાચતા થઈ ગયા.
નારદથી ય રહેવાયું નહિ. તંબૂરો ઊંચો થયો અને ટાંઈ ટાંઈ તા-તા
થૈ-થૈ.
ભસમ વિચાર કરે છે કે હવે કોને માથે હાથ મૂકું ? કેવી રીતે મૂકું ? કોઈ નાચતું હોય તો હાથ મુકાય માથે?
તેમાં પાછો જાદુ થયો. નાચનો જાદુ. હા, નાચ જાદુ છે. એક નાચે, બધાં નાચે. શિવજીનો નાચ એટલે જાદુનું ય જાદુ.
ધીરે ધીરે ભસમના પગ હાલતા થયા. ઊછળતા થયા. કૂદતા થયા.
પછી હાથનું હલનચલન શરૂ થયું. હાથ ઊંચા નીચા, વાંકા-ચૂંકા થતા ગયા.
હાથની સાથે આંગળાં અને આંગળાં સાથે આંખો. વળી આંખો સાથે કાન અને કાન સાથે આખું માથું.
જોતજોતામાં તો શિવજીએ વાતાવરણ જમાવી દીધું. બધાં એ નાચે, એ નાચે કે દુનિયા નાચતી થઈ ગઈ.
આકાશ નાચે અને ધરતી નાચે.
ઝાડ નાચે અને પાંદડાં નાચે.
પવન નાચે અને પહાડ નાચે.
અરે, બધું અને બધાં નાચે જ નાચે.
નાચતાં નાચતાં હાથ આડાઅવળા, ઊંચા નીચા થાય, થાય જ. શિવજીના હાથ જેમ થાય તેમ બધાંના હાથ થાય.
એકાએક શિવજીએ માથે હાથ મૂકી દીધો. પોતાને માથે જ હોં ! શિવજીનું જોઈ બધાંથી પોતપોતાને માથે હાથ મુકાઈ ગયો. નારદથી માથે તંબૂરો મુકાઈ ગયો. ખાતરી કરવી હતી ને ? થઈ ગઈ.
વરદાન સાચું હતું. શિવજીનું વરદાન ખોટું હોય નહિ. જેવો ભસમે પોતાના માથે હાથ મૂકી દીધો કે બધું ભસમ થઈ ગયું. તેનો આખો દેહ ભસમ. તેની કાયા ભસમ, તેની માયા ભસમ. તેની છાયા ભસમ.
'ટાંઈ ટાંઈ નારાયણ, નારાયણ.' નારદજી તંબૂરો રણકાવી શિવજીને કહે - 'હવે થાક ખાવ. હવે આરામ કરો. કામ પતી ગયું છે. ભસમ અસુર ભસમ થઈ ગયો છે.'
તો ય શિવજી નાચે જ રાખે. નારાયણ કહે - 'શાંત થતાં વાર તો લાગશે જ ને !'
શિવજી શાંત થયા.
નારદજી કહે - 'હવે વરદાન જોઈને આપજો. ઓળખીને આપજો. અમથા અમથા હાથ ઊંચો રખે કરતા નહિ, નહિ તો વળી કોઈ ભસમિયો માથે હાથ મૂકી જશે તમારે, અમારે, નારાયણને કે કોઈને ય માથે.'
શિવજી ભસમના શોખીન. તેમણે ભસમ-અસુરની ભસમ દેહ પર ચોપડી દીધી.
તેઓ કહે - 'આવા કંઈક અસુરો ભસમ થાય છે ત્યારે સુર થવાય છે. સુરદાસ બનાય છે. સંગીતના સૂર નીકળે છે. દુનિયાને શાંતિના સૂર સાંભળવા મળે છે.'
નારાયણજી બોલવા ગયા - 'ભગવાન શિવશંકરની...'
શિવજી કહે - 'મારી નહિ, આ નારદની જે બોલો. એણે આપણને બચાવી લીધા. બોલો, તંબૂરાવાળા નારદજીની... !'
'જે...' દેવો બોલી ગયા.
તમે બોલશો ?









