Get The App

ગરબડ ગધેડાની કમાલ .

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ગરબડ ગધેડાની કમાલ                  . 1 - image

- જતિન ભટ્ટ 'નિજ'

જંગલમાં એક લગ્ન હતું. એમાં સમ્રાટ સિંહ, શીરી સિંહણ, ગરબડ ગધેડો, સીલી શિયાળ, પિમ્પો પોપટ, કલબલ કાબર, કાલી કાગડો વગેરેને આમંત્રણ હતું, એટલે બધાં ગયાં.

ઘણાં બધાં પ્રાણીઓ આવ્યાં હતાં. ખૂબ મોટા મેદાનમાં મંડપ બાંધેલો હતો. એક બાજુ લગ્ન ચાલતું હતું અને બીજી તરફ જમણવાર. અલગ અલગ કાઉન્ટર પર ખૂબ બધી વાનગીઓ ખડકાયેલી હતી - સૂપ, સ્ટાર્ટર, વિવિધ પંજાબી વાનગીઓ અને છેલ્લે આઈસ્ક્રીમ.

સમ્રાટ સિંહ અને શીરી સિંહણ એક ટેબલ પાસે ઊભાં રહ્યાં. આ જોઈ ગરબડ ગધેડો ફટાફટ સમ્રાટ સિંહ માટે સિંહાસન લઈ આવ્યો. સમ્રાટ સિંહ તો બેસી ગયાં, પરંતુ શીરી સિંહણ માટે બેસવાનું આસન ન હતું, એટલે ગરબડ ગધેડો પ્લાસ્ટિકની ખુરશી લઈ આવ્યો. આ જોઈ શીરી સિંહણ ગુસ્સે થઈ ગયાં. તેથી સમ્રાટ સિંહ ખુરશી પર બેઠા અને સિંહાસન પર શીરી સિંહણ બેસી ગઈ. હાશ કરીને ગરબડ ગધેડો, સીલી શિયાળ, પિમ્પો પોપટ, કલબલ કાબર અને કાલી કાગડો સમ્રાટ સિંહના આગળના ઓર્ડર માટે ઊભાં રહ્યાં.

'કોઈ જાઓ અને અમારા માટે સૌ પ્રથમ સૂપ લઈ આવો,' શીરી સિંહણે આદેશ આપ્યો.

સૌ પ્રથમ સૂપ લેવા ગઈ કલબલ કાબર. એ ઊડતી ઊડતી સૂપના કાઉન્ટર પર પહોંચી. સફેદ બાઉલ અને ચમચી લીધી. એક પગમાં બાઉલ અને ચાંચમાં ચમચી પકડીને સૂપ ભર્યો. પછી ઊડવાનું શરૂ કર્યું. એ દરમિયાન એની બહેનપણી ચુલબુલ કાબર પણ સાથે ઊડતી ઊડતી વાતો કરવા માંડી. કલબલ કાબર તો ચાંચમાં ચમચી હોવાથી ચૂપ રહી, પણ પછી બોલવા માટે ચાંચ ખોલી તો ચમચી નીચે પડવા માંડી. ચમચી પકડવા પગનો ઉપયોગ કરવા ગઈ તો સૂપનો બાઉલ છટકી ગયો. નીચે ઊભેલાં પ્રાણીઓ પર સૂપ ઢોળાઈ હો-હા મચી ગઈ. ગભરાયેલી કલબલ કાબર પાછી આવી ગઈ.

સીલી શિયાળ બોલ્યો, 'મહારાજ, ચિંતા ન કરો. હું લઈ આવું છું.' શિયાળ તો લુચ્ચું પ્રાણી! એ હાથીને મનાવીને એની ઉપર બેસી ગયો. હાથીની સૂંઢ પર બાઉલ રાખ્યો અને પોતાના હાથમાં ચમચી પકડીને સમ્રાટ સિંહ અને શીરી સિંહણ માટે સૂપ લઈ આવ્યો. બંને તેની ઉપર ખુશ થઈ ગયાં.

પછી સમ્રાટ સિંહે કહ્યું, 'હવે અમારે માટે પૂરું ભોજન લઈ આવો.'

ગરબડ ગધેડો, સીલી શિયાળ, પિમ્પો પોપટ, કલબલ કાબર અને કાલી કાગડો ભોજન લેવા ઊપડયાં. ગરબડ ગધેડાએ મોટી થાળી પકડી અને બીજા પ્રાણીઓએ તેમાં દાળ, ભાત, શાક, કચુંબર, રસગુલ્લાં, બાસુંદી, રોટલી અને પૂરી જેવી અનેક વાનગીઓ ભરી દીધી. એવામાં શું થયું બાળમિત્રો, કે બાસુંદી અને રસગુલ્લાંના સુગંધથી કીડીઓ આકર્ષાઈ. કીડીઓનું ઝુંડ ગરબડ ગધેડાને ઘેરી વળ્યું. કીડીઓ એના પગ પર ચડવા માંડી. ગરબડ ગધેડાને ગલીગલી થવા માંડી. કેટલીક કીડીઓએ એને ચટકા પણ ભર્યા. ગરબડ ગધેડો ચારે પગે ઉછળવા માંડયો અને આખા મંડપમાં દોડવા માંડયો.

એણે ટેબલો ઉથલાવી દીધાં, પાણીના જગ ઉછાળી દીધાં. ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું... જમવાના કાઉન્ટર પરથી વાનગીઓ વેરણછેરણ થઈ ગઈ... દાળ ઢોળાઈ ગઈ... બાસુંદી ઢોળાઈ ગઈ... ભાત વેરાઈ ગયો... રોટલીઓ ફેલાઈ ગઈ... પૂરી ઊડી ગઈ... આઈસ્ક્રીમની કોઠી ઉંધી પડી ગઈ... પ્રાણીઓ દોડતાં દોડતાં લપસી પડવા માંડયાં.

બધાં પ્રાણીઓ ગરબડ ગધેડાને પકડવા એની પાછળ દોડવા લાગ્યાં. ગરબડ ગધેડો તો ચારે પગે ઉછળી-ઉછળીને એવો દોડયો કે કોઈની પકડમાં જ ન આવે! આગળ આગળ ગરબડ ગધેડો અને પાછળ પાછળ બીજાં પશુપંખીઓ...

અફડાતફડી મચી ગઈ. મંડપનું કાપડ ફાટી ગયું. ટેકા નીકળી ગયાં. મંડપ ધરાશાયી થઈ ગયો. સમ્રાટ સિંહ, શીરી સિંહણ અને બીજા પ્રાણીઓ પર મંડપ નીચે દટાઈ ગયાં. ચારેબાજુ બુમરાણ મચી ગઈ.

સમ્રાટ સિંહે ત્રાડ પાડી, 'ક્યાં ગયો ગરબડિયો?'

ગરબડ ગધેડો કંઈ હાજર હોય? એ તો આ બધી ધમાલ જોઈને ક્યારનો અલોપ જ થઈ ગયો હતો!હ