રાવણની બહેન ભાભીબહેનનું રક્ષાબંધન
- મધપૂડો - હરીશ નાયક
રાવણને બે બહેનો હતી, શૂર્પણખા અને યમી: ૫ણ બંને બહેનો રક્ષાબંધન માટે લાયક ન હતી!
- બહેન સમક્ષ કબૂલાતનો આ પવિત્ર તહેવાર છે પણ જે કબૂલવા જ તૈયાર ન હોય, તેનું શું ?
- દયાવાન ભાઈને કોઈ પણ બહેન રક્ષા બાંધે, પણ આવા રાવણની બહેન કોણ બને ?
- ભાભીબહેન રાખડી બાંધવા તૈયાર થયા, પણ રાવણના બંને હાથે તો કફનમાં બંધાયેલા હતા !
ભગવાન શિવ શંકર.
અને રાવણની અજબ ગજબની દોસ્તી.
તેમને દુશ્મન દોસ્ત કહો,
કે દોસ્ત દુશ્મન કહો.
બંને એકબીજાને ઓળખે. છેતરેય ખરા અને છેતરાય પણ ખરા.
વિશ્વાસ મૂકે અને નિશ્વાસે ય મૂકે.
એક બીજાથી દૂર રહેવા પ્રયાસ કરે અને વખતોવખત એકબીજાની નજીક આવી જાય.
ફિટકારે, ધૂતકારે, પણ એકબીજા વગર ચાલે નહિ.
ઉપકાર કરે અને પડકાર ફેંકે.
એકબીજાથી ડરે ય ખરા અને એકબીજા વગર ચાલેય નહિ.
રાવણને માટે આ બધી વાતો ઘણી સાચી હતી.
એક વખત તેણે અનહદ તપ કર્યું.
રિવાજ મુજબ શિવજી પ્રસન્ન થયા. કહી દીધું:
'માગ માગ માગે તે આપું'
માગ્યુુ જ. રાવણનું તપ માગવા માટેનું હોય !
તેણે કહ્યું:'ભગવાન ભોળાનાથ મને એટલુંં બળ આપો, એટલું બળ આપો કે હું પહાડો ફેંકી શકું...'
શિવજી જે કહેવાનું ટેવાયેલા હતા, તે જ કહી દીધું:'તથાસ્તુ.'
રાવણને જે જોઈતું હતું તે મળી ગયું. પણ એમ ભરોસો મૂકી દે, તો રાવણ શાનો ? ખાત્રી કરવી જ રહી.
તેણે અહીંની અહીં ખાત્રી કરી.
હિમાલય નીચે હાથ નાખ્યા. ઊંચકયો હિમાલય જો હિમાલયને ઊંચકી શકાય તો વરદાન સાચું.
હિમાલયને ઊંચકવા માટે ઉપાડવો તો પડે જ ને !
ઉપાડયો હિમાલય.
ડગુમગુ થઈ ગયા શિવજી અને પાર્વતીજી.
પાર્વતી કહે:'ભગવાન ! તમે આને ક્યાં ફાવતું વરદાન આપી દીધું ? એ તો હિમાલય સાથે આપણને ય ફેંકી દેશે '
શિવજી હસ્યા. તેમણે પોતાની પલાંઠીનું વજન વધાર્યું. હિમાલય પર એટલો ભાર મૂકી દીધો કે હિમાલય જેમ હતો તેમ બેઠો પડયો.
રાવણના બંને હાથ હિમાલય હેઠળ દબાઈ ગયા.
તે ઊછળકૂદ અને રાડરાડ કરવા લાગ્યો. કકલાણનો પાર નહિ. રાક્ષસોના કંકલાણ પર કરડા અને ડરામણાં હોય છે.
રાવણ પીડાતો હતો પણ પ્રાર્થના શિવજીની જ કરતો હતો:'બચાવો ભગવાન, બચાવો. નહિ તો હું હાથ વગરનો બની જઈશ.હાથ વગર હું શું કરીશ ? પ્રાર્થના ય કરી શકું નહિ, પૂજા ફાવશે નહિ, તાળી તો પડાશે જ નહિ....'
એ બધા મોઢેથી મોટેથી નીકળેલા ઉદ્ગારો હતા પણ મનોમન તે બબડતો હતો:'તમારા જેવા દેવલાનો ટોટોય પીસી શકાય નહિ !'
થોડીવાર શિવશંકરે એને ટળવળવા દીધો. પાઠ શીખવવો તો બરાબર શીખવવો, પછી રાવણના આંસુ સરવા લાગ્યા. આંસુની નદી વહેવા લાગી. આંસુના ખાબોચિયામાં તે જ ખરડાવા લાગ્યો.
શિવજીએ મજા માણી, પછી દયા દાખવી.
પોતાનું વજન સાધારણ કરી દીધું. હિમાલયને જેવો હતો તેવો બનાવી દીધો. પહાડ હળવો ફૂલ બની ગયો.
રાવણના બંને છુંદાયેલા હાથ બહાર આવી ગયા.
'અલ્યા શિવલા !' રાક્ષસી ભાષામાં રાવણે લલકાર્યું:'આનો બદલો તો હું વાળીશ જ તું ભલે દેવલો રહ્યો, પણ તને પામર ન બનાવી દઉં તો મારું નામ રાવણ નહિ.'
રાવણ વૈદ્યચરક પાસે ગયો.
ચરક કહે:'હું વેદના ઓછી થવાની દવા આપીશ પણ આમાં/તો શલ્ય ચિકિત્સાનું કામ પડશે. તે સિવાય મૂળ હાથ મૂળિયા જેવા નહિ બને. હાથ રહેશે પણ ઝૂલતી ડાળીઓ જેવા બની જશે, ઝોલા ખાતી વેલી જેવા ઝૂલતા રહી જશે, જવું પડશે સુશ્રુતજી પાસે.'
શલ્ય ચિકિત્સક સુશ્રુત કહે:'રાવણભાઈ, આ તો કચુંબર છે.'
રાવણ કહે:'એટલે ?'
શલ્ય કહે:'કોઈ ભારે વજનદાર પાષાણ હેઠળ હાથ આવ્યા લાગે છે. હાડકાઓની કચુંબર થઈ ગઈ છે.'
વેદના સાથે ય વળ બતાવતો રાવણ કહે:'કચુંબર હોય કે રાયતું હોય ! તમારે આ હાથને પહેલાં જેટલાં જીવંત કરવા છે કે પછી ... ?'
સુશ્રુત કહે:'જેટલા વર્ષ તપ કર્યું હશે, એટલા વર્ષ પાટો બાંધી રાખવો પડશે. પાટાને ગળેથી લટકતો રાખવો પડશે. હાથ સારા ન થાય ત્યાં સુધી આ હાથે કોઈ પરાક્રમ, પડકાર, પુણ્ય કે પાપ થશે નહિ.'
રાવણ કહે:'પાપ પણ નહિ ?'
સુશ્રૂત કહે:'આ પાપનું જ તો પરિણામ છે હજી કેટલાક પાપ કરવા છે ?'
રાવણ કહે:'ઓ શૈલ્ય ચિકિત્સક, ઓ સુશ્રૂતજી ! ઉપાય શરૂ કરો. ગણત્રી બાજુએ રાખો, નહિ તો.. નહિ તો.. ઓય... ઊઈ.. વોઈ... !'
શલ્ય ચિકિત્સક સુશ્રૂતે રાવણના માથામાં એક જોરદાર ફટકો માર્યો. શૈલ્ય ચિકિત્સા માટે દર્દી બેહોશ બેભાન બેશુદ્ધ હોય એ જરૂરી છે. તોજ શૈલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ અને હાડજોડાણ શાંતિથી વિના અવરોધ થઈ શકે.
તે જમાનામાં બેહોશી માટેનો એજ ઉપાય હતો. તે સિવાયની કોઈ બીજી ચિકિત્સા શોધાઈ નહતી.
જેટલી વાર દર્દીને અમૃત રાખવાની જરૂર હોય તેટલા જોરથી ફટકો મારવામાં આવતો. જો ફટકાની માત્રા વધારે ઓછી થઈ જાય તો ય શલ્યમાં અવરોધ ઊભો થઈ શકે.
સુશ્રૂતશ્રી પોતાના કામમાં નિપૂણ અને નિષ્ણાંત હતા.
રાવણ ભાનમાં આવ્યો ત્યારે બંને હાથ ધોળા પાટામાં બંધાયેલા હતા. અને આખા દેહને ધોળા કફનમાં બાંધી દીધો હતો.
તેણે સુશ્રૂતજીને પૂછયું:'આ બંધન કેટલા દિવસ રહેશે ?'
સુશ્રૂત કહે:'ઓછામાં ઓછો એક મહિનો.' ખળભળેલો રાવણ ગુસ્સે થયો. ગદા ઊગામી તે સુશ્રૂતના માથામાં મારવા ગયો. પણ હાથ જ ક્યા હતા કે ગદા પકડી શકે ? અરે હાથ વગર તે ખાઈ પીઈ શકે તેમ જ ન હતું. તેની લાચારીનો પાર ન હતો.
તેણે ઘરઘરાટી સાથે શલ્ય ચિકિત્સકને પૂછ્યું:'એથી વહેલા હાથ નહિ છૂટે ?'
'ના' સુશ્રૂતજી કહે:'એ તો હૈયાના કર્યા તે હાથે વાગ્યા. અને કદાચ કોઈ ચમત્કાર થાય તો ભગવાન શિવશંકર જ તે કરી શકે તેમનાં હાથ કચડવાની તાકાત છે તો કચડાયેલા હાથને સારા કરવાની ય યુક્તિ છે. તેઓ મંત્ર તંત્ર જંત્ર ભૂવા ભસળોના એવા ભોમિયા છે કે, જાદુગર જ કહેવા પડે.'
રાવણ કહે:'ચમત્કાર તો એ શું, હું જ એને બતાવીશ. હું એની પાસે ભીખ માગવા કદી નહિ જાઉં'
સુશ્રૂત કહે:'અને વરદાન માગવા જાવ છો એને શું કહેશો ? ભીખ કે શીખ ?'
રાવણ ને સુશ્રૂત ઉપર પણ એટલો ગુસ્સો ચઢતો હતો કે તેનો ટોટો પીસી દે. પણ એ માટે હાથ જોઈએ એ હાથ તો તેણે જ કફનમાં વીંટાળી દીધા હતા.
'હવે આ કફનમાંથી મુક્તિ ક્યારે મળશે, એ તો કહો શલ્ય ચિકિત્સકજી ?'
રાવણે અકળાઈ જઈને પૂછ્યું હતું. જવાબમાં સુશ્રૂત કહે:'એક મહિને ઉઘાડીને જોવું પડશે. જરૂર પડે બીજો પાટોય બાંધવો પડે તે પછી... ?'
એવો ખળભળ્યો રાવણ કે પૂછી બેઠો:'ત્યાં સુધી હું આજ દશામાં રહું કેવી રીતે ? હાથે તે સાથે કહો છો પણ હાથ જ ના હોય, તેની સાથે વળી શું અને કોણ ?'
સુશ્રૂતે જ માર્ગ બતાવ્યો:'કુબેર ભંડારી અહીંજ રહે છે. ભલે સાવકા રહ્યા પણ આપના ભ્રાતા છે. મનમાં કઈ રાખે તેવા નથી...'
રાવણે જ લંકામાંથી એ ભાઈને કાઢી મૂક્યા હતા. સોનાની લંકાનું સર્જન તો કુબેરભાઈએ જ કહ્યંુ હતું. રાવણે તો પોતાની રીત મુજબ એ સુવર્ણ લંકા આંચકી જ લીધી હતી. કુબેર ભંડારીએ પછી ભગવાન શિવશંકરની સહાયથી હિમાલયમાં જ કુબેરનગર વસાવ્યું હતું. તે પણ સુવર્ણનું.
હવે ધૂતકારેલા ભાઈ પાસે યાચના કરવા જવાય કંઈ ? થૂંકેલું ચાટવા જ જેવું કહેવાય ને ? ગરજ વખતે ગરદભને પણ પિતાશ્રી કહેવાનો રિવાજ છે. ત્યારે એ તો ભાઈ હતો, ભલેને હડસેલાયેલો ?
'ભાઈ ! ભાઈ !' કહીને કુબેર ભંડારીએ તો રાવણનું હાર્દિક સ્વાગત કર્યું. કુબેર કામિનિ, કુબેરાણી ઊર્ફે ભાભીશ્રીએ તો વળી વધારો ઊમળકો બતાવ્યો.
રાવણ કહે:'હું અપંગ છું. અ-હાથ છું. લાંબો સમય મારે રહેવું પડશે. મારી સેવા સુશ્રૂષા આકરી અને અધૂરી અને મુશ્કેલ અને...'
કુબેરાણી કહે:'દિયરજી રાવણજી, આજથી આપની બધ્ધી જવાબદારી અમારી. તમને સાજા સામા કરીને નહિ મોકલીએ ત્યાં સુધી અમે શિવભક્ત નહિ. આપના ભાઈ-ભાભી નહિ...'
અને પછી ખરેખર ભાભીજીએ તો એવી ખરેખરી સેવા સુશ્રૂષા કરી કે હાથ વગરના રાવણના હાથ સળવળવા લાગ્યા. બંધનમાંથી બહાર નીકળવા અધીરા બની ગયા.
બે થી ત્રણ વખત રાવણને સુશ્રૂતનો આસરો લેવો પડયો. લગભગ સારા થયેલા રાવણને લાગ્યું કે હવે વિદાય લેવી જોઈએ કુબેર ગૃહેથી.
ત્યાં જ પેલા તંબૂરાવાદ્ય વાહક પધાર્યા. સંગીત રણકાવીને નારદજી કહે:'રાવણશ્રેષ્ઠ, રક્ષાબંધનના પવિત્ર દિવસ છે. શું બહેનને હાથે રક્ષા બંધન વગર જ જતા રહેવા ચાહો છો ?'
'ભાભી-બહેન !' હા રાવણ, કુબેરાણીને એ જ સાદે સંબંધ તો હતો.
રક્ષાબંધનને દિવસે બહેને જ. એટલે કે ભાભી-બહેને જ તેને બંધન-મુક્ત કર્યો હતો.
રાવણને એમ તો બે પોતાની બહેનો હતી જ, સૂર્પણખા અને યમી.
પણ બંને ભગિનિઓ આશીર્વાદ આપવાને લાયક ન હતી. તેમનો એ ગુણ ન હતો, સ્વભાવ ન હતો.
રાવણ પોતાની પરિશ્રમી પરોપકારી અને પરમ, ભાભી-બહેનને કહે:'ભાભી બહેન ! રાખી બાંધો.'
ભાભી બહેન રાખડી બાંધેય ખરી. પણ હજી રાવણના હાથ ક્યાં મુક્ત હતા ?
કુબેરાણી ઊર્ફે ભાભીબહેન કહે:'દિયરજી, આ સંજોગોમાં તો દેવી પાર્વતી જ આપને રક્ષાબંધન કરી શકે.'
'એનું નામ ન લેશો ! રાવણે કહી દીધું.'
પણ છૂટકો ન હતો. તે પહોંચ્યો દેવી પાર્વતી પાસે. નમ્રતાથી કહે:'દેવીજી, મને બંધન મુક્ત કરી શકો છો ?'
પાર્વતી કહે:'ચરકદેવ અને સુશ્રૂતદેવની રજા-મંજૂરી મળે તો જ.'
બધા હાજર થયા. સુશ્રૂતશ્રી કહે,:'રાવણજી જો ભગવાન શિવશંકરની કૃપા થાય તો જ...'
હજી એકદમ હાથ નૈસર્ગિક બનવાના બાકી હતા. ઉપચાર સાથે દેવકૃપા જરૂરી હતી.
રાવણને શિવની કૃપા માટે સંકોચ થતો હતો.
પણ ભોળાનાથ તો ભોળા હતા. તેઓ કહે:'ચરકદેવ, સુશ્રૂતદેવ, નારદદેવ, કુબેરદેવ અને મહારાણીશ્રી કુબેરાણીજીની સંમતિ હોય....'
સંમતિ બધાની હતી. પણ ચરક કહે:'શરત એટલી જ કે રાવણ પછી એક સર્વ સમૃદ્ધ ચિકિત્સાલય બનાવી દે...'
સૂશ્રૂતદેવ કહે:'અને સ્વયં સંપૂર્ણ શષ્ય-ચિકિત્સાલય બનાવી દે...'
નારદજી કંઈ કહેવા જતા હતા ત્યાં જ રોષે ભરાયેલા રાવણે કહ્યું:'ચૂપ. હું બધા માટે બધું બંધાવી દઈશ. અરે પાઠશાળા, વિજ્ઞાાનશાળા, ધર્મશાળા, અવકાશી-સંશોધન-શાળા બધું જ બંધાવી દઈશ. પહેલાં મને મુક્ત તો કરો.' સાથે જ મનોમન અંદરખાનેથી ઓચર્યો:'વચન આપવામાં આપણાં બાપનું શું જાય છે ?'
બધા વિધિ-વિધાન પત્યા.
ચમત્કાર થયો જ શિવજીની કૃપાનો
મુકત થયા હાથ
ભાભીબહેને આજે ખરેખર, ખરેખર જ રાવણભાઈને હાથે રાખડી બાંધી. એ રક્ષાબંધન એવું અનોખું, અનેરૂં અને અદ્ભૂત હતું કે સ્વર્ગમાંથી સુંગંધિત પારિજાત પુષ્પોની હર્ષવર્ષા ચાલી રહી.