કાચની કમાલની રચના : લેન્સ
કા ચ પારદર્શક છે તેમાંથી પ્રકાશનાં કિરણો પસાર થાય છે એટલે કાચની આરપાર જોઈ શકાય છે. કાચ સામાન્ય ચીજ છે પણ તેના ઉપયોગો ઘણા છે. એકસરખી જાડાઈનો કાચ ઘણા સાધનોમાં વપરાય છે પરંતુ સપાટીમાં થોડોક જ ફેરફાર થાય તો કમાલના ઉપયોગ થઈ શકે.
પ્રકાશના કિરણ સીધી લીટીમાં ગતિ કરે છે. કાચમાંથી પણ સીધી લીટીમાં પ્રવેશે પરંતુ થોડા વંકાઈને બહાર આવે. પારદર્શક માધ્યમમાંથી પસાર થતાં કિરણો થોડા વંકાય છે. કાચની સપાટી વચ્ચેથી ઉપસાવેલી હોય તો પ્રકાશના કિરણો વક્રીભવન પામી એક બિંદુ પર એકઠા થાય. આવા ગોળાકાર કાચને લેન્સ કહે છે.
વચ્ચેથી ઉપસેલા ગોળાકાર કાચને બહિર્ગોળ લેન્સ અને વચ્ચેથી પાતળા પણ કિનારીએથી ઉપસેલા કાચને અંતર્ગોળ કાચ કહે છે. આ બે પ્રકારના અરિસા પણ બને છે. આપણી આંખમાં પણ લેન્સ જ હોય છે.
મેગ્નિફાઈંગ ગ્લાસ બહિર્ગોળ કાચ છે જેમાંથી વસ્તુ મોટી દેખાય છે.
લેન્સનો સૌથી વધુ ઉપયોગ ટેલિસ્કોપ અને માઈક્રોસ્કોપમાં થાય છે. વિવિધ જાડાઈના અનેક લેન્સનો ઉપયોગ થાય છે. કેમેરામાં લેન્સની જ મુખ્ય ભૂમિકા છે.
ખરબચડી પેટર્નવાળા જાડા લેન્સને ક્રેનેલ કહે છે. તે નાના લેન્સનો સમૂહ છે તે પ્રકાશનો ધોધ વહાવે છે. કારની લાઈટમાં ક્રેનેલ લેન્સ હોય છે.
લેન્સની જાડાઈ પ્રમાણે તેના માપ હોય છે. કેટલા માપનો લેન્સ કેટલે દૂર પ્રતિબિંબ પાડે તે નિશ્ચિત હોય છે.