- વાંદરાભાઈએ નાક પર હાથ ફેરવ્યો, ઘૂળ ખંખેરીને બોલ્યા, 'હું તો જંગલનો હીરો છું! આ સઘળો દીવાળીનો સામાન મારી મહેનતથી મળ્યો.'
- ડો. પારુલ અમિત 'પંખુડી'
ઘણે દૂર એક હરિયાળું જંગલ હતું. ત્યાં બધા પ્રાણીઓ મિત્રો જેમ રહેતા. દિવાળી હવે સાવ નજીક આવી ગઈ હતી. હાથીરાજે બધાને બોલાવ્યાં, 'મિત્રો! આવો, આપણે જંગલમાં દિવાળી ઉજવીએ. સૌ પ્રથમ સફાઈ કરીએ.'
બધા ખુશ થઈ ગયા. મોરે પાંખ ફફડાવીને કહ્યું, 'હા, દિવાળીનો અર્થ છે સફાઈ, પ્રકાશ અને ખુશી.'
બધા સફાઈમાં લાગી ગયા. સસલાએ પાંદડાં ભેગાં કર્યા, હરણોએ રસ્તો સાફ કર્યો. વાંદરાભાઈ નાચતાં-કૂદતાં બોલ્યા, 'હું તો સૌથી ઊંચી જગ્યા સાફ કરીશ. ક્યાંય કોઈ બાવાજાળાં બાકી ન રહે!'
અને તરત જ ઝટપટ માળિયા પર ચડી ગયા.
'અરે સાવધાન!' મોરે ચીસ પાડી.
પણ વાંદરાભાઈ તો મસ્તીમાં બોલ્યા, 'હું વાંદરો છું, મને શું થશે!'
સફાઈ કરતાં કરતાં અચાનક વાંદરાભાઈ માળિયામાં ફસાઈ ગયા. હાથમાં ઝાડુ, મોઢા પર ધૂળ અને અજીબોગરીબ હાવભાવ! બધાં પ્રાણીઓ હસી પડયાં.
'હાહાહા! જુઓ, વાંદરાભાઈ જાળામાં જ લટકી ગયા!' સસલાએ બાજુમાં ઊભેલાં મોરને ટપલી મારી.
ફસફસ કરતાં વાંદરા ભાઈ બહાર નીકળવા લાગ્યા. ત્યાં અચાનક તેમને એક જુના ડબ્બા જેવું કંઈક હાથ લાગ્યું.
'અરે આ શું છે?'
તેમણે ડબ્બો ખોલ્યો તો અંદર સરસ મજાના નાના માટીના દીવા હતા, રંગોળીના રંગો હતા, ડેકોરેશનનો કેટલોય સામાન હતો.
હાથીરાજે ખુશીથી કહ્યું, 'વાહ! આ તો અમૂલ્ય ખજાનો છે. હવે આપણે આ સામાનનો ઉપયોગ કરી શકીશું.'
વાંદરાભાઈએ નાક પર હાથ ફેરવ્યો, ઘૂળ ખંખેરીને બોલ્યા, 'હું તો જંગલનો હીરો છું! દીવા અને આ સઘળો દીવાળીનો સામાન મારી મહેનતથી મળ્યો.'
બધાએ ફરી હસી કાઢયું, 'હીરો કે મસ્તીખોર, પરંતુ તારી મસ્તીથી અમને કામ આવી.'
બધાએ તે દીવા સાફ કરીને આખા જંગલમાં પ્રગટાવ્યા. નદી કિનારે દીવાની કતારો ચમકવા લાગી. તારાઓ પણ આકાશમાં ઝગમગવા લાગ્યા. ઝાડના થડ પર, ડાળીઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું.
સસલાએ કહ્યું, 'જુઓ, નટખટ વાંદરાભાઈનાં કારણે જ આપણને દીવા મળ્યા, રંગો મળ્યા, સુશોભન કરવાની ચીજવસ્તુઓ મળી. ક્યારેક મસ્તીમાંથી પણ સારી વસ્તુ મળી જાય.'
ચકલી, હરણ, મોર, ઘુવડ બધા આનંદપૂર્વક ગીતો ગાવા લાગ્યાં.
વાંદરાભાઈ માળિયામાં કેવા ફસાઈ ગયા હતા એ રમૂજી ઘટના યાદ કરતાં કરતાં ને હસતાં હસતાં જંગલના પ્રાણીઓએ દિવાળી ખૂબ મજા કરીને ઉજવી.
દીવા પ્રગટાવ્યા, મીઠાઈ વહેંચી અને એકબીજાને કહ્યું, 'દિવાળીનો સાચો પ્રકાશ તો હાસ્ય, મિત્રતા અને પ્રેમમાં છે.' હેપી દિવાળી...!


