For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અકકરમીનો પડીયો કાણો .

Updated: Sep 16th, 2022

Article Content Image

- કરશનદાસ ઘી પીરસનારની રાહ જોવા લાગ્યા. પણ હાય રે નસીબ! ઘી પીરસનારે કરશનદાસના પતરાળામાં વાસણ ઊંધું વાળ્યું, પણ અંદર ઘી હોય તો પડેને? પિરસણીયો તો 'ઘી ખલ્લાસ' કહીને જતો રહ્યો. 

- યુસુફ મીર

એ ક ગામમાં એક બ્રાહ્મણ રહે. એમનું નામ કરશનદાસ. કરશનદાસ ખૂબ જ ગરીબ. કર્મકાંડ ઉપર આધાર રાખે. હવે ગામડામાં તો કેટલા કર્મકાંડ પ્રસંગ આવે? એટલે કરશનને મિષ્ટાન ખાવાનું તો મળે જ શાનું? લુખ્ખુ સુક્કુ જે હોય તેનાથી ચલાવી લેવું પડે. આવામાં ભોજનમાં ઘીની આશા તો રખાય જ શાની? એટલે કરશનદાસ ગામમાં કોઈને ત્યાં લગ્ન કે બારમાની રાહ જ જોતા હોય. જેના ત્યાં ખુશીનો કે દુખનો જમણવાર હોય ત્યાં કરશનદાસ સૌથી પહેલા પહોંચી જતા અને પંગતમાં મોકાની જગા શોધીને બેસી જતા.

આવા જ એક પ્રસંગે કરશનદાસ જમવા ગયા. જમણવાર મુખીના ત્યાં હતો એટલે કરશનને એમ ઘી તો હશે જ. ઘી પીરસનારે પોતાને ભૂલી ન જાય એટલે પંગતની પડે ત્યારે સૌથી આગળ  જ તે આસન જમાવતા... પણ કહે છે ને કે અકરમીનો પડીયો કાણો! મુખીના ત્યાં જમણવારમાં કરશનદાસ જે બાજુ પહેલા બેઠા હતા તેનાથી ઊંધી દિશાએથી ઘી ઘી પીરસારે પીરસવાનું શરૂ કર્યું! કરશનદાસ અકળાયા, પણ શું કરે? એ ઘી પીરસનારની રાહ જોવા લાગ્યા. પણ હાય રે નસીબ! ઘી પીરસનારે કરશનદાસના પતરાળામાં ઘીનું વાસણ ઊંધું વાળ્યું, પણ અંદર ઘી હોય તો પડેને? ઘી પીરસનાર અને કરશનદાસ ઓશિયાળા મોઢે એકબીજા સામું જોઈ રહ્યા. ઘી પીરસનાર તો 'ઘી ખલ્લાસ' કહેતા જતો રહ્યો. કરશનદાસ ઘી વગરનું જમણ પુરું કરી નિરાશ ચહેરે ઘર તરફ ચાલતા થયા.

કરશનદાસે વિચાર્યું : 'હશે, હજુ સાંજનો જમણવાર બાકી છેને? બંદા બન્ને છેડે નહીં, પણ પંગતની વચ્ચેવચ્ચ બેસશે એટલે ગમે તે છેડેથી ઘી પીરસનાર આવે, વચ્ચેવાળાને તો ઘી મળે મળે ને મળે જ.'

આશામાં ને આશામાં એમણે સાંજ પાડી. રાત્રીના જમણવારમાં કરશનદાસ ત્રીજી પંગતમાં વચ્ચોવચ્ચ બેઠા અને વિચારવા લાગ્યા કે અત્યારે તો ઘી મળશે જ, પણ અકરમી કરશનદાસના કરમ વાંકા હતા. એમના નસીબમાં આજે પણ ઘી ન્હોતું. બન્યું એવું કે ઘી પીરસનારે બન્ને છેડેથી ઘી પીરસવાનું નક્કી કર્યું. રાજી થયા કે ચલો આજે તો આપણને ચોખ્ખુ ઘી ખાવા મળશે જ. બેમાંથી એક જણતો મને ઘી પીરસશે જ.

પણ હાય રે નસીબ! કરશનદાસનો નંબર આવતાં જ બન્ને ઘી પીરસનારની દોણીમાં ઘી ખલ્લાસ થઈ ગયું! બન્ને જણાએ કરશનદાસની પતરાળામાં દોણી ઊંધી વાળી, પણ અંદર ઘી હોય તો પડેને? 

કરશનદાસ કહે, 'જરાક વધુ દોણી ઉંધી વાળોને?' 

પિરસણીયો કહે, 'ઘી ખલાસ થઈ ગયું છે. હવે તો બાકી રહેલો ડોળ (મેલો રગડો) છે. જોઈતો હોય તો એ આપું !' 

કરશનદાસ ફિક્કુ હસી કહે : 'ના, ના ડોળિયામાં શું ખાવાનું?' 

કરશનદાસને ઓળખતો  બીજો બ્રાહ્મણ મોટેથી બોલ્યો :

'કરમ વિનાનો કરશનીયો, કરમી ક્યાંથી થાય?'

કરમમાં લખ્યું હોય ડોળિયું તો ઘી ક્યાંથી ખવાય?' કરશનદાસ લુસ લુસ ખાઈ પોતાના નસીબને કોસતા ઘરભેગા થયા.

Gujarat