માટીનું ઋણ .
- ''દાદા! આ બધું તો અમે મોટાં થઇએ ત્યારે ઘણાં વર્ષો પછી કરી શકીએ. અમારે તો અત્યારે માટીનું ઋણ ચૂકવવું છે, તો તે માટે શું કરી શકીએ?''
ફ્રે યા અને ભવ્ય નામના બે બાળકો હતાં. મધુવન સોસાયટીમાં તેનાં મમ્મી-પપ્પા સાથે રહે.
જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં હતો. મેળો કરવા માટે ગામડેથી ફ્રેયા અને ભવ્યનાં દાદા અને દાદી જેનું નામ કેશવબાપા તથા કેસરબા આવ્યાં. કેશવબાપા આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાની. મજબૂત અને ખડતલ બાંધો. ખુમારી એમના ચહેરા પર ચમકે. એસી વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે એવી છટાદાર ચાલ.
કેશવબાપાએ આવતાની સાથે જ બગીચામાં લટાર મારી. માળીકાકા સાથે ફૂલછોડની માવજતનું કામ સંભાળી લીધું.
દરરોજ રાત્રે ફ્રેયા અને ભવ્યની સાથે બેસે. સોસાયટીનાં બાળકો પણ આવી બેસે. દિવસ હોય કે રાત, દાદા સૌને નિત નવી વાર્તાઓ સંભળાવે. ગામડાની ભુલાઈ ગયેલી મેદાની રમતો રમાડે. ક્યારેક ધમાલ ગોટો, છપ્પો કે સાતતાળી, તો ક્યારેક મોઇ દાંડિયા, ખો ખો કે કબડ્ડી, લંગડીદાવ ને પકડદાવમાં બાળકો ને ધમાલ કરવાની ખૂબ મજા પડે. વાર્તા સાંભળી અને નવી નવી રમતો રમી બાળકો ખુશ. બાળકોનાં માતા-પિતા પણ ખુશ.
તેમાં ૧૫મી ઓગસ્ટ આવી. આ સ્વાતંત્ર્ય દિને સોસાયટીના સભ્યોએ ભેગા મળી કેશવબાપા પાસે ધ્વજવંદન કરાવ્યું.
કેશવબાપાએ સ્વાતંત્ર્ય દિનનું મહત્વ સમજાવતાં કહ્યું ''મને ગૌરવ છે કે, હું આ ધરતી પર જનમ્યો. એની માટીનું ઋણ ચૂકવવાની મને તક મળી તે બદલ ધન્યતા અનુભવું છું.'' બાળકો એક ધ્યાનથી કેશવબાપાનું વક્તવ્ય સાંભળી રહ્યાં હતાં.
રાત્રે બધાં બાળકો ભેગાં થયાં ત્યારે ફ્રેયાએ દાદાને પૂછ્યું, ''દાદા! માટીનું ઋણ એટલે શું ?''
દાદા કહે, ''વાહ દીકરા. હું સવારથી એ જ વિચારતો હતો કે બાળકોએ માટીના ઋણ માટે કોઇ જિજ્ઞાાસા કેમ ન દાખવી?''
બધાં બાળકો એક સાથે બોલી ઊઠયા ''દાદા, દાદા! અમને પણ જાણવું છે, માટીનું ઋણ એટલે શું ?''
દાદાએ બધાં બાળકોને વ્હાલથી હાથ પસરાવતાં કહ્યું, ''આપણો જન્મ જે ધરતી પર થયો તે ધરતીનું આપણા માથે ઋણ ચડયું કહેવાય. વર્ષો પહેલા આપણા ભારત દેશની ધરતી વિદેશીઓના હાથમાં હતી. આપણા દેશમાં અંગ્રેજો રાજ કરતાં હતાં. આપણે સૌ અંગ્રેજોના ગુલામ હતા. આપણા ભારત દેશને વિદેશીઓના હાથમાં આઝાદ કરાવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ રીતે આ માટીનું ઋણ મેં ચૂકવ્યું.''
દીપુ કહે, ''દાદા, તમે તો આઝાદીની ચળવળમાં ભાગ લઇને માટીનું ઋણ ચૂકવ્યુ. અમારે ઋણ ચૂકવવું હોય તો શું કરીએ ?''
દાદા કહે, ''દીકરાઓ! તમે ભણી-ગણીને મોટાં થાઓ ત્યારે તમારી આવડતનો લાભ વિદેશીઓને ના આપશો. આપણા દેશવાદીઓ, સમાજને તેનો લાભ આપવો જોઇએ. ગ્રામ્ય વિકાસમાં સક્રિય ફાળો આપવો જોઇએ. શૈક્ષણિક ક્ષેત્રે નવું સંશોધન કરજો. સામાજિક અને ધાર્મિક કાર્યમાં યથાયોગ્ય ફાળો આપજો. એ રીતે માટીનું ઋણ અદા કરી શકાય.''
ભવ્ય કહે, ''દાદા! આ બધું તો અમે મોટાં થઇએ ત્યારે ઘણાં વર્ષો પછી કરી શકીએ. અમારે તો અત્યારે માટીનું ઋણ ચૂકવવું છે, તો તે માટે શું કરી શકીએ ?''
દાદા બાળકોનો આ ઉત્સાહ અને જાગૃતિ જોઇ આનંદિત થઇ ગયા. ખુશખુશાલ થઇ બોલ્યા, ''મારા પ્યારા બાળકો! આ ધરતી માતાને હરિયાળી અને સ્વચ્છ રાખી તમે માટીનું ઋણ ચૂકવી શકો.''
બાળકો એ સાંભળીને હરખાયાં.
ફ્રેયા કહે, ''દાદા! અમે ધરતીને હરિયાળી અને સ્વચ્છ રાખવા શું કરીએ ?''
દાદા કહે, ''આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. તેની જમીન એટલી ફળદ્રુપ છે કે તમે એક બીજ વાવો તો તેના અનેક દાણા કરીને તમને પાછા આપશે. તમે રોજ જે ફળફળાદી બોર, ચીકુ, પપૈયા, જાંબુ વગેરે ખાઓ છો. તેના ઠળિયા કચરામાં ફેકી દો છો, તેના બદલે તેને ભેગા કરી સૂકવી દો. તમે ક્યાંક ફરવા જાઓ ત્યાં તેને વેરી દો. આપોઆપ ધરતી માતા તેનો ઉછેર કરશે. સ્વચ્છતા માટે જ્યાં ત્યાં કચરો પડેલો હોય તે ઉપાડી લેવાનો. બીજાને પણ કચરાપેટીમાં કચરો નાંખવા સમજાવી શકાય. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઇએ.'' અને દાદાએ રોજબરોજની એવી ઘણી વાતો કરી, જેમાં માનવ માત્રની ઘણી બેદરકારીથી વિવિધ ગંદકી થતી રહે, પરિણામે આ ધરતી પ્રદૂષિત થાય.
દાદાની વાત સાંભળી બધાં બાળકો કહેવા લાગ્યાં, ''અરે વાહ! આ તો ખૂબ જ સરળ અને સુંદર કાર્ય છે.''
ફ્રેયા કહે, ''અમે કાયમ સ્વચ્છતા જાળવીશું.''
ભવ્ય કહે, ''પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું.''
દીપુ કહે, ''ધરતીને હરિયાળી બનાવીશું.''
શ્રેયા કહે, ''એવી રીતે માટીનું ઋણ ચૂકવીશું.''
બધાં બાળકો એક સાથે ગાવા લાગ્યાં :
''સ્વચ્છતા અમે જળવશું,
પ્લાસ્ટિક ઉપયોગ ટાળીશું,
ધરા હરિયાળી બનાવીશું,
માટીનું ઋણ ચૂકવીશું.''
બાળકોની વાતો સાંભળી દાદા રાજીના રેડ થઇ ગયા.
બીજે દિવસે કેશવબાપા, બાળકો અને સોસાયટીના સભ્યોએ સાથે મળી સોસાયટીમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કર્યું.
દિવાળી વેકેશનમાં બધાં બાળકો શાળામાંથી પ્રવાસે ગયાં, ત્યારે ભેગા કરેલા ફળોના ઠળિયા સાથે લઇ ગયા. રસ્તામાં પ્રવાસના સ્થળે ઠળિયા વેરતાં વેરતાં પ્રવાસની મજા માણી.
બાળકોને આ રીતે ફળોના બીજ ધરતી પર પાથરતાં જોઇ શિક્ષકો આશ્ચર્યચકિત થઇ ગયા. બીજા બાળકોને પણ એમાંથી પ્રેરણા લેવા સમજાવ્યું. બધાં બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
બાળકોના ચહેરા માટીનું ઋણ ચૂકવ્યાનાં સંતોષથી ઝળહળી ઊઠયા.
- હેમુબેન મોદી