Get The App

લોભી શેઠ .

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
લોભી શેઠ                               . 1 - image

- 'શેઠ, જો તમે મારા એક પ્રશ્નનો સાચો ઉત્તર આપશો તો હું તમને બમણું વ્યાજ આપીશ, પણ જો તમે કોયડાનો સાચો ઉત્તર ન આપી શકો તો તમારે વ્યાજ સંપૂર્ણ માફ કરવું પડશે.' 

- મેહુલ સુતરિયા

સુંદરપુર નામના એક નાનકડા ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠની પાસે પુષ્કળ પ્રમાણમાં જાહોજલાલી હતી. શેઠ આખા ગામમાં સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ હતા. પરંતુ શેઠ બહુ લોભી હતાં. કોઈ લાચારીનું માર્યું તેમની પાસે પૈસા લેવા આવે તો શેઠ ખૂબ વધારે વ્યાજ વસૂલતા. બિચારા લોકો કરે પણ શું ? જરૂર હોય એટલે પૈસા તો લેવા પડે! શેઠ પૈસાના બદલામાં તેમની પાસેથી સહી કરાવી લેતાં.

શેઠ ખૂબ ધનવાન હોવાછતાં પણ દાન-પુણ્યના કામમાં ખૂબ પાછાં. ગામમાં કોઈ ધામક કાર્ય હોય તોપણ શેઠનો હાથ હંમેશા પાછો રહે. ગામલોકોને શેઠની આ ટેવ બિલકુલ ન ગમતી પણ તેમને કહેવાની કોઈ હિંમત કરતું નહિ, કારણકે વાર-તહેવારે લોકોને શેઠની જરૂર પડતી.

શેઠની પેઢીનો વ્યવહાર આજુબાજુના ગામોમાં પણ ચાલતો. એક દિવસ બાજુના ગામમાંથી એક વ્યક્તિ શેઠ પાસે પૈસા લેવા આવ્યો. શેઠે તેને નાણા ધીરવાની શરતો સંભળાવી. પૈસા લેવા આવનાર વ્યક્તિ ખૂબ હોશિયાર હતો. તેણે શેઠને કહ્યું, 'શેઠ, જો તમે મારા એક પ્રશ્નનો સાચો ઉત્તર આપશો તો હું તમને બમણું વ્યાજ આપીશ, પણ જો તમે કોયડાનો સાચો ઉત્તર ન આપી શકો તો તમારે વ્યાજ સંપૂર્ણ માફ કરવું પડશે.' શેઠ તો બમણું વ્યાજ સાંભળીને ખુશ થઈ ગયાં. તેમણે  સંમતિઆપી.

નાણા લેનાર વ્યક્તિએ પ્રશ્ન પૂછયો-

દાન - ધરમ જે કરે નહિ,

ચાહે પૈસે હો લાખ,

અર્પણ ઈશ્વર કો ક્યા કરે,

જો મન સે હો કંગાલ...!

શેઠ તો આ પ્રશ્નને સાંભળીને તેના જવાબ વિશે વિચારવા લાગ્યાં. થોડીવાર વિચાર્યા બાદ શેઠને ખ્યાલ આવી ગયો કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે! 

શેઠે પેલી વ્યક્તિનો તેમની આંખો ખોલવા બદલ આભાર માન્યો. તે દિવસથી શેઠ દાન-પુણ્યના કામમાં પૈસા વાપરવા લાગ્યા.

શેઠના વર્તનમાં અચાનક આવેલા પરિવર્તનથી ગામલોકો પણ ખુશ થયા.