Get The App

લાલચુ માછીમાર .

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
લાલચુ માછીમાર                                     . 1 - image


- માછીમાર પોતાની હોડીમાં આવ્યો. એ પોતાની જાળ પાણીમાં નાખવા જાય તે પહેલાં જ મોટી માછલી એની પાસે જઈને બોલી, 'માછીમારભાઈ, એક મિનિટ. તમે અમને તમારી જાળમાં ફસાવીને લઈ જાવ એ પહેલાં હું તમને કશુંક કહું?'

- ગાયત્રી જાની

એક વિશાળ અને ઊંડો દરિયો હતો. તેમાં જાતજાતની રંગબેરંગી સરસ મજાની માછલીઓ રહેતી હતી. નાની-મોટી સૌ માછલીઓ પાણીમાં છબછબિયાં કરે, તો ક્યારેક પાણી ઉડાડે ને આનંદ કરે. દરિયાના તળિયે માછલીઓનું ઘર હતું, પરંતુ ક્યારેક ક્યારેક મસ્તી કરવા દરિયામાં ઉપર સુધી આવી જતી. માછલીઓના એક વડીલ દાદા હતા. એમની વાત સૌ કોઈ માનતા. એમની પાસે બધી સમસ્યાઓનો ઉપાય મળી જાય! 

માછલીઓને એક વાતનું દુખ હતું. એક માછીમાર રોજ પોતાની હોડીમાં આવતો ને જાળ નાખીને કેટલીક માછલીઓને તેમાં ફસાવીને લઈ જતો. જાળમાં ફસાવાથી બચી ગયેલી માછલીઓને ઉદાસ થઈ જતી. એક વખત એવું બન્યું કે નાની-મોટી બધી માછલીઓ પાણીમાં મોજમસ્તી કરતી હતી ત્યાં માછીમાર આવ્યો. અનેે જોઈને મોટી મોટી માછલીઓ પોતાનો જીવ બચાવીને દરિયામાં ઊંડે સુધી જતી રહી, પણ નાની માછલીઓ ને એમનાં બચ્ચાં માછીમારની જાળમાં ફસાઈ ગયાં. માછીમારે એમને પોતાની સાથે લઈ ગયો. 

એક મોટી માછલીએ કહ્યું, 'આપણે સૌ સામેના કિનારે જતાં રહીએ. અહીં નથી રહેવું!'

બધાંએ એની વાત માની લઈને કિનારો બદલ્યો... પણ ત્યાં બીજો એક માછીમાર રોજ રોજ આવતો હતો. માછલીઓની સમસ્યા તો એની એ જ રહી. બધી માછલીઓ ચર્ચા કરવા ભેગી કરવી. તેમણે પેલી મોટી માછલીને કહ્યું, 'જો, તે કહ્યું એમ કર્યું છતાં અહીં પણ માછીમાર આવી ગયા અને આપણા કેટલાય સાથીઓને, કેટલાંય બચ્ચાંને લઈ ગયા. હવે કોઈ બીજો ઉપાય કરવો પડશે.'

'હા, સાચી વાત છે. હવે મને એમ થાય છે કે આપણે બધા આપણા મચ્છીદાદા પાસે જઈને વાત કરીએ. એ કંઈક ઉપાય ચોક્કસ બતાવશે.' 

બધી માછલીઓને એની વાત ગળે ઉતરી ગઈ. નક્કી કરેલા સમયે સૌ મચ્છીદાદાને મળવા નીકળી પડી. 

આ બધાને દૂરથી આવતા જોઈને મચ્છીદાદાને મનમાં વિચાર આવ્યો: નક્કી પહેલાં જેવી તકલીફ ફરી થઈ લાગે છે. 

નાનીમોટી બધી માછલીઓ પહોંચી ગઈ એટલે દાદાએ કહ્યું, 'આવો આવો, શું થયું?'

'મચ્છીદાદા, અમને એક નવો માછીમાર રોજ હેરાન કરે છે. કેટલીય માછલીઓને જાળમાં ફસાવીને લઈ જાય છે. અમે ઘણા ઉપાય કર્યા, પરંતુ એ કામ ન લાગ્યા. હવે તમે જ કોઈ રસ્તો બતાવો કે જેથી અમે માછીમારની જાળથી બચી શકીએ.'

'તમે લોકો ચિંતા ન કરશો.'

'મચ્છીદાદા, તમારી પાસે એવો તે કેવો ઉકેલ છે? જલદી કહો.'

'જુઓ, મને જાણવા મળ્યું હતું કે એ માછીમાર ખૂબ જ લાલચુ છે. એને કોઈ લાલચ આપીને જ બચી શકાશે. હું કહું એવું તમારે કરવાનું છે. બોલો, છો તૈયાર?' 

'હા, ચોક્કસ. અમારો જીવ બચાવવા અમે તમે એ બધું જ કરીશું.' 

'માછીમાર કિનારે આવે એટલે તમારામાંથી કોઈ એક માછલીએ એને કહેવાનું કે તું આમ રોજ થોડી થોડી માછલીઓ લઈ જાય છે એના કરતાં હું તને ઘણી સારી અને વધારે માછલીઓ મળે એવી જગ્યાએ લઈ જાઉં તો? ત્યાં તો માછલીઓ જ નહીં, દરિયાઈ ખજાનો પણ છે. કિંમતી હીરા-મોતી છે. તે વેચીને તું જલદી ધનવાન બની જઈશ. આ સાંભળીને માછીમાર તમારી સાથે આવશે. તમારે એને છેક દરિયાના તળિયે સુધી લઈ જવાનો. એ ત્યાંથી પાછો બહાર નીકળી શકશે નહીં અને તમને કાયમની શાંતિ થઈ જશે.'

મચ્છીદાદાની વાત સાંભળીને માછલીઓ રાજી રાજી થઈ ગઈ. એમણે નક્કી કરી લીધું કે હવે માછીમાર આવે એટલે મોટી માછલી સામેથી એની પાસે જશે અને મચ્છીદાદાએ કહી એ વાત એને કરશે. 

બીજા દિવસે માછલીઓ પાણીમાં છબછબીયાં કરતી હતી ત્યાં પેલો માછીમાર પોતાની હોડીમાં આવ્યો. એ પોતાની જાળ પાણીમાં નાખવા જાય તે પહેલાં જ મોટી માછલી એની પાસે જઈને બોલી, 'માછીમારભાઈ, એક મિનિટ. તમે અમને તમારી જાળમાં ફસાવીને લઈ જાવ એ પહેલાં હું તમને કશુંક કહું?'

'મારે કોઈ વાત નથી સાંભળવી.'

'તમારા ફાયદાની વાત છે.' 

લોભી માછીમારને થયું: મારા લાભની વાત? ચાલ, જાણી તો લઉં કે આ માછલી શું કહેવા માગે છે! એ બોલ્યો: 

'શું વાત છે, જલદી બોલ.' 

નક્કી કર્યું હતું એ મુજબ મોટી માછલી બોલી:

'ભાઈ, તમે આમ રોજ આવીને થોડી થોડી માછલીઓ લઈ જાઓ છો એનાં કરતાં તમને દરિયામાં છૂપાયેલો ગુપ્ત ખજાનો મળી જાય તો?  મને એવી એક જગ્યાની ખબર છે જ્યાં કેટલાય કિંમતી હીરા-મોતી છે. અમને તો આવા હીરા-મોતી કોઈ કામમાં ન આવે, પણ તમે તો તેને વેચીને ફટાફટ ધનવાન થઈ શકશો.' 

લાલચુ માછીમાર તરત બોલ્યો:

'એમ? તો ચાલ, મને તરત ખજાના પાસે લઈ જા. હું તારા સાથીઓને જાળમાંથી છોડી દઈશ.'

મોટી માછલીઓ મનોમન મલકી. એ કહે: 

'તમારી હોડીમાંથી કૂદકો મારો ને મારી પાછળ તરતાં તરતાં આવો.'

માછીમારે છલાંગ મારી. માછીમારો સારા તરવૈયા હોય છે. એ તો મોટી માછલીના પાછળ પાછળ, દરિયામાં વધુ ને વધુ નીચે જવા લાગ્યો. મોટી માછલી તો એને છેક દરિયાનાં તળિયા સુઘી લઈ ગઈ. આટલા ઊંડાણમાં માછીમારને તકલીફ પડવા લાગી. એણે હાથનો ઈશારો કરીને પૂછ્યું:  

હજુ કેટલો દૂર છે ખજાનો?

માછલી કહે: 

'બસ, હવે નજીકમાં જ છે...'

થોડી વાર પછી માછીમારે ફરી ઈશારો કરીને પૂછ્યું: હજુ કેટલું દૂર? માછલી કહે:

'બસ, થોડુંક આગળ...'

થોડી વાર પછી માછીમારે સંકેત કરીને સમજાવ્યું: બસ, હવે મારાથી વધારે આગળ જઈ શકાય એમ નથી...

'બસ, હવે નજીકમાં જ છે ખજાનો... આવો તો ખરા! તમે ખુશ થઈ જશો...'

માછીમાર કહે: ના, ના.. હવે મારાથી આગળ નહીં અવાય!

એ ઉપરની તરફ જવા લાગ્યો, પણ એ એટલો ઊંડે આવી ગયો હતો કે ફટાફટ સપાટી પર પહોંચી શકે તેમ પણ નહોતું. એણે બહુ કોશિશ કરી, પણ એના શ્વાસે જવાબ દઈ દીધો. એ વધારે સમય માટે શ્વાસ રોકી ન શક્યો. દરિયાનું પાણી એના નાક અને મોં વાટે શરીરમાં ઘૂસી ગયું ને જોતજોતામાં એનું પ્રાણપંખેરું ઉડી ગયું. 

મોટી માછલી સમજી ગઈ. એ તો આસાની પોતાના દોસ્તારો પાસે પહોંચી ગઈ. એણે કહ્યું: 

'હવે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. માછીમારે જળસમાધિ લઈ લીધી છે...'

આ સાંભળીને બધી માછલીઓએ રાહતનો શ્વાસ લીધો. સૌએ મચ્છીદાદાનો આભાર માન્યો. તેઓ કહે:  

'હવે બીજા માછીમારોને પણ ખબર પડી જશે કે અહીં જવા જેવું નથી. એટલે હવે તમને કોઈ હેરાન કરવા નહીં આવે.' 

એવું જ થયું. 

...ને પછી માછલીઓ આનંદપૂર્વક રહેવા લાગી.

તો જોયુંને, બાળમિત્રો! માછીમારે ખજાનાની લાલચ થઈ ને એ પોતાનો જીવ ગુમાવ્યો. લાલચ એક દુર્ગુણ છે. તેથી ક્યારેય કોઈ વસ્તુનો લોભ કરવો નહીં. 

Tags :