Updated: Mar 17th, 2023
- હસમુખ રામદેપુત્રા
એ ક સુંદર મજાનું નગર હતું. આ નગરમાં એક પૈસાદાર શેઠ રહેતા હતા. તેઓ ખૂબ જ લોભી હતાં. દાન-પુણ્યમાં કંઈ સમજતાં નહીં.
એક વાર એક દરિદ્ર દીનદયાળ તે નગરમાં આવી ચડયો. ફરતાં ફરતાં તેનો ભેટો શેઠ સાથે થઈ ગયો. તેણે તેની પાસે થોડા પૈસાની માગણી કરી. શેઠે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે દીનદયાળને ધન તો ન આપ્યું, પણ એક અરીસો આપીને કહ્યું : તું આ અરીસો રાખ. જ્યારે કોઈ મહામૂર્ખ તને મળે ત્યારે તમે તેને આ અરીસો ભેટ આપજે. પછી જ હું તને મદદ કરીશ. દરિદ્ર દીનદયાળે અરીસાનો સ્વીકાર કર્યો. મનમાં કંઈ પણ દુ:ખ લગાડયાં વગર તે ચાલતો થયો. તે ઘણાં વર્ષો સુધી ફર્યો, પરંતુ તેને કોઈ મૂર્ખ માણસ ન મળ્યો. અરીસો એની પાસે જ રહ્યો.
એક વાર તેને ખબર પડી કે અરીસો આપનાર શેઠ મરવાની તૈયારીમાં છે. તે શેઠ પાસે જઈ પહોંચ્યાં.
દીનદયાળે જોયું તો શેઠ પલંગમાં પડયાં પડયાં રડતા હતા. એ ઊભા થવા અશક્તિમાન હતા. તેમનામાં કશું જ કરવાની તાકાત ન હતી. એમના પરિવારનો એક પણ સભ્યા આસપાસ નહોતો. સાવ એકલા હતા એ. વળી, એ ભયંકર રોગથી પીડાતા હતા. આ તકનો લાભ લઈ કેટલાક લોકો શેઠની સંપત્તિ પૈસા-વસ્તુ લઈને ચાલતા થયા. શેઠ ફક્ત લાચાર થઈને જોતા રહ્યા. તેઓ કંઈ ન કરી શક્યાં.
દીનદયાળે લોભી શેઠને અરીસો આપતાં કહ્યું : આ દુનિયામાં મોટા મહામૂર્ખ આપ જ છો. તેથી આ તમારો અરીસો તમે જ રાખો. તમે સંપત્તિ એકઠી કરવામાં જ સમજ્યા, વાપરવામાં કે દાનપુણ્યમાં સમજ્યા નહીં, તેથી તમારી આ દશા થઈ! શેઠે વાતનો સ્વીકાર કર્યો, પણ હવે શું થાય? ખરેખર, અતિ લોભ તે પાપનું મૂળ છે.