- 'શેઠને મજા નથી, ડૉક્ટરે ફક્ત સફરજન જ ખાવાનું કહ્યું છે. હું ત્રણસો રૂપિયા આપવા તૈયાર છું.' પસાભાઈએ લાચારીથી કહ્યું, 'અત્યારે તો તારે ખાલી હાથે જ પાછું ફરવું પડશે.'
- પ્રકાશ કુબાવત
પસાભાઈ નામે એક ખેડૂત હતો. તે બહુ લાલચી હતો. વાડીમાં તે ઘઉં, બાજરી વગેરે વાવતો અને તેમાંથી તેનું ગુજરાન સારી રીતે ચાલતું હતું.
પણ એક વખત નવનીતભાઈએ તેને કહ્યું, 'ખાવાના ધાન્ય કરતાં રોકડિયો પાક કપાસ વાવીએ તો વધારે પૈસા મળે. હું બે વર્ષથી કપાસનું વાવેતર કરું છું અને મને સારો નફો મળે છે.'
પસાભાઈને નવનીતભાઈની વાત ગળે ઉતરી ગઈ. બીજા વર્ષે તેણે કપાસનું વાવેતર કર્યું અને તેમાં તેને સારો નફો મળ્યો.
ચારેક વર્ષ પછી ગામમાં જયંતીભાઈ આવ્યા. બંને સાથે ભણતા હતા. જયંતીભાઈ રામપુરમાં સ્થાયી થયા હતા અને ત્યાં ખેતી કરતા હતા. બંનેએ સુખ-દુ-ખની ઘણી વાતો કરી. વાતવાતમાં જયંતીભાઈએ કહ્યું, 'મારે તો લીલાલહેર છે. હું બાગાયતી ખેતી કરું છું. વાડીમાં ઘણાં બધાં ફળોનાં ઝાડ છે- ચીકુ, પપૈયાં, જામફળ, બોર વગેરેનો બગીચો ફળ્યો છે. હમણાં જ નવું ઘર પણ બનાવ્યું છે અને છોકરો મેડિકલમાં ભણે છે, જેની ફી આ બગીચાની કમાણીમાંથી નીકળી જાય છે.'
પસાભાઈને હવે લાગ્યું કે દર વખતે કપાસ જ વાવવો એ ભૂલ છે, ફળોના બગીચામાં જ વધારે કમાણી છે. એમ વિચારી તેમણે કપાસ કાઢીને ફળોનો બગીચો બનાવ્યો. ત્રણ-ચાર વર્ષમાં બધાં ઝાડોમાં ફળ આવવા લાગ્યાં. વાડી જામફળ, ચીકુ અને બોરથી ઉભરાવા લાગી અને કમાણી પણ સારી થવા લાગી.
એક વખત નગરશેઠ બીમાર પડયા. ઉનાળાનો સમય હતો અને ડૉક્ટરે તેમને સફરજન ખાવાનું કહ્યું. નગરશેઠને ગામમાં ક્યાંય સફરજન મળ્યાં નહીં. તેમને આશા હતી કે કદાચ પસાભાઈની વાડીએ સફરજન મળી જાય, તેથી તેમણે નોકરને ત્યાં મોકલ્યો અને કહ્યું, 'ત્રણસો રૂપિયા ભાવ હોય તો પણ સફરજન લઈને જ આવજે, પૈસાની ચિંતા કરતો નહીં.'
નોકર ઝડપથી પસાભાઈની વાડીએ ગયો અને કહ્યું, 'મને એક કિલો તાજાં સફરજન આપો.'
પસાભાઈએ કહ્યું, 'ચીકુ, પપૈયાં અને જામફળ છે પણ સફરજન નથી.'
નોકરે આજીજી કરી, 'શેઠને મજા નથી, ડૉક્ટરે ફક્ત સફરજન જ ખાવાનું કહ્યું છે. હું ત્રણસો રૂપિયા આપવા તૈયાર છું.'
પસાભાઈએ લાચારીથી કહ્યું, 'અત્યારે તો તારે ખાલી હાથે જ પાછું ફરવું પડશે.'
રાત્રે પસાભાઈને ઊંઘ ન આવી. તેમને સફરજનના ત્રણસો રૂપિયા દેખાવા લાગ્યા. તેમણે વિચાર્યું કે બીજાં બધાં ફળો કરતાં સફરજનમાં વધુ નફો મળશે, મારે ફક્ત સફરજન જ વાવવા જોઈએ. સવારે જઈને પસાભાઈએ પપૈયાં, બોર અને જામફળના ઝાડ કાઢી નાખ્યાં! તેઓ સફરજનના રોપા લેવા શહેર ગયા. શહેરમાં ક્યાંય સફરજનના રોપા મળ્યા નહીં. નિરાશ થઈને તેઓ તેમના મિત્ર દીપકભાઈ પાસે ગયા. દીપકભાઈએ સમજાવ્યું, 'સફરજનને આપણું હવામાન અનુકૂળ નથી, તે ઠંડા પ્રદેશમાં જ થાય છે. અહીં તમને તેના રોપા નહીં મળે.'
પસાભાઈને હવે સમજાયું કે લાલચ બુરી બલા છે. વધુ ધનવાન થવાની લાલચમાં તેમણે જે હતું તે પણ ગુમાવ્યું.


